શિવ રહસ્ય -ભરત પટેલ
ગત સપ્તાહ સુધીનો સારાંશ: કુમાર ગણેશ અને કુમાર કાર્તિકેયનું મિલન થતાં ભગવાન શિવ નંદીને આદેશ આપે છે તમેઅશોકસુંદરી પાસે જઈ તેમને જણાવો કે બંને કુમાર કૈલાસ પર છે, તમારી હાજરી અનિવાર્ય છે. કહેણ મળતાં અશોકસુંદરી તુરંત કૈલાસ પધારે છે. કૈલાસ પર શિવ પરિવાર એકત્ર થતાં ઉત્સવ ઊજવવામાં આવે છે. ઉત્સવમાં દરેક કૈલાસવાસીને નવાં નવાં વસ્ત્રો પહેરેલા જોઈ કુમાર ગણેશ માતા પાર્વતીને કહે છે, ‘માતા, પિતાજી સાંસારિક વસ્ત્રો કેમ ધારણ કરતા નથી.’ માતા પાર્વતી કહે છે કે તેઓ આ રૂપમાં જ મને પ્રિય છે.’ પણ ભગવાન ગણેશ તેમની વાત ન માનતાં સુંદર વસ્ત્રોની વ્યવસ્થા કરી ભગવાન શિવને એ વસ્ત્રો ધારણ કરવા કહે છે. પુત્રને નારાજ ન કરતાં ભગવાન શિવ તે વસ્ત્રો ધારણ કરે છે. ભગવાન ગણેશ અશોકસુંદરી પાસે જઈ કહે છે કે ‘પિતાજી તો માતા કરતાં પણ વધુ સુંદર દેખાય છે, એ કેમ ચાલે.’ ભગવાન ગણેશની મથામણ ભગવાન શિવને સમજાતાં તેઓ પૂછે છે: ‘પુત્ર, આટલા અસમંજસમાં કેમ છો?’ તો ભગવાન ગણેશ કહે છે કે ‘પિતાજી, તમે ફરી તમારા જટાધારી વેશમાં આવી જાઓ.’ ભગવાન શિવ પ્રશ્ર્ન કરે છે કે ‘પુત્ર, શું તમને મારા સાંસારિક રૂપ અને જટાધારી રૂપ વચ્ચેના અંતરની ખબર પડી ગઈ.’ તેના જવાબમાં ભગવાન ગણેશ કહે છે, ‘સાંસારિક રૂપમાં તમે માતા કરતાં પણ વધુ સ્વરૂપવાન દેખાઓ છો અને હું નથી ઇચ્છતો કે કોઈ પણ મારી માતાથી સુંદર દેખાય, એટલે તમે તમારા વાસ્તવિક જટાધારી રૂપમાં જ પાછા ફરો.’ ભગવાન શિવ પોતાનું વાસ્તવિક સ્વરૂપ ધારણ કરતાં ભગવાન ગણેશ કહે છે, ‘તમારું આ જ રૂપ સુંદર છે.’ પ્રસન્ન ગણેશ તેમના બાંધવો સાથે રમવા જતાં માતા પાર્વતી કહે છે, ‘સ્વામી, હું ભયભીત હતી કે તમે ગણેશના તર્કથી ક્રોધિત થશો.’ ભગવાન શિવ જવાબ આપે છે, ‘નહીં પાર્વતી, સંતાનની જિજ્ઞાસાને ધૈર્ય અને સાચા તર્ક સાથે સંબોધવું અતિ આવશ્યક છે.
જો માતાપિતા જ યોગ્ય ઉત્તર ન આપે અને ક્રોધિત થાય તો બાળકોની જિજ્ઞાસાનો સમાધાનકારક ઉત્તર નહીં મળે અને તેઓની જિજ્ઞાસા તેમને ખોટા માર્ગે લઈ જઈ શકે છે જે ઉચિત નથી. ફક્ત જન્મ આપવો જ માતાપિતાનું કર્તવ્ય નથી હોતું, તેમણે પોતાનાં બાળકોના વ્યક્તિત્વનો સુધાર લાવવો પણ અનિવાર્ય હોય છે.’ અશોકસુંદરી સાથે રમવા ગયેલા ભગવાન ગણેશને કૈલાસ પર કોલાહલ સંભળાય છે. ત્યાં પહોંચી જોતાં તેમને સમજાય છે કે કૈલાસનિવાસીઓના ઘરમાં એક મોટા મૂષકે કાળો કેર વર્તાવ્યો છે. ભગવાન ગણેશ એ મૂષકને બંદી બનાવતાં ભગવાન શિવ મૂષકને સંબોધતાં કહે છે, ‘ગંધર્વ રાજ ક્રોંચ, ઊભા થાઓ.’ ભગવાન શિવના આશીર્વાદ મળતાં જ ગંધર્વ રાજ ક્રોંચ પોતાનું અસલ રૂપ મેળવે છે. તેઓ શિવ પરિવારના આશીર્વાદ લઈ ત્યાંથી વિદાય
લે છે.
***
ઘણા સમયથી કુમાર કાર્તિકેય દક્ષિણ ક્ષેત્રમાં ન હોઈ કૈલાસ ગયા હોવાની જાણ થતાં જ અસુરો મહારાજ નંબી પર આક્રમણ કરવાની તૈયારી કરે છે. ગુપ્તચરો દ્વારા માહિતી મળતાં મહારાજા નંબી કુમારને પરત ફરવા પત્ર મોકલે છે. પત્ર મળતાં જ કુમાર કાર્તિકેય ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદ લઈ દક્ષિણ ક્ષેત્ર પરત ફરે છે, ત્યાં કૈલાસ ખાતે અશોકસુંદરી પણ પોતાનું તપ અધૂરું છોડીને આવ્યાં હોવાથી તેઓ પણ ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદ લઈ વિદાય લે છે.
***
અશોકસુંદરી અને કુમાર કાર્તિકેય કૈલાસથી વિદાય લેતાં માતા પાર્વતી, ભગવાન શિવ ગણેશ સાથે અમૂલ્ય સમય વિતાવતાં હોય છે. એક દિવસ ભગવાન ગણેશ માતા પાર્વતીને કહે છે:
ભગવાન ગણેશ: ‘માતા, હું અને મારા મિત્રો કૈલાસથી થોડા દૂર વિહરવા જઈ શકીએ, જલદી આવી જઈશું.’
માતા પાર્વતી: ‘પુત્ર ગણેશ, તમે અને તમારા મિત્રો હજી ઘણા નાના છો. એકલા કૈલાસથી દૂર વિહરવા ન જઈ શકો.’
ભગવાન શિવ: ‘પાર્વતી, આપણો પુત્ર ગણેશ ગણોના પ્રમુખ છે. તમે એમના પર વિશ્ર્વાસ રાખી વિહરવા જવા દો.’
પિતા તરફથી પરવાનગી મળતાં જ કુમાર ગણેશ તેમના મિત્રો સાથે વિહરવા નીકળી પડે છે. ફરતાં ફરતાં કુમાર ગણેશને ભૂખ લાગે છે. થોડે દૂર તેઓને એક ગામ દેખાય છે.
કુમાર ગણેશ: ‘મિત્રો, થોડે દૂર દેખાતા ગામમાં જાઓ અને મારા માટે અન્ન લઈ આવો.’
કુમાર ગણેશના મિત્રો તેમની આજ્ઞાથી ગામમાં પહોંચે છે. તેઓ એક ગ્રામવાસીને કહે છે કે ‘અમે ભગવાન શંકર અને માતા પાર્વતીના પુત્ર કુમાર ગણેશ સાથે અહીં આવ્યા છીએ. કુમાર ગણેશને ભૂખ લાગી છે, તમે કંઈ અન્ન આપશો.’
એ ગ્રામવાસી તેમને કંઈ પણ અન્ન આપવાની કે મદદ કરવાની ના કહે છે. કુમાર ગણેશના મિત્રો આખા ગામમાં ફરી વળે છે, છતાં કોઈ પણ ગ્રામવાસી તેમને મદદ કરતા નથી. તેઓ થાકીહારી પરત ફરતાં કુમાર ગણેશ ક્રોધિત થાય છે અને ગામમાં પહોંચી
જાય છે.
કુમાર ગણેશ: ‘અહીં ગ્રામવાસીઓની એટલી હિંમત થઈ ગઈ છે કે તેઓ મને કંઈ પણ અન્ન આપવાની ના પાડે છે, તમને ખબર છે હું કોણ છું?’
એક ગ્રામવાસી: ‘કુમાર અમને ખબર છે કે તમે દેવોના દેવ મહાદેવ અને માતા પાર્વતીના પુત્ર ગણેશ છો, પણ અમે મજબૂર છીએ, છેલ્લાં કેટલાંક વર્ષોથી અહીં વરસાદ થયો નથી, અમારા ગામમાં અનાજનો એક દાણો પણ બચ્યો નથી, તમે જ કંઈક કરો.’
કુમાર ગણેશ: ‘મિત્રો, સમસ્યા તો ખૂબ મોટી છે. આખું ગામ ભૂખ્યું છે તેમની ક્ષુધા કોણ મિટાવશે? જાઓ ગામના ખૂણે ખૂણે ફરી વળો અને જમવાની કોઈ પણ સામગ્રી મળી આવે તો અહીં લઈ આવો.’
કુમાર ગણેશના મિત્રો ગામનો ખૂણેખૂણો ફરી વળે છે. સમસ્ત ગ્રામવાસીઓ જુએ છે કે કોઈ સામગ્રી તેમને મળે છે કે નહીં. થોડા જ સમયમાં તેઓ પાછા ફરે છે. કુમારના મિત્રને એક માંદી ગાય મળે છે જેની પાસેથી તેમને ફક્ત એક નાના પાત્રમાં દૂધ મળે છે. બીજા મિત્રને થોડાઘણા ચોખાના દાણા મળે છે. ત્રીજા મિત્રને એક જગ્યાએ નાના અમસ્તા ગોળના બે ટુકડા મળે છે. કુમાર ગણેશ પ્રસન્ન થઈ જાય છે અને ગ્રામવાસીઓને કહે છે: કુમાર ગણેશ: ‘ગ્રામવાસીઓ, જુઓ આપણા માટે ખીરની સામગ્રી આવી ગઈ છે. આપણે આમાંથી ખીર બનાવીશું અને આખું ગ્રામ એનું સેવન કરીશું.’
થોડી અમસ્તી સામગ્રી જોઈ ગ્રામવાસીઓ નારાજ થઈ ત્યાંથી ચાલ્યા જાય છે. એક ગ્રામવાસી કહે છે: ‘કુમાર, આટલી અમસ્તી સામગ્રીમાં તો કોઈ મૂષક પણ પેટ નહીં ભરી શકે, અહીં તો આખું ગામ ભૂખ્યું ઊભું છે, એમની ક્ષુધા કઈ રીતે શાંત થશે?’
કુમાર ગણેશ: ‘માન્યવર, તમે ખીર તો બનાવો. મને ખાતરી છે કે આ સામગ્રીથી આખા ગામની ક્ષુધા શાંત થઈ જશે.’
બધા ગ્રામવાસીઓ ત્યાંથી જતા રહે છે, પણ એક વૃદ્ધ સ્ત્રી કુમાર ગણેશ પર વિશ્ર્વાસ દાખવી કહે છે, ‘કુમાર, મને તમારા પર વિશ્ર્વાસ છે, હું ખીર બનાવીશ.’ અને વૃદ્ધા ખીર બનાવવાની તૈયારી કરે છે. તે એક નાનું વાસણ લઈ અગ્નિ પેટાવે છે. એ જોઈ કુમાર ગણેશ કહે છે: ‘માતા, આ બહુ નાનું પાત્ર છે. ગામનું સૌથી મોટું પાત્ર તમે મગાવો અને તેમાં ખીર બનાવો.’
વૃદ્ધા ગામનું સૌથી મોટું પાત્ર મગાવી તેને અગ્નિ પર ચઢાવે છે. પાત્ર ગરમ થતાં જ તેમાં દૂધ, ગોળ અને ચોખા નાખી ઉકાળે છે. ઊકળતાં ઊકળતાં તેમાં ચમત્કાર થાય છે અને આખું પાત્ર છલકાવા માંડે છે. છલકાઈ રહેલાં પાત્રને જોઈ ગ્રામવાસીઓ આનંદિત થઈ જાય છે. ગ્રામવાસીઓ કુમાર ગણેશનો જયજયકાર કરે છે.
કુમાર ગણેશ: ‘જયજયકાર મારો નહીં આ માતાજીનો કરો, તેમણે હિંમત કરીને મને સહકાર આપ્યો ન હોત તો ખીર કદાપિ બની શકત નહીં. તમે તો હાર માની લીધી હતી કે આટલી સામગ્રીમાંથી ખીર કઈ રીતે બની શકે, પણ તેમણે કઠિન પરિસ્થિતિમાં પણ નિરાશાને જીતવા ન દઈ ખીર બનાવી. તેમણે સિદ્ધ કરી બતાવ્યું છે કે પરિસ્થિતિ ગમે તેવી હોય, મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી. આ ખીર તમારા બધા માટે છે અને જ્યાં સુધી વરુણદેવ પ્રસન્ન થઈ વર્ષારાણીનું આગમન ન થાય ત્યાં સુધી આ ખીર આમ ને આમ બનતી રહેશે.’
એક પછી એક ગ્રામવાસીઓ ખીરનો આનંદ માણે છે અને પોતાની ક્ષુધા શાંત કરે છે. (ક્રમશ:)