સુરતના અઠવાલાઇન્સ સ્થિત એક શાળાએ ધોરણ 11 સાયન્સની 40 જેટલી વિધાર્થિનીઓને આડકતરી રીતે નાપાસ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેને લઈ આજ રોજ એબીવીપીની અધ્યક્ષતામાં વિધાર્થિનીઓએ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ મોરચો માંડી રી-ટેસ્ટની માંગ કરી છે.
અઠવાલાઇન્સ સ્થિત એક શાળામાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી 40 જેટલી વિદ્યાર્થીનીઓને ઓપન હાઉસમાં ઓછા માર્ક્સ આવવાથી નાપાસ કરવામાં આવી છે. એબીવીપી અને વિધાર્થિનીઓ દ્વારા આ આક્ષેપ કરવામાં આવ્યો છે. વિધાર્થિનીઓએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે શાળામાં અભ્યાસ કરાવતા અમુક શિક્ષકો પાસે ટ્યુશન ન લેવાના કારણે આડકતરી રીતે પરીક્ષામાં ઓછા માર્ક્સ આપવામાં આવ્યા છે. ધોરણ દસમા જે વિદ્યાર્થિનીઓના સારા માર્ક્સ અને ટકાવારી આવી હતી, તે વિધાર્થીનીઓને ટાર્ગેટ કરી આડકતરી રીતે નાપાસ કરવામાં આવી છે.
વિધાર્થિનીઓના વાલી અને એબીવીપીના નેતાઓએ જણાવ્યું હતું કે શાળાને આ મામલે રજૂઆત કરવામાં આવી છે. રી-ટેસ્ટ લેવાની જવાબદારી શાળાની છે. શાળા રી-ટેસ્ટ લેવા તૈયાર છે. પરંતુ શાળા સંચાલકો જિલ્લા શિક્ષણાધિકારી પર ખો થોપી રહ્યા છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએથી લેખિતમાં સૂચના આપવામાં આવશે તો વિદ્યાર્થિનીઓની રી ટેસ્ટ લેવામાં આવશે તેવી વાત શાળા સંચાલકો કરી રહ્યા છે. જોકે આ માત્ર એક સ્કૂલ નથી, ઘણીવાર 11માં ધોરણમાં વિદ્યાર્થીઓને ખાસ નાપાસ કરવામાં આવતા હોવાના સમાચારો છપાય છે. આ સાથે ઘણીવાર સ્કૂલો બારમા ધોરણનું પરિણામ સો ટકા આવે તે માટે અમુક નબળા વિદ્યાર્થીઓને નવમા કે અગિયારમાં ધોરણમાં સ્કૂલ છોડી દેવા કહે છે અથવા તો રિપિટ કરવા કહેતા હોવાના કિસ્સા પણ બનતા હોય છે.