સંતાન પરત્વે માતાનો પ્રેમ વ્યક્ત કરવા શબ્દોની જરૂર નથી. મૂંગા જીવો પણ પોતાના સંતાનોની સારી સંભાળ લેતા હોય છે. આવો જ માતા-સંતાનનો પ્રેમ વડોદરા નજીકના ગામના લોોકએ જોયો. આમ તો દીપડાનું નામ પડે ને લોકોમાં ગભરાટ થાય પણ અહીંના લોકોએ જયારે દીપડીને જોઈ ત્યારે તેમને હાશકારો થયો અને તેમણે ઉજવણી કરી. આ ઘટના છે વડોદરાની બાજુમાં આવેલા જાફરાપુરાની. અહીંના ખેતરમાં એક દીપડી બે બચ્ચા સાથે જોવા મળી હતી. સોમવારે ખેતરમાં આવેલા એક માણસને ધ્યાનમાં આવ્યું કે અહીં એક બચ્ચું એકલું પડી ગયું છે અને માં ક્યાંય દેખાતી નથી. તેણે આની જાણ અહીંના સામાજિક કાર્યકર અને વન વિભાગને કરી. બન્ને તરત દોડી આવ્યા. વન વિભાગે ડોક્ટરને બોલાવી બચ્ચાની તપાસ કરી. બચ્યું સ્વસ્થ જણાયું, પણ તે મા ને શોધી રહ્યું હોય તે સ્પષ્ટ થતું હતું. વન વિભાગે એક બાસ્કેટમાં તેને મૂકી અને જંગલમાં ખૂલ્લું મૂક્યું હતું. અહીં તેઓએ એક સીસીટીવી કેમેરા ઈન્સ્ટોલ કર્યો અને તેને મોબાઈલ સાથે જોડી થોડે દૂર રહી તેના પર નજર રાખી. તમામ લોકો દિવસ-રાત જાગી તેના પર નજર રાખતા હતા. બે દિવસ માતા આવી જ નહીં. બુધવારે રાત્રે આવી અને બધા આનંદમાં આવી ગયા. માતાએ બચ્ચાને સુંઘ્યું, આમ તેમ જોયું અને પછી ત્યાંથી જતી રહી. આ જોઈ બધા દંગ રહી ગયા ને નિરાશ પણ થયા. બીજા દિવસે રાત્રે માતા ફરી આવી ને પોતાના બચ્ચાને આરામથી મોઢામાં પકડી ત્યાંથી નીકળી ગઈ. આ જોયા બાદ આખા ગામને ટાઢક વળી. ગ્રામજનોના કહેવા અનુસાર વિખૂટા પડેલા બચ્ચાને જોતા સમજાય જાય કે તે સતત માંને શોધી રહ્યું છે.
માનવજાત સાથે પ્રાણીજગત પણ એ જ લોહીના સંબંધથી બંધાયેલું હોય છે તેનો આ એક વધુ પુરાવો છે.