મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં નવાજૂનીના એંધાણના વર્તારા છે, ત્યારે તાજેતરમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના પ્રમુખ શરદ પવારની વચ્ચે ફોન પર વાતચીત થઈ હોવા મુદ્દે રાજકારણ ગરમાયું છે. ભાજપ, શિવસેના અને એનસીપી એમ ત્રણેય પક્ષમાં સમાંતર ઉથલપાથલના એંધાણ વર્તાઈ રહ્યા છે, જેમાં એક બાજુ શિંદેના ભાજપ (ભારતીય જનતા પાર્ટી)માં જવાની ચર્ચાએ જોર પકડ્યું છે, જ્યારે બીજી બાજુ તેમને પદ પરથી દૂર કરવાની ચર્ચા છે, પરંતુ આ બધામાં કોંકણ સ્થિત બારસુ રિફાઈનરી યોજનાને લઈ સ્થાનિક લોકોએ જોરદાર વિરોધ કરીને શિંદે-ફડણવીસ સરકારની મુશ્કેલી વધારી નાખી છે ત્યારે હવે એકનાથ શિંદે અને શરદ પવાર વચ્ચે ફોન પર વાતચીત થઈ હોવાની ચર્ચામાં છે.
એકનાથ શિંદે અને શરદ પવારની વચ્ચે ફોન પર મહત્ત્વના મુદ્દામાં વાતચીત થઈ હોઈ શકે છે, જેમાં કદાચ બારસુ રિફાઈનરી યોજના મુદ્દે મધ્યસ્થતા કરી શકે છે. તાજેતરમાં શરદ પવારે રાજ્યના ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતની સાથે વાતચીત કરી હતી, ત્યારબાદ તેમની મુલુકાત કરી હતી. હાલમાં આ મુદ્દે ઉદ્ધવ ઠાકરે જૂથના નેતાઓએ પણ સ્થાનિક લોકોને સમર્થન આપવાની ભૂમિકા ભજવી હતી.
ઉદ્ધવ ઠાકરે જૂથના નેતાઓને પણ બારસુ જતા રોકવામાં આવી રહ્યા છે, જ્યારે ઉદ્ધવ ઠાકરે પણ મુખ્ય પ્રધાન હતા ત્યારે કેન્દ્ર સરકારે આ યોજના માટે જમીનના સંદર્ભે પત્ર મોકલ્યો હતો, ત્યારે ઉદ્ધવ ઠાકરેની પણ આ યોજનામાં શું ભૂમિકા રહે છે તેના માટે લોકો ચર્ચા કરી રહ્યા છે. હવે બધાની નજર ઉદ્ધવ ઠાકરેના સ્ટેન્ડ પર રાકવામાં આવી રહ્યું છે. ઉદ્ધવ ઠાકરે જૂથમાં આ યોજનાને લઈને ફૂટ પડી રહી હોવાનું જોવા મળે છે. વિધાનસભ્ય રાજન સાલ્વીએ પણ ટવિટ કરીને લખ્યું હતું કે કોંકણમાં બેકારીને લઈને આ યોજનાને સમર્થન આપવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે અત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે હોવા છતાં મહારાષ્ટ્રના ભાવિ મુખ્ય પ્રધાન તરીકે વિપક્ષના નેતા અજિત પવાર, દેવેન્દ્ર ફડણવીસ, એનસીપીના નેતા જયંત પાટીલ સહિત અન્ય નેતાના નામ લેવાય છે. મહારાષ્ટ્રમાં સીએમ બદલાશે એવી અટકળોને તો એક જ ઝાટકે શરદ પવારે ફગાવી નાખી હતી, જ્યારે અજિત પવારને પણ સીએમના દાવેદાર હોવાની વાતને પણ કાકાએ ગાંડપણ ગણાવી હતી.