કવર સ્ટોરી -મુકેશ પંડ્યા
ભારતમાં આઝાદી આવી એ સમયની વાત છે. તે સમયે ભારતને છૂટાંછવાયાં રાજ-રજવાડાથી મુક્ત કરીને અખંડ ભારતની રચના કરવાની વાત ચાલતી હતી. આપણા ગુજરાતીઓ માટે ગૌરવની વાત એ છે કે ગુજરાતના સરદાર પટેલે જ અખંડ ભારતના નિર્માણ માટે ખૂબ મહેનત કરી.
બીજું સૌભાગ્ય એ છે કે ગુજરાતના ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહ મહારાજ કે જેમની આવતી કાલે પુણ્યતિથિ છે. (જન્મ ૧૯ મે ૧૯૧૨-મૃત્યુ ૨ એપ્રિલ ૧૯૬૫) તેમણે જ પહેલ કરીને સહુ પ્રથમ પોતાનું રાજ્ય અખંડ ભારતમાં ભેળવી દેવાની ઇચ્છા જાહેર કરી હતી. સહી-સિક્કા કરવાની તૈયારીઓ ચાલતી હતી ત્યારે કૃષ્ણકુમારસિંહ મહારાજે સરદાર પટેલ પાસે થોડો સમય માગ્યો અને પોતાના વિશ્ર્વાસુ માણસને રાણીબા પાસે મોકલાવીને પૂછાવ્યું કે હું મારું રાજપાટ ભારત સરકારને સોંપી રહ્યો છું ત્યારે તમને તમારા પિયર તરફથી કરિયાવર તરીકે મળેલા કિંમતી જર-ઝવેરાતનું શું કરવું છે? હું રાજપાટનો ધણી છું એટલે તેનો નિર્ણય લઇ શકું, પણ તમારા ઝવેરાતનો નિર્ણય લેવા તમે સ્વતંત્ર છો. આના પ્રત્યુત્તરમાં રાણી સાહેબ જવાબ
આપે છે કે હાથીનું દાન તેના શણગાર સાથે જ અપાય. પળવારમાં રાણી સાહેબાએ પોતાના ઝર-જવેરાત દાનમાં આપી દીધાં. જતો હોય ત્યારે શણગાર સાથે જ દેવો જોઇએ અને આખું રાજ્ય મિલકત માલમત્તા સહિત દેશમાં ભળી ગયું.
જે પ્રજા માટે જીવતો હોય, જેને સત્તા કે સંપત્તિનો મોહ ન હોય,પળમાં બાદશાહ તો પળમાં ફકીર થઇ જાય તો પણ કોઇ જાતનો અફસોસ ન હોય તે રાજા તરીકે શોભે.
આ વાત એટલા માટે ઊખેળવી પડી છે કે પોતાની મહેનતાણા સહિતની તમામ આવક સેવાકીય સંસ્થાઓમાં દાન કરી દેનાર, પોતાને મળેલી અનેક બક્ષિસોનું લીલામ કરી દેનાર અને પ્રજાના હિત માટે નીડરપણે નિર્ણય લેનાર હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પરોક્ષ રીતે સંડોવીને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે દેશનો વડા પ્રધાન ભણેલો ગણેલો હોવો જોઇએ. અલબત્ત નરેન્દ્ર મોદી પાસે એમ. એ. વિથ પોલિટિકલ સાયન્સની ડિગ્રી છે અને ધારો કે ન હોય તો શું તેઓ વડા પ્રધાન પદ માટે ગેરલાયક ઠરી શકે? શું પ્રજાવત્સલ ગુણ, હોશિયારી, સખત મહેનત, કુશાગ્ર બુદ્ધિ, હિંમત, સાહસ, નિર્ણય શક્તિ અને દેશપ્રેમ જેવા રાજાને શોભતા ગુણો વડા પ્રધાન માટે જરૂરી છે કે માત્ર ડિગ્રીધારક વ્યક્તિ?
શું સુશાસન માટે માણસ શિક્ષિત હોવો પૂરતું છે કે તેનામાં અન્ય ગુણો પણ હોવા જરૂરી છે તેનું સંશોધન કરતાં ભારતના મહાન રાજા સમ્રાટ અશોકને જેમણે ઉપદેશ આપ્યો હતો એ ભગવાન બુદ્ધ યાદ આવી ગયા. રામરાજ્યની વાતો કદાચ કહેવાતા સેક્યુલરો ન માને પણ તેમણે બુદ્ધની વાતો માનવી જોઇએ.
ભગવાન બુદ્ધે રાષ્ટ્રના શાસકો અને અધિકારીઓ માટે ૧૦ કર્તવ્યો દર્શાવ્યા છે.
૧- શાસનમાં બેઠેલા લોકો ધનસંપત્તિનો મોહ રાખવાને બદલે સરકારી આવકનો ઉપયોગ જનતાના ભલા માટે કરે.
૨- શીલ અને સદાચારવાળું જીવન જીવે.
૩. જનતાની ભલાઇ માટે અંગત સુખ-સુવિધાઓનો ત્યાગ કરવો જોઇએ.
૪- શાસન પ્રામાણિકતા અને તન્મયતાની સાથે કોઇના પણ દબાણ કે પક્ષપાત વગર ચલાવે.
પ- શાસક સૌમ્ય અને દયાળુ બને.
૬- કોઇનાય પ્રત્યે ઇર્ષ્યા, વેરભાવ કે દ્વેષ ન રાખે.
૭ – શાસન અહિંસાત્મક રીતે કરીને દેશમાં શાંતિ માટે પ્રયત્નશીલ રહે.
૮- શાસક પોતાનું જીવન સાદું, સરળ અને ભોગવિલાસથી દૂર રાખે
૯- સહનશીલતા, ધૈર્ય અને સહિષ્ણુતા સાથે દુ:ખ સહન કરવાની તૈયારી સાથે શાસન કરે.
૧૦- શાસક જનતાના અભિપ્રાય અને ઇચ્છા સામે નતમસ્તક થાય.
વહાલા વાચક મિત્રો નજીકમાં જ વૈશાખ સુદ પૂર્ણિમાના દિવસે બુદ્ધની જન્મજયંતી આવી રહી છે ત્યાં સુધીમાં ઉપરોકત ૧૦ મુદ્દાઓને વાંચી અને સમજીને એક નિર્ણય પર આવજો કે શું ઉપરોક્ત રાજાને છાજે એવા ગુણોની પ્રાપ્તિ માટે કોલેજની ડિગ્રી મેળવવી જરૂરી છે? અથવા થોડું ઊંધુ પણ વિચારજો કે કેજરીવાલની વ્યાખ્યા પ્રમાણેનો ‘પઢે લિખે ઇન્સાન’ અર્થાત્ શિક્ષિત વ્યક્તિમાં જ શાસન માટે જોઇતા ગુણો હોઇ શકે? અન્ય કોઇ વ્યક્તિમાં નહીં? શું શિક્ષિત હોવું એ જ રાજા બનવા માટેની લાયકાત છે કે એ સંસ્કારી પણ હોવો જોઇએ?