Homeલાડકીકસરત અને આહારમાં પરેજી પાળવા છતાં વજન નથી ઊતરતું તો શું કરું?

કસરત અને આહારમાં પરેજી પાળવા છતાં વજન નથી ઊતરતું તો શું કરું?

કેતકી જાની

સવાલ : મારી ઘણી બધી બહેનપણીઓએ રોજ એક્સરસાઈઝ અને ડાયેટ કંટ્રોલ કરી વજન ઊતાર્યું છે. તેમને કોઈ ખાસ શારીરિક તકલીફો પણ નથી. હું પોતે દિવસમાં સમય મળે કે તરત જ એક્સરસાઈઝ/યોગ કરું છું, તો ઊલટાની થાકી જાઉં છું. વજન તો નથી ઊતરતું પણ તબિયત ખરાબ થઈ જાય છે. ડાયેટમાં પણ મને ખૂબ મન થાય કે તેમની જેમ કરું પણ તેમાંય મને કાંઈ ને કાંઈ તકલીફ જ પડે છે. તેઓ માસિક દરમ્યાન પણ એક્સરસાઈઝ કરે તો કઈ ના થાય મને તો તે સમયમાં હલાય સુધ્ધાં નહીં, હું શું કરું?
જવાબ : બહેન, આગળ પણ અનેક વખત કહ્યું છે અને આજેય એ જ કહું છું, કે કદીયે મિત્રો, સંબંધી કે એક્સ-વાય-ઝેડ આમ કરે છે તો હું કેમ નહિ? તેમને આનો આ કે તે ફાયદો થાય છે, તો મને કેમ નહિ? આ પ્રકારના વિચારો મગજમાં રાખી વાદાવાદીમાં કોઈ જ કામ ના કરવું. તેઓ ભલે જે ચાહે કરે પણ તમે શા માટે તેમના જ માર્ગે ચાલવા માગો છો? તમારો પોતાનો રસ્તો શા માટે નથી શોધતા? બધી જ બહેનપણીઓ શું કરે છે? ક્યારે કરે છે? શા માટે કરે છે? તેનાથી તેમને શું ફાયદો કે નુકશાન થયું? આ અને આવા તમામ પ્રકારના વિચારોને સૌપ્રથમ તો અબી હાલ જ તિલાંજલિ આપી દો. તેમની લાઈફ તેમના નિયમ તમે તમારી લાઈફ માટે તમારા શરીરને, તમારી બોડી રિધમને જાણવા/ઓળખવાનો પ્રયાસ કદી કર્યો છે? સૌપ્રથમ તમારે હવે આ કામ કરવાનું છે. સિકસ્થ સેન્સ જાગૃત કરી દેહભાષાને ઉકેલવાનું, શરીરના અનુકૂળ એવા રસ્તા શોધવા માંડો. દરેક વ્યક્તિનું શરીર તેની જરૂરિયાત અલગઅલગ હોય છે માટે તેમની ટ્રીટમેન્ટ પણ અલગ જ હોય ને? તમે પિરિયડ દરમ્યાન હાલી ના શકો પણ તેમનું શરીર પિરિયડના સમયમાં એકદમ સહજ હોય છે તેમ જ તેમના શરીરને જોઈતો ખોરાક કે એક્સરસાઈઝ સુધ્ધાં તમારાં જેવા ના હોય. તમે પહેલાં તમારાં રોજબરોજના જીવતા જીવનની એક નોટ બનાવો. સવારે ઊઠો ત્યારથી ઊંઘો ત્યાં સુધીની દિનચર્યાનું નિરીક્ષણ કરવાથી તમે અનુમાન લગાવી શકશો કે તમારે રોજની જેટલી ઊર્જા શરીરને જોઈએ છે તેના પ્રમાણમાં તમે કેટલી ઊર્જા ખોરાક રૂપે શરીરને પૂરી પાડો છો. તેનું પ્રમાણ અસમતોલ લાગે તો એક શિડયુલ સમયે રોજ રોજ એક્સરસાઈઝ/યોગ/પ્રાણાયામ માટે ખાસ સવારનો ભૂખ્યા પેટે થઈ શકે તેવો સમય નક્કી કરો. દિવસમાં સમય મળે તેટલી વાર એક્સરસાઈઝ કરવાથી ફાયદો તો દૂર શરીરને નુકશાન પણ થાય છે, તે વાત મગજમાં ફીટ કરી લો. જરૂરતથી વધુ એક્સરસાઈઝ/વર્કઆઉટ શરીરને મદદરૂપ થવાને બદલે તેની સ્ફૂર્તિ હણી લે, માંસપેશીઓમાં દુ:ખાવો આપે, સાંધા સંબંધી સમસ્યાઓ વકરાવે, હૃદયની ધડકનો તેજ કરી જે બ્લડપ્રેશર વધારાના રૂપે પરિણામ આપે. આ ઉપરાંત વધુ પડતી એક્સરસાઈઝ શરીરમાં હોર્મોન્સનું અસંતુલન સુધ્ધાં પેદા કરવાની શક્તિ ધરાવે છે. જેનાથી તમારી સ્લીપિંગ પેટર્ન/ઊંઘવાની તરેહ બદલી નાખે અને આ બધાને સરવાળે તમારી ઈમ્યુનીટી ક્ષમતા જોખમાય. દિવસભર એક્સરસાઈઝ કરવાથી તમે દિવસભર ચુસ્તી સ્ફૂર્તિને બદલે થાકી જાવ છો, તેનો સીધોસટ મતલબ એ છે બહેન કે ક્યાંક કંઈક કાચું કાપી રહ્યા છો આપ, માટે પુન: વિચાર કરવાની જરૂર છે. ડાયેટમાં પણ આગળ કહ્યું તેમ તમારા શરીરની જરૂરત, તમને અનુકૂળ આવે તેવા ખોરાક સાથે તમારો ડાયેટ પ્લાન નક્કી કરો, તો ચોક્કસ સારું પરિણામ મળશે. ઉત્સાહ/સ્ફૂર્તિથી રોજેરોજ પસાર થાય તે માટે પ્રવૃત્તિ કરો. સવારની શરૂઆત પોઝિટીવ થીંકિંગથી કરી બીજા કોઈપણ જોડે તમારી તુલના કરવાને બદલે તમારા માટે શું ઉપકારક છે, તે કરો. મોટિવેશનલ પુસ્તકો વાંચો. હંમેશાં ખુશ રહેવા પ્રયત્ન કરો અને લોકોમાં પણ ઉત્સાહ પ્રેરક વાતો કરો. પૂરતી ઊંઘ લો. રોજ શરીરમાં સીઝનલ ફળ અને શાકભાજી તો નક્કી જાય જ, તેવો આગ્રહ રાખો. રોજેરોજ પેઈનકિલર દવાઓ ટાળો. નિયમિત હેલ્થ ચેકઅપ કરાવી શરીરને રહાત/આરામ આપવા કટિબદ્ધ થાવ, શરીર ચોક્કસ તમને રાહત આપશે. અસ્તુ.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -