અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ ચાલી રહી છે. ચોથા દિવસે ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પોતાની શાનદાર બેટિંગથી તેના ટીકાકારોની બોલતી બંધ કરી દીધી છે અને તેના ચાહકોને વર્ષો પછી ખુશ થવાની તક પણ આપી છે. કિંગ કોહલીએ નવેમ્બર 2019 પછી પ્રથમ વખત ટેસ્ટમાં સદી ફટકારી છે. વિરાટ કોહલી આ સિરીઝમાં સારા ફોર્મમાં દેખાઈ રહ્યો હતો પરંતુ મોટી ઈનિંગ્સ રમી શક્યો ન હતો. હવે સોશિયલ મીડિયા પર ફેન્સ કોહલીની આ સદી પાછળ એક ખાસ ‘બાબત’ ઉમેરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઈન્દોરમાં ત્રીજી ટેસ્ટ બાદ વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે મહાકાલના દર્શન કરવા ઉજ્જૈન ગયો હતો.
24 નવેમ્બર 2019 પછી વિરાટ કોહલી શાંત થઇ ગયો હતો. તે એક સદી કરવા માટે આતુર હતો. 73મી સદી પહેલા તેઓ કૈંચી ધામ ગયા હતા અને ત્યાંથી પાછા ફરતા જ સદીઓના દુષ્કાળનો અંત આવ્યો હતો. ત્યારપછી 74મી સદી પહેલા તે અનુષ્કા સાથે કૃષ્ણનગરી વૃંદાવન ગયો હતો અને ત્યારબાદ વનડેમાં સદી ફટકારી હતી. આ પ્રક્રિયા અહીં અટકી ન હતી અને હવે મહાકાલના દર્શન કર્યા બાદ તેણે અમદાવાદમાં 186 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ફેન્સ સોશિયલ મીડિયા પર આ અંગે વિવિધ રીતે કોમેન્ટ કરી રહ્યા છે અને કેટલાક યુઝર્સે તો એમ પણ કહ્યું છે કે વર્લ્ડ કપ પહેલા વિરાટ કોહલીએ કેટલાક વધુ મંદિરોમાં જઈને આશીર્વાદ લેવા જોઈએ.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ચોથી ટેસ્ટની વાત કરીએ તો આ મેચ હવે ડ્રો તરફ જતી હોય તેવું લાગી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા સ્કોરબોર્ડ પર 480 રન બનાવ્યા હતા અને જવાબમાં ભારતે 571 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી શુભમન ગિલ અને વિરાટ કોહલીએ શાનદાર સદીની ઇનિંગ્સ રમી હતી. છેલ્લા અપડેટ સુધી ઓસ્ટ્રેલિયાએ પાંચમા દિવસે એક વિકેટ ગુમાવીને 122 રન બનાવી લીધા છે.