નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી
તમારા ઘરે બપોરના ગાળે ટપાલી બુમ પાડે “ટપાઆઆઆલ . . .” અને તમે દોડીને ટપાલ લઈ આવો. એમાંની એક ટપાલમાં તમારા કોઈ સ્વજનનો પત્ર હોય અને લખ્યું હોય કે “માતાજીના આશીર્વાદથી અહીં સૌ સારા વાના છે, જંતિનો છોકરો સરકારી નોકરીમાં પાસ થઈ ગયો છે. તમો સૌ ત્યાં મજામાં હશો, અમો સૌ પણ અહીં મજામાં છીએ. જત જણાવવાનું કે આવત મહિનાની ફલાણી-ઢીકણી તારીખે અમે સૌ ફલાણા ઢીકણા રેસ્ટોરન્ટમાં ફલાણી ઢીકણી ડિશ ખાવા જવાના છીએ. તો એ પહલાં બોલ્યું ચાલ્યું માફ કરશો, અમારાથી કોઈ ભુલ થઈ ગઈ હોય તો પણ માફ કરશો. અમે ફલાણી-ઢીકણી તારીખે ફ્લાણી ઢીકણી ડીશ ખાઈ લીધા બાદ જીવતા હોઈશું તો પત્ર દ્વારા જાણ કરીશું.”
અલ્યા . . . આવું તે કાંઈ હોતુ હશે ? હા, વર્ષો પૂર્વે જાપાનમાં આવા પત્રો લખાતા અને એ પત્ર મળે ત્યારે જે તે ફેમિલીના સગાઓ એ ફેમિલીના ક્ષેમકુશળના સમાચારનો બીજો પત્ર મળે નહિ ત્યાં સુધી સતત પ્રાર્થનાઓ કરતા. હા, જાપાન દેશના લોકોનો મુખ્ય આહાર સી ફૂડ છે. આ દરિયાઈ જીવોમાં જોવા મળતી એક માછલી જેને જાપાની લોકો ‘ફુગુ’ કહે છે તેને ખાવા જો કોઈ જવાના હોય તો આવા પત્રો લખાતા. મૂળમાં વાત એમ છે કે ’ફુગુ’ તરીકે ઓળખાતી માછલી એટલે કે પફર ફિશના લિવરમાં એક ઝેરની કોથળી હોય છે જે ઝેર અત્યંત ઘાતક હોય છે. હવે આ વાત જાપાની રસોયાઓ પણ જાણે છે. પણ ફુગુનું માંસ એટલું સ્વાદિષ્ટ છે કે જાપાની લોકો આ જોખમ જાણતા હોવા છતાં આ માછલીનું માંસ ખાવા જીવના જોખમે પણ હોટલમાં જાય છે. શક્ય છે કે માનવની જોખમ લેવાની વૃત્તિ જ ફુગુના માંસ ખાવા પ્રેરતી હોય.
હવે ચાલો મૃત્યુનું જોખમ લઈને પણ ફુગુ માછલીનું માંસ ખાવા જતાં હોય તે શા માટે એ સમજીએ. જાપાનમાં માછલીની એક વાનગી ખૂબ પ્રખ્યાત છે અને તેને તે લોકો સુશી કહે છે. સુશી એટલે કે જે રસોયો એટલે કે શેફ માછલીના શરીરની કાગળ જેટલી પાતળી સ્લાઈસ કાપીને કાચે કાચી પીરસે તે ડિશને સુશી કહે છે. આ સુશી બનાવવા માટે પણ શેફ માટે ખાસ કૌશલ્ય જોઈએ. ફુગુ માછલી જેને દુનિયા પફર ફિશના નામે ઓળખે છે તેની સુશી જો બનાવવી હોય તો તે માટેના ડિપ્લોમા કોર્સ ચાલે છે અને સરકાર માન્ય સંસ્થાઓના ડિપ્લોમા હોલ્ડર શેફ જ ફુગુની સુશી બનાવી શકે છે. આ શેફથી જો સહેજ અમસ્તી ભૂલ થાય અને ફુગુના લિવરમાં રહેલી ઝેરની કોથળીમાંથી એક ટીપું ઝેર પણ સુશીમાં ભળ્યું તો ખાનાર સર્વેનું રામનામ સત્ય . . .
ચાલો આ પફર ફિશ ઉર્ફ ફુગુની વિશેષતાઓ અંગે જાણીએ. સમગ્ર વિશ્ર્વમાં પફર ફિશની આશરે ૧૦૦ જેટલી જાતિઓ જોવા મળે છે. વિશ્ર્વના તમામ ઉષ્ણકટિબંધીય સમુદ્રોમાં તે જોવા મળે છે. આ માછલી મોટે ભાગે દરિયાના છીછરા રેતીલા તળિયે અને કોરલ રીફમાં વસતી હોય છે. વિશ્ર્વની સૌથી મોટી પફર ફિશ માલદિવમાં જોવા મળે છે. તેનું નામ છે સ્ટારી પફર ફિશ અને તે લગભગ એક મીટર એટલે કે ત્રણ ફૂટ જેટલી લાંબી હોય છે. જ્યારે માલદિવમાં જ વ્હાઇટ સ્પોટેડ પાફર ફિશ જોવા મળે છે જે માત્ર આઠ સેન્ટિમીટર જેટલી ટચૂકડી હોય છે. વિશ્ર્વની અન્ય માછલીઓની જેમ પફર ફિશના શરીર પર ભીંગડા નથી હોતા, પરંતુ જાડી ખરબચડી ચામડી હોય છે. અમુક પફર ફિશના શરીર પર કાંટા પણ જોવા મળે છે.
પફર ફિશ પોતાના શિકારીઓથી બચવા એક અનોખી પ્રયુક્તિ યોજે છે. તેના પર વીળયલો થાય એટલે તે પોતાના શરીરમાં આવેલી એક કોથળીમાં પાણી અથવા હવા ભરીને મોટી ફુગ્ગા જેવી બની જાય છે જેથી તેના શરીર પરના કાંટા અને કદને કારણે શિકારી તેનો શિકાર કરી શકે નહીં. પફર ફિશને મોંમાં ઉપર નીચે બે બે એમ કુલ મળીને ચાર દાંત હોય છે જેના દ્વારા તે પોતાના છીપલા જેવા શિકારના કઠોર કવચને તોડી શકે છે.
પફર ફિશ ઝેરી હોવા છતાં શાર્ક તેને ખાઈ જાય છે અને શાર્કને તેના ઝેરની અસર પણ થતી નથી. પફર ફિશના લિવરમાં આવેલી ઝેરની કોથળીમાં ટેટ્રોડોટોક્સિન નામનું ન્યૂરોટોક્સિન ઝેર હોય છે. આ ઝેર સાયનાઈડ કરતાં પણ આશરે ૧૨૦૦ ગણું ઘાતક ગણાય છે. પફર ફિશ પર જ્યારે હુમલો થાય ત્યારે તે ફૂલીને મોટા દડા જેવી થાય છે અને એ જ સમયે તેના ઝેરના અંગમાંથી તેની સમગ્ર ત્વચા પર આ ઝેર ફેલાઈ જાય છે. પફર ફિશના ઝેરના અંગમાં રહેલું ઝેર એક સાથે લગભગ ૩૦ જેટલા પુખ્ત વ્યક્તિઓને મારવા માટે પૂરતું
હોય છે.