તર્કથી અર્ક સુધી -જિજ્ઞેશ અધ્યારુ
ભગવાન શ્રી રામ તેમના ચૌદ વર્ષના વનવાસ દરમ્યાન ઋષિ અગસ્ત્યને તેમના આશ્રમમાં મળે છે. રામાયણનો આ અત્યંત મહત્ત્વનો પ્રસંગ છે કારણ કે એ પછીની કથાની ભૂમિકા એ પૂર્ણપણે સ્પષ્ટ કરી આપે છે. એ વાર્તાલાપ દરમ્યાન ભગવાન શ્રી રામ ઋષિ અગસ્ત્યને લંકાપતિ દશાનન રાવણ વિશે, એની વંશપરંપરા, એના રાજ્ય, એની શક્તિઓ, એનાં યુદ્ધો અને એના જય – પરાજય વિશે વિગતો પૂછે છે. આ પહેલાના લેખમાં ગયા અઠવાડિયે જોયું એમ બ્રહ્માના પુત્ર પુલસ્ત્યથી લઈને મુનિ વિશ્રવા સુધી અને એમની પત્નીઓ કૈકસી અને દેવવર્ણિની તથા એમનાથી થયેલા પુત્રો, કુબેર, રાવણ, કુંભકર્ણ, વિભીષણ અને શૂર્પણખા સુધીનો પૂર્ણ વંશવિસ્તાર તથા રાવણના જન્મથી લઈને બ્રહ્માજીની તપશ્ર્ચર્યા અને એના વરદાન પ્રાપ્તિ સુધીનો આખો ઇતિહાસ ઋષિ અગસ્ત્ય વિગતો સાથે ભગવાન શ્રી રામને કહે છે.
એ જ કથામાં રાવણે કરેલાં યુદ્ધો અને એનાં પરાજયોની પણ વિગતે વાત ઋષિ અગસ્ત્ય કહે છે. એ જ કથાક્રમમાં રાવણ અને સહસ્ત્રાર્જુન વચ્ચેના નર્મદા કિનારે થયેલા એક અગત્યના યુદ્ધપ્રસંગનો
ઉલ્લેખ છે.
કથા એવી છે કે વરદાનને લીધે આત્મવિશ્ર્વાસથી ભરપૂર અને પોતાને અજેય ગણતો દશગ્રીવ એકવાર અગ્નિદેવના સ્થાન માહિષ્મતીપુરી પહોંચ્યો. ત્યાંનો અત્યંત પ્રતાપી અને પ્રભાવશાળી રાજા અર્જુન નર્મદા કિનારે પોતાની સ્ત્રીઓને લઈને વિહાર કરવા ગયો હતો. દંતકથા છે કે એ રાજા અર્જુનને અનેકો ભુજાઓ હતી અને એથી એનું નામ સહસ્ત્રાર્જુન પડી ગયું હતું. રાવણે એના મંત્રીઓ પાસે રાજા અર્જુનને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. અર્જુનના મંત્રીઓએ રાવણને કહ્યું કે એ અત્યારે વિહારાર્થે રાજ્યની બહાર છે એટલે મળી શક્શે નહીં.
આ સાંભળી રાવણ પશ્ર્ચિમના હિમાલય એવા વિંધ્ય પર્વત પર પહોંચ્યો જે ત્યારે અત્યંત દુર્ગમ, વિસ્તૃત અને ભયાનક ગણાતી પર્વતશૃંખલા હતી. નદીની અત્યંત ચોખ્ખી, બૃહદ, વેગવંતી પ્રભાવશાળી ધારાને જોઈ એ રહી ન શક્યો. પુષ્પકમાંથી ઊતરી દશગ્રીવ રાવણે શુક, મારીચ અને સારણ વગેરે મંત્રીઓ સાથે નર્મદાસ્નાન કર્યું.
મંત્રીઓને એણે કહ્યું, ‘જુઓ, મારા ડરથી સૂર્ય પણ પોતાનો તાપ ઓછો કરી ચંદ્ર જેવો શીતળ થયો છે, વાયુએ પણ પોતાની ગતિ ઘટાડી આપણને અનુકૂળ કરી છે અને જળ પણ કેવું હૂંફાળું થયું છે!’ પછી સ્નાનથી નિવૃત્ત થઈ એણે કિનારાની રેતીમાં
એક શિવલિંગ સ્થાપિત કર્યું અને મંત્રીઓએ આસપાસથી એકત્રિત કરી લાવેલાં પુષ્પોથી એનું પૂજન અર્ચન કર્યું.
રાવણ જ્યાં શિવલિંગની પૂજા કરી રહ્યો હતો ત્યાંથી થોડેક દૂર રાજા અર્જુન પોતાની રાણીઓ સાથે જલક્રીડા કરી રહ્યો હતો. એણે પોતાના અનેક હાથો વડે નદીના પટને બાંધી દીધો અને પાણી રોકી દીધું, રાવણ જ્યાં બેઠો પૂજા કરી રહ્યો હતો ત્યાં પાણીનું સ્તર સતત ઝડપથી વધતું રહ્યું અને અંતે સાગરની જેમ એ હિલોળા મારવા લાગ્યું.
રાવણે જોયું કે પહેલા જે નદી પૂર્વથી પશ્ર્ચિમ તરફ વહેતી હતી એ હવે પશ્ર્ચિમથી પૂર્વગામી થઈ રહી હતી, જળપ્રવાહ અને જળસ્તર સતત વધતું જઈ રહ્યું હતું. પોતાની પૂજા અધૂરી મૂકી એ ઊભો થઈ ગયો. એનું કારણ શોધવા સારણ હવામાં ઊંચે ચડ્યો
અને આગળ વધ્યો તો જોયું કે થોડે દૂર સહસ્ત્રાર્જુન એક વિશાળ વટવૃક્ષની જેમ નદીની મધ્યમાં ઉભો હતો, અનેક સ્ત્રીઓ સાથે એની જળક્રીડા ચાલી રહી હતી અને એના નેત્ર મદ્યને લીધે લાલ થયાં હતાં. એ અત્યંત શક્તિશાળી અને બળવાન લાગતો હતો. પાણીને એણે રોકી રાખેલું અને જળસ્તર હજુ વધી જ રહ્યું હતું.
રાવણને આ વાતની જાણ કરાઈ એટલે એણે પોતાની સેના સાથે સહસ્ત્રાર્જુન પર અચાનક હુમલો કરી દીધો. સહસ્ત્રાર્જુને સ્ત્રીઓને કહ્યું કે ભય પામવાનું કોઈ કારણ નથી અને એ જલદીથી પાછો આવશે. સહસ્ત્રાર્જુને પાણીમાંથી બહાર આવી પોતાની ગદા ઉપાડી અને પ્રહસ્તથી શરૂઆત કરી, પ્રહસ્તને ચપળતાથી હરાવી એણે રાવણના મંત્રીઓ મારીચ, શુક, સારણ અને ધુમ્રાક્ષ વગેરેને હરાવ્યા, એ બધાં ભાગી ગયા અને અંતે રાવણ અને અર્જુન સામસામે આવ્યા. પર્વતો પર જાણે ઉલ્કાપાત થતો હોય એમ બંનેની ગદાઓ એકબીજાને આઘાત કરતી રહી, એ ગદાઓના અથડાવાના ભયાનક અવાજને દસેય દિશાઓ પ્રતિધ્વનિત કરતી રહી. એના તણખા આકાશમાં મેઘગર્જના વખતે થતી વીજળીના ચમકારા જેવા હતા. બંને બળિયા હતા, એકને સહસ્ત્ર હાથ તો બીજાને વીસ હાથ.. અત્યંત ભીષણ યુદ્ધ જામ્યું. અર્જુને ગદાનો એક ભયાનક વેગવાન પ્રહાર કરતા રાવણને વક્ષ:સ્થળ પર ગદા મારી.
રાવણ વરદાનથી સુરક્ષિત હતો એટલે એ મર્યો નહીં પણ એ પાછળ ધકેલાઈ ગયો અને પીડાના લીધે બેસી ગયો. એ ક્ષણનો લાભ લઈ સહસ્ત્રાર્જુને પોતાના અનેક હાથ વડે એને જકડી લીધો અને એને બાંધી એક તરફ મૂકી દીધો. પછી જળક્રીડા પતાવી અને વિહારથી નિવૃત્ત થઈ સહસ્ત્રાર્જુન રાવણને લઈ માહિષ્મતીપુરી આવ્યો.
એ સમાચાર જાણી પુલસ્ત્યજીથી ન રહેવાયું. વાયુવેગે એ માહિષ્મતીપુરી પહોંચ્યા અને રાજા અર્જુનની મુલાકાત માગી. રાજાએ પૂરા આદર સહિત તેમને આવકાર્યા. તેમના ચરણ પખાળી રાજાએ પોતાની રાણીઓ અને મંત્રીઓ સાથે તપસ્વીને આવકાર્યા.
તપસ્વીએ અત્યંત નમ્રતાથી રાવણને છોડી મૂકવા રાજા અર્જુનને વિનંતિ કરી અને તપસ્વીની વાતનું માન રાખવા સહસ્ત્રાર્જુને કોઈ પણ ખચકાટ વગર એને છોડી મૂક્યો. સહસ્ત્રાર્જુનના બળની પ્રશંસા કરતા તપસ્વી પુલસ્ત્યજીએ રાવણને લંકા તરફ પ્રયાણ કરાવ્યું અને પછી પોતે પણ ત્યાંથી જતા રહ્યા.
આવો જ એક અત્યંત રસપ્રદ, પરંતુ ઓછો જાણીતો પ્રસંગ રાવણ અને વાલીના યુદ્ધનો પણ છે જે રાવણ ચરિત્રના આ પછીના ભાગમાં જોઈશું.