(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેની દિવસેને દિવસે મુશ્કેલીઓ વધી રહી છે. શિવસેનાના પક્ષપ્રમુખ તરીકેની તેમના પદની મુદત 23 જાન્યુઆરીએ પૂરી થઈ છે. તો ચૂંટણીપંચે 30 જાન્યુઆરીના આ સંદર્ભમાં સુનાવણી રાખી છે. તેથી ઉદ્ધવ ઠાકરેના માથે હજી પણ લટકતી તલવાર છે.
શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનું પક્ષપ્રમુખ પદનું શું થશે તે હજી સુધી સ્પષ્ટ થયું નથી ત્યારે શિવસેનાના નેતા અનિલ પરબે આ સંદર્ભમાં કહ્યું હતું કે, ચૂંટણીપંચ સામે ચાલી રહેલી સુનાવણી એ ઔપચારિકતા છે. નિકાલ જે પણ આવે છતાં ઉદ્ધવ ઠાકરે જ અમારા પક્ષ પ્રમુખ રહેશે. મુદત પૂરી થવી એક ટેક્નિકલ મુદ્દો છે, તેને અમે મહત્ત્વ આપતા નથી એવું પણ તેમણે કહ્યું હતું.
શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેની પક્ષપ્રમુખ પદની મુદત પૂરી થઈ રહી છે ત્યારે ચૂંટણી પંચ તેમની પક્ષપ્રમુખ પદની મુદત વધારી આપે છે કે ચૂંટણી લેવા કહેશે એ બાબતે હજી સુધી કોઈ નિર્ણય આપ્યો નથી. તેથી ઉદ્ધવ ઠાકરેના પક્ષપ્રમુખ પદનું શું થશે એવા સવાલ થઈ રહ્યા છે.
આ દરમિયાન શિવસેનાના નેતા ચંદ્રકાંત ખૈરે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે એ જ પક્ષપ્રમુખ પદે કાયમ રહેશે. મુદત વગેરે કશું નથી. પક્ષાંતર્ગત બેઠકમાં તેમની મુદત વધારાનો નિર્ણય લઈ શકાય છે.
નોંધનીય છે કે રાજ્યમાં સત્તાંતર બાદ શિંદે અને ઠાકરે જૂથનો વિવાદ ચૂંટણીપંચ સમક્ષ પહોંચ્યો હતો. આ બંને પક્ષોને તાત્પૂરતું નવું ચૂંટણી પ્રતીક અને પક્ષનું નામ આપવામાં આવ્યું છે. તે મુજબ જ અંધેરીની પેટાચૂંટણી થઈ હતી.