મિસ ઈન્ડિયા 2023ના નામની ઘોષણા 15મી એપ્રિલના કરવામાં આવી હતી અને 19 વર્ષની નંદિની ગુપ્તાએ મિસ ઈન્ડિયા 2023નો ખિતાબ પોતાના નામે કરી લીધો હતો. નંદિની દેશની 59મી મિસ ઈન્ડિયા બની ગઈ છે, પણ આ બધા વચ્ચે સૌથી વધુ ચર્ચા થઈ રહી છે એ સવાલની કે જેનો જવાબ આપીને નંદિનીએ મિસ ઈન્ડિયાનો તાજ પહેર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે મણિપુર ખાતે ‘મિસ ઈન્ડિયા’નું આયોજન કરવામાં આવ્યું હતું અને અનન્યા પાંડેથી લઈને ભૂમિ પેડનેકર, કાર્તિક આર્યન, નેહા ધૂપિયા અને મનીષ પૉલ જેવા અનેક બોલિવૂડ સ્ટાર્સે ગ્રાન્ડ ફિનાલેમાં હાજરી આપીને ઈવેન્ટને ચાર ચાંદ લગાવ્યા હતા. ફાઈનલ રાઉન્ડમાં નેહા ધૂપિયાએ નંદિનીને પૂછ્યું, ‘જો તને વિકલ્પ આપવામાં આવે તો તું તારી જાતને બદલવા માંગશે કે દુનિયાને?’ બસ આ સવાલનો નંદિનીએ જે જવાબ આપ્યો છે તેણે નિર્ણાયકોના દિલ તો જિતી જ લીધા હતા, પણ એની સાથે સાથે મિસ ઈન્ડિયાનો ખિતાબ પણ જિતી લીધો હતો.
સોશિલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં જોઈ શકાય છે નંદિની ગુપ્તા આ સવાલનો ખૂબ જ સરળતાથી જવાબ આપતા કહે છે, ‘હું મારી જાતને બદલવા માંગુ છું. પોતાની વાતને આગળ વધારતા મિસ ઈન્ડિયા 2023એ વધુમાં કહ્યું હતું ‘જેમ ઘરમાંથી તમને કદર અને ચેરિટીની સમજ આપવામાં આવે છે, તેવી જ રીતે આ પરિવર્તન પણ ઘરમાંથી જ આવે છે. જો તમારામાં તમારી જાતને બદલવાની શક્તિ હોય તો તમે દુનિયા બદલી શકો છો. આ સાથે સાથે જ નંદિનીએ જવાબમાં પોતાનો નવો લુક સ્વીકારવાની વાત પણ કરી હતી.
નંદિની ગુપ્તાનો જવાબ સાંભળીને ત્યાં હાજર દરેક વ્યક્તિ તાળી પાડવા માટે મજબૂર બની ગઈ હતી. સોશિયલ મીડિયા પર પણ નેટિઝન્સ નંદિનીને ‘બ્યુટી વિથ બ્રેઈન’નું ટેગ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે નંદિની રાજસ્થાનના કોટાની રહેવાસી છે. તેણે બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. તે જ સમયે, મિસ ઈન્ડિયા બન્યા પછી, તેણી હવે મિસ વર્લ્ડ બ્યુટી સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.