હાલમાં સુપ્રીમ કોર્ટમાં સેઈમ સેક્સ મેરેજ-સજાતીય લગ્નોના કેસની સુનાવણી ચાલી રહી છે. બે પુરુષ કે બે સ્ત્રી વચ્ચેના લગ્નોને કાનૂની દરજ્જો આપવાની માગણી કરતી અરજી અંગેના કેસમાં કાયદાની એક અન્ય જોગવાઈની ચર્ચા થઈ છે, જે મહત્વની છે. સ્પેશિયલ મેરેજ એક્ટ-1954 અંતર્ગત જ્યારે કોઈ પુખ્ત વયના યુવક અને યુવતી સ્પેશિયલ મેરેજ એક્ટ (એસએમએ)હેઠળ રજિસ્ટ્રેશન કરાવે છે ત્યારે 30 દિવસનો પિરિયડ રાખવામાં આવે છે. આ એક્ટના સેક્શન નં.5 અનુસાર સબ ડિવિઝનલ ઓફિસ (એસડીએમ) બહાર બન્નેની માહિતી સાથેની નોટિસ લગાવવામાં આવે છે અને આ લગ્ન સંબંધે કોઈને વિરોધ હોય તો તેઓ જણાવી શકે તેવી આ જોગવાઈ છે. આ એક્ટ અંતર્ગત લગ્ન કરનારાઓ મોટે ભાગે આંતરધર્મીય અથવા આંતરજ્ઞાતિય હોય છે અને ઘણા ખણા કેસમાં માતા-પિતા, પરિવારજનો અને ક્યારેક જે તે સમુદાયના વિરોધમાં જઈ તેઓ લગ્ન કરતા હોય છે.
સજાતીય લગ્નોની સુનાવણી સમયે આ જોગવાઈ અંગે ચર્ચા થઈ હતી અને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ સહિત ઘણા સિનિયર વકીલોએ આને પિતૃસતાક ગણાવી હતી. મનુ સંઘવીએ આ અંગે જણાવ્યું હતું કે આ જોગવાઈ હિંસા અને સમસ્યાઓને આમંત્રણ આપવા જેવું છે. મુખ્ય ન્યાયાધિશ ડી.વાય.ચંદ્રચુડે નોંધ્યું હતું કે આ જોગવાઈ પરણવા માગતા યુવક-યુવતીને સુપરીટેન્ડન્ટ ઓફ પોલીસ સહિત સમાજના આક્રમણ સામે ખુલ્લા મૂકી દેવા સમાન છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ જોગવાઈ અયોગ્ય કે રદ કરવા યોગ્ય લગ્નો (વોઈડ મેરેજ)ને રોકવાનો સૌથી ઓછો નુકસાન કરનારો રસ્તો હોઈ શકે, પરંતુ અધિકારીઓ યુવક-યુવતીની વ્યક્તિગત માહિતી પોતાની પાસે ન રાખે તેની ખાતરી કોર્ટે કરવી જોઈએ.
કોર્ટેમાં આ વિષય ચર્ચાતા પ્રેમલગ્નો કરનારા ઘણા યુવક-યુવતીઓ ખુશ થયા છે. ઘણા એવા બનાવો બને છે જ્યાં નોટિસ પિરિયડ દરમિયાન પરિવારો માતા-પિતા યુવક-યુવતીને છૂટા પાડી દે છે. ઘણીવાર આ બનાવો હિંસક બને છે, પરિવારો એકબીજા પર હુમલા કરે અથવા યુવક અને ખાસ કરીને યુવતીએ પરિવારની નારાજગી અને હિંસાનો ભોગ બનવું પડે છે.
કાયદામાં 30 દિવસની આ જોગવાઈ બન્ને પાત્રોના મનની સ્વસ્થતાને ચકાસવા કે કોઈ પ્રકારની અસ્વસ્થતાથી રક્ષણ મળે તે માટેની હતી.