Homeવાદ પ્રતિવાદઆ ઘટનાને શું કહીશું? યોગાનું યોગ કે કુદરતનો ચમત્કાર?

આ ઘટનાને શું કહીશું? યોગાનું યોગ કે કુદરતનો ચમત્કાર?

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

વર્તમાન સમય અત્યંત કટોકટી, તાણ અને અરાજકતાનો ચાલી રહ્યો છે. વડીલો, અનુભવીઓ કહે છે કે આ યુગ કયામત અર્થાત પ્રલય, કરેલાં કર્મોના લેખાંજોખાંનો છે. માણસાઈ જાણે ભૂતકાળ બની ગઈ હોય તેવું જોવા મળે છે.
આમ છતાં ક્યાંક ક્યાંક માનવતાના દૃશ્યો જોવા મળે છે એટલે થાય છે કે કુદરત સાવ જ રૂઠી નથી, સુધરવાનો સમય હજુ આપી રહી છે.
ધોમધખતા તાપમાં મીઠી વીરડી જેવો એક પ્રસંગ અત્રે પ્રેરણા પ્રદાન કરનારો, નેકી (પૂણ્ય)ના કાર્યો કરવા ઉત્સાહ વધારવાનો બની રહેવા પામશે.
દેશના એક નાનકડા ગામમાં દુષ્કાળ ચાલી રહ્યો હતો. પીવા પૂરતું પાણી માંડ મળે તેવી સ્થિતિ નિર્માણ પામી હતી. જો આમને આમ આ સ્થિતિ ચાલતી રહે તો વાવેલું અનાજ નાશ પામે તેવું હતું. આથી પાણીનો બગાડ કોઈ ન કર તેવી સૂચના દરેકને અપાઈ હતી.
એવા કપરા દુષ્કાળની એક અત્યંત ગરમ બપોરે એક મહિલા પોતાના રસોડામાં કામ કરી રહી હતી. અચાનક એનું ધ્યાન બહાર ગયું. એણે જોયું તો એનો છ વરસનો દીકરો ઘરની પાછળ આવેલી ઝાડીઓ તરફ જઈ રહ્યો હતો. આવા ધોમધકતા તાપમાં એ ખૂબ ધીમે ધીમે ચાલતો હતો. કાળજીપૂર્વક ડગલાં માંડતો એ પેલી ઝાડીઓમાં ઘૂસી ગયો. બે ચાર ક્ષણોમાં જ એ દોડતો પાછો આવ્યો. માતા ફરીથી પોતાના કામે વળગી. એને થયું કે બાળકને એ ઝાડીમાં જે કંઈ કામ હશે એ પૂરું થઈ ગયું હશે.
થોડીવાર પછી ફરી વખત એનું ધ્યાન ગયું કે એનો દીકરો પાછો એકવાર એવાં જ ધીમા અને કાળજીપૂર્વકના ડગલાં માંડતો પેલી ઝાડી તરફ જઈ રહ્યો છે. એ ખૂબ જ ધીમે ધીમે જતો હતો. એને જોતાં એવું લાગતું હતું કે જાણે કોઈ ચીજ ખૂબ જાળવીને તે લઈ જઈ રહ્યો હોય. પરંતુ પાછા ફરતી વખતે એ દોડતો આવતો હતો. બેથી ત્રણ વખત આવું ચાલ્યું એટલે પેલી મહિલાથી રહેવાયું નહીં. બાળક કયારનો આ પ્રમાણે કરી રહ્યો છે એ એને ખબર ન પડે તેમ જોવાનું એણે નક્કી કર્યું.
ફરી એકવાર એનો દીકરો રસોડાની બાજુમાંથી પાછળની ઝાડી તરફ જવા માટે નીકળ્યો ત્યારે માતાએ ચૂપચાપ એની પાછળ જવાનું શરૂ કર્યું. એણે જોયું તો બાળક એના નાનકડા ખોબામાં સમાય તેટલું પાણી લઈને હળવેહળવે ચાલી રહ્યો હતો. પાણીના એક એક ટીપાંને મૂલ્યવાન સમજી ઢોળાય નહીં તેની કાળજી સાથે એ ચાલતો હતો. એ ઝાડીમાં ઘૂસ્યો. માતા પણ પાછળ ગઈ.
માતાએ જોયું તો મોટા શિંગડાંવાળાં લગભગ દસેક હરણોનું ટોળું ત્યાં ઊભું હતું. એને બીક લાગી કે આટલા મોટા હરણ એના દીકરાને ક્યાંક મારી ન દે! પરંતુ એના આશ્ર્ચર્ય વચ્ચે એ હરણનાં ટોળાએ બાળકને કંઈ ન કર્યું. બાળક નીચે બેસી ગયો. હવે છેક માતાનું ધ્યાન ગયું કે જમીન પર હરણનું એક નાનું બચ્ચું હાંફતું પડ્યું હતું. કદાચ ખૂબ આકરા તડકાને કારણે એને લૂ લાગી ગઈ હતી. પાણીના અભાવે એ મરણતોલ થઈ ગયું હતું. જેવું આ બાળક નીચે બેઠું કે તરત જ એ હરણના બચ્ચાંએ મોંઢું ઊંચું કર્યું. એક બુંદ પણ ન ઢોળાય એવી કાળજીથી બાળકે પોતાના ખોબામાં રહેલું પાણી એ હરણબાળના મોંમાં રેડી દીધું. પછી ઘર તરફ પાછો ભાગ્યો. હજુ એને સંતાયેલી માતાની હાજરીનો ખયાલ નહોતો આવ્યો. માતા ચૂપચાપ એની પાછળ આવી. એણે જોયું તો ઘરની પાછળ પાણીનો સંગ્રહ કરવા માટેની કોઠીના નળમાંથી ટપકતું પાણી ટીપેટીપે એ બાળક પોતાની હથેળીમાં ઝીલતો હતો. પંદરેક મિનિટે એની નાનકડી હથેળી ભરાઈ ગઈ. ઝાડી તરફ જવા માટે જેવો એ પાછળ ફર્યો કે એ જ સમયે માતા સામે આવીને ઊભી રહી ગઈ. પાણીનું ટીપું પણ ન બગાડવાની કડક સૂચના એ બાળકને બરાબર યાદ હતી. એ ધ્રૂજી ગયો. એની આંખમાં અપરાધભાવ અને સાથે સાથે ઝળઝળિયાં આવી ગયા. માંડમાંડ એ એટલું જ બોલી શકયો કે, ‘મા! હું આ પાણી વેડફતો નથી, પણ….’
‘મને બધી ખબર છે મારા વહાલા દીકરા!’ માતાએ તેને આગળ બોલવા ન દીધો. રસોડામાંથી પાણીની મોટો જગ લઈ આવી, એણે બાળકના હાથમાં પકડાવ્યો. બંને પેલી ઝાડી પાસે ગયા. માતા દૂર સંતાઈને ઊભી રહી. બાળકે જગમાંથી એ હરણબાળને પાણી પીવડાવ્યું. પૂરતું પાણી મળતાં જ હરણનું બચ્ચું કૂદકો મારીને ઊભું થઈ ગયું. પછી વહાલથી બાળકના હાથ ચાટીને જતું રહ્યું.
દૂર સંતાઈને આ બધું જોઈ રહેલી માતાની આંખમાંથી આંસુનાં ટીપાં પડવા લાગ્યા અને બરાબર એજ વખતે આકાશમાંથી પણ વરસાદના મોટાં મોટાં ટીપાં વરસવા લાગ્યાં અને થોડીવાર પછી ધોધમાર…!
એ માતા લખે છે કે, ‘કોઈ કદાચ આ ઘટનાને યોગાનુયોગ કહેશે! એ વખતે વરસાદ પડવાનો જ હશે એમ પણ કોઈક કહેશે! એ બધા માટે મારી પાસે કોઈ જ દલીલ નથી, પણ હું તો એટલું જ કહીશ કે એ દિવસે મેં એકસાથે બે ચમત્કાર જોયા. મારા દીકરાના પ્રયત્નોએ તરસ્યા હરણબાળને બચાવ્યું અને એના બદલામાં કુદરતે અમારા પૂરા પંથકને બચાવી લીધો.
આ સત્ય ઘટનાને તમે શું કહેશો? ઈમાનદારીથી વિચારો. કુદરતે હજુ માનવજાત પરથી પોતાનો વિશ્ર્વાસ ગુમાવ્યો નથી. જો તે રૂઠી તો ન જીવી શકાશે, ન મરી શકાશે. ચેતો, જાગો, આત્મમંથન કરો. સમય હાથની રેતી છે. સરકી જતા દેર નહીં લાગે. બની રહેલી ઘટનાઓથી દીવા જેવું ચોખ્ખું – સ્પષ્ટ થાય છે કે કયામતનો આગાઝ (એંધાણ) થઈ ચૂકયો છે.
* * *
આજનો ઉપદેશ
આ કોલમને નિયમિત વાંચતા એક વાચકે ઉર્દુ ભાષાની એક હદીસને ગુજરાતી લીપીમાં લખી મોકલી છે તે હિદાયત આપનારી બની રહેવા પામશે.
જબ ભી આપ કે દિલ મેં ગુનાહ કા ખ્યાલ આયે તો યાદ કર લેના કી એક દિન આપકો અલ્લાહ કે પાસ પેશ હોના હૈ ઔર અપને આમાલ કા હિસાબ દેના હૈ!
હમ સભી કો અલ્લાહ મહફૂઝ રખે ઔર તૌબા કરતે રહે કી વો હમે તૌફીક અતા કરે! (અઘરા શબ્દોના અર્થ: આમાલ: (આચરેલા કૃત્યો), મહફૂઝ: (સુરક્ષિત), તૌબા: (પ્રાયશ્ર્ચિત), તૌફીક: (સમજ), અતા: (આપે).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -