મેટા-માલિકીવાળી WhatsAppએ નવા IT નિયમો 2021નું પાલન કરતા ફેબ્રુઆરી મહિનામાં ભારતમાં રેકોર્ડ 45 લાખથી વધુ ખરાબ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકી દીધો હોવાની માહિતી મળી છે. કંપનીએ શનિવારે આ અંગે માહિતી આપી હતી. 1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરીની વચ્ચે દેશભરના 4,597,400 વોટ્સએપ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને તેમાંથી 1,298,000 પર સક્રિયપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, એમ વોટ્સએપે તેના માસિક અનુપાલન અહેવાલમાં જણાવ્યું હતું.
વોટ્સ એપ દેશભરમાં સૌથી લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ છે. દેશભરમાં વોટ્સ એપના લગભગ 500 મિલિયન વપરાશકર્તાઓ ધરાવે છે. તેને ફેબ્રુઆરીમાં દેશમાં રેકોર્ડ 2,804 ફરિયાદ મળી હતી. આ ફરિયાદોના નિવારણ માટે કંપની તરફથી કેટલાક પગલા ભરવામાં આવ્યા હતા અને અનેક વાંધાજનક એકાઉન્ટો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે યુઝર-સેફ્ટી રિપોર્ટમાં વોટ્સએપ દ્વારા મળેલી યુઝર ફરિયાદો અને લીધેલા પગલાંની વિગતો તેમજ અમારા પ્લેટફોર્મ પર દુરુપયોગનો સામનો કરવા માટે WhatsAppના પોતાના નિવારક પગલાંનો સમાવેશ થાય છે. અમે અમારા કામમાં પારદર્શક રહીશું અને ભવિષ્યના અહેવાલોમાં અમારા પ્રયત્નો વિશેની માહિતીનો સમાવેશ કરીશું.
દરમિયાન, લાખો ભારતીય સોશિયલ મીડિયા વપરાશકર્તાઓને સશક્ત બનાવવાના પ્રયાસમાં, ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી રાજ્ય મંત્રી, રાજીવ ચંદ્રશેખરે તાજેતરમાં ફરિયાદ અપીલ સમિતિ (GAC) શરૂ કરી છે, જે સોશિયલ મીડિયા પરના કન્ટેન્ટ અને અન્ય બાબતો પર ધ્યાન આપશે.