એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડાની ૨૦ જાન્યુઆરીએ ત્રણ વર્ષની મુદત પૂરી થવાની છે ને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખપદે હવે પછી કોણ આવશે તેના પર સૌની નજર મંડાયેલી છે. મીડિયામાં મોદી સરકારના બે મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને ધર્મેન્દ્ર પ્રધાન પ્રમુખપદ માટે પ્રબળ દાવેદાર છે એવી વાતો ચાલે છે. યુવા નેતા અનુરાગ ઠાકુરના નામની પણ ચર્ચા છે ને કોઈ કોઈ ઠેકાણે તો ગુજરાતની ચૂંટણીમાં ભાજપને ભવ્ય જીત અપાવનારા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટિલનું નામ પણ ચાલી રહ્યું છે.
કેટલાક વળી એવું પણ કહે છે કે, જે.પી. નડ્ડાને ફરી ત્રણ વર્ષ માટે રિપીટ કરાશે કેમ કે આ વરસે કર્ણાટક, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા સહિતનાં ભાજપ માટે અત્યંત મહત્ત્વનાં નવ રાજ્યોની વિધાનસભા ચૂંટણી છે. જમ્મુ અને કાશ્મીરમાં પણ વિધાનસભાની ચૂંટણી થઈ શકે. વરસ પૂરું થાય પછી પાંચ મહિનામાં લોકસભાની ચૂંટણી આવશે. આમ દોઢ વર્ષના ગાળામાં ભાજપ માટે મહત્ત્વની ગણાય એવી બહુ બધી ચૂંટણીઓ છે તેથી નરેન્દ્ર મોદી કોઈ જોખમ ઉઠાવવા માંગતા નથી.
આ કારણે નડ્ડાને ફરી રિપીટ કરાશે કેમ કે નડ્ડા સંગઠનના જાણકાર છે અને છેલ્લાં ત્રણ વર્ષમાં તેમણે સંગઠનને મજબૂત કરવા ભારે દોડાદોડી કરી છે તેથી ચૂંટણીઓમાં એ વધારે ખપના સાબિત થાય. જો કે મોદી આશ્ચર્યો સર્જવા માટે જાણીતા છે અને તેમની આદત પ્રમાણે કંઈ પણ કરી શકે છે. ભૂપેન્દ્ર યાદવ, ધર્મેન્દ્ર પ્રધાન, અનુરાગ ઠાકુર, સી.આર પાટિલ વગેરે બધા બાજુ પર રહી જાય ને નડ્ડા પણ રિપીટ ના થાય એવું બને. તેના બદલે કોઈએ ધાર્યું ના હોય એવા નામ પર કળશ ઢોળાઈ જાય એવું બને.
ખેર, ભાજપના પ્રમુખપદે કોણ આવશે તેની ખબર આજ સાંજ સુધીમાં ને બહુ બહુ તો મંગળવાર સાંજ સુધીમાં પડી જ જવાની છે તેથી અટકળોનો બહુ અર્થ નથી. વાસ્તવમાં તો ભાજપમાં રાષ્ટ્રીય પ્રમુખપદે હવે પછી કોણ આવશે એ વાતનો પણ અર્થ નથી કેમ કે હવે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખપદનો હોદ્દો શોભાના ગાંઠિયા જેવો બની ગયો છે. રાષ્ટ્રીય પ્રમુખપદે બેસનારે નરેન્દ્ર મોદીના આદેશોના પાલન સિવાય બીજું કશું કરવાનું જ નથી હોતું. મોદી કહે તેનો આંખ મીંચીને અમલ કરવો ને પોતે રાષ્ટ્રીય પ્રમુખપદે બેઠા છે તેનો અહેસાસ કરાવવા માટે છાસવારે મીટિંગો ને કાર્યક્રમો કર્યા કરવા એ સિવાય ભાજપ પ્રમુખ પાસે બીજું કંઈ કામ જ નથી.
બીજું બધું તો છોડો પણ રાષ્ટ્રીય પ્રમુખપદે આવનારી વ્યક્તિ પોતાની ટીમ સુધ્ધાં જાતે નક્કી કરી શકતી નથી. રાષ્ટ્રીય કક્ષાના હોદ્દેદારોથી માંડીને પ્રદેશ પ્રમુખ સુધીની બધી નિમણૂકો મોદીને પૂછીને જ કરવાની હોય છે એ જોતાં રાષ્ટ્રીય પ્રમુખપદે હવે પછી કોણ આવશે તેનાથી કોઈ ફરક પડતો નથી. રાષ્ટ્રીય પ્રમુખપદે જે પણ આવશે તેણે મોદીની જીહજૂરી કરવા સિવાય કશું કરવાનું નથી.
જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને છેક હમણાં લગી સોનિયા ગાંધીના સમયમાં પણ કૉંગ્રેસમાં વ્યક્તિવાદની બોલબાલા હતી. જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી જે નિર્ણય લે એ સર્વમાન્ય હોય. તેમને ઠીક લાગે એ સવા વીસ જ હોય એવી સ્થિતિ હતી. કૉંગ્રેસમાં કહેવાતી લોકશાહી હતી ને કહેવા ખાતર સીડબલ્યુસીમાં નિર્ણયો લેવાતા પણ વાસ્તવમાં નિર્ણય એક જ વ્યક્તિ લેતી હતી. ભાજપમાં એ જ હાલત છે.
ભાજપમાં પણ પાર્લામેન્ટરી બોર્ડ, રાષ્ટ્રીય કારોબારી વગેરે છે પણ નિર્ણયો તો મોદી જ લે છે તેથી રાષ્ટ્રીય પ્રમુખપદે ગમે તે આવે કોઈ ફરક પડતો નથી.
મોદી જે.પી. નડ્ડાને રિપીટ કરી શકે કેમ કે નડ્ડા તેમના કહ્યાગરા ને જીહજૂરિયાની કેટેગરીમાં ફિટ બેસે છે. બલ્કે આ કેટેગરીમાં શ્રેષ્ઠ માણસ છે. મોદી માટે આ દોઢ વરસ મહત્ત્વનું છે કેમ કે ૨૦૨૪માં ભારતમાં લોકસભાની ચૂંટણીઓ થવાની અને એ પહેલાં દેશનાં કમ સે કમ નવ રાજ્યોની વિધાનસભા ચૂંટણી છે. લોકસભાની ચૂંટણીમાં જીતવા આ રાજ્યોમાં સારો દેખાવ કરવો જરૂરી છે. બલ્કે ભાજપનું વર્ચસ્વ જાળવવું જરૂરી છે.
અત્યારે ત્રિપુરામાં ભાજપની સરકાર છે. નાગાલેન્ડમાં નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી સત્તારૂઢ છે પણ ભાજપ સાથે તેનું જોડાણ છે. મધ્ય પ્રદેશ અને કર્ણાટકમાં ભાજપ એકલા હાથે સત્તાસ્થાને છે. મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટ સત્તામાં છે પણ ત્યાં પણ ભાજપ તેની સાથે છે. ભાજપ માટે આ પાંચેય રાજ્યોમાં સત્તા જાળવવાનો પડકાર છે. છત્તીસગઢ અને રાજસ્થાનમાં કૉંગ્રેસની સરકાર છે જ્યારે તેલંગાણામાં તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)ની સરકાર સત્તામાં છે. ભાજપ આ રાજ્યોમાં સત્તા કબજે કરવા માગે છે તેથી આ ચૂંટણી નિર્ણાયક છે. મોદી આ કારણે નડ્ડાને રિપીટ કરી નાખે એવું બને.
મોદી એકહથ્થુ શાસન ચલાવે છે એ દેખીતું છે પણ તેને સહન કર્યા વિના ભાજપનો છૂટકો નથી કેમ કે ભાજપ સંગઠનની ને એવી બધી વાતો કરે છે પણ તેનો બધો મદાર આજેય મોદી પર જ છે. મધ્ય પ્રદેશ, કર્ણાટક એ બે રાજ્યોમાં ભાજપ વિરોધી લહેરને ખાળવા માટે મોદી મેજિકની તમામ જરૂર છે. હિન્દી બેલ્ટના ત્રણેય મહત્ત્વનાં રાજ્યો મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં સત્તા મેળવવા માટે ભાજપનો મુખ્ય આધાર મોદી જ છે. નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને તેમનાં કહેવાતાં વિકાસ કાર્યોનો પ્રચાર જ ભાજપને વધુ કામ લાગે છે.
મોદી સતત એક વાત પર ભાર મૂકે છે કે, પોતાના હાથમાં દેશ સુરક્ષિત છે અને પોતે વડા પ્રધાન બન્યા પછી દુનિયામાં ભારતનું મસ્તક ગર્વથી ઊંચું થયું છે. મોદી રાષ્ટ્રીય સુરક્ષા અને દેશની એકતા તથા અખંડિતતાના મુદ્દા પર લોકસભા ચૂંટણીમાં સૌથી વધારે ભાર મૂકે છે. મોદી વર્ષોથી આ મુદ્દાઓના નામે લોકો પાસે મત માગે છે ને લોકો તેમને મત આપે છે. ભાજપના બીજા કોઈ નેતા પાસે એવી અપીલ નથી એ જોતાં મોદી રાષ્ટ્રીય પ્રમુખને પણ રીમોટ કંટ્રોલથી ચલાવે તેમાં ભાજપનેજ કશું અજુગતું
લાગતું નથી.