સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા
એક જમાનો હતો જ્યારે દાદા બનાવે અને દીકરાના દીકરા વાપરેનો અભિગમ હતો. આજે તો વ્યક્તિના પોતાના જીવનકાળમાં જ ૨-૩ વાર મકાનોનું પુન:નિર્માણ થતું હોય છે. આમ પણ આ સમય વાપરો અને (જરૂરિયાત પૂરી થયે) ફેંકી દો ના અભિગમવાળો છે.
વ્યાજે પૈસા લઈને ફરવા જવાની માનસિક્તા ધરાવતા આ સમાજમાં લાંબા ગાળાના સંબંધો, લાંબા ગાળાની કાર્યનિષ્ઠા તથા લાંબા ગાળાના આયોજનના અભાવની જેમ લાંબા ગાળાના મકાનની ઈચ્છા પણ લગભગ નષ્ટ થતી જાય છે.
જરૂરિયાતો તથા તેને સંતોષવાનાં સાધનોમાં દિન-પ્રતિદિન બદલાવ આવતો જાય છે. જમીનની કિંમતમાં પણ છાસવારે વધારો થતો રહે છે જેને કારણે જમીનને સંભાવનાને નિચોવી લેવાની ઘેલછા વધે તે સ્વાભાવિક છે.
કુટુંબનું માળખું પણ અસ્તવ્યસ્ત થતું જોવા મળે છે. સમાજની દરેક વ્યક્તિ મહદઅંશે સ્વલક્ષી બનતી જાય છે – જેનું પરિણામ સ્વાભાવિક રીતે ઘર પર પડે. વ્યક્તિ વ્યવસાય કે નોકરી માટે પણ સ્થળાંતર કરતો રહે છે અને સ્થાયી આવાસ/મકાનની જરૂરિયાત ઓછી જ જણાય. મકાન હવે દીકરાના દીકરા નહીં પણ પોતે અને પોતે જ વાપરે તેમ બનાવાય છે. અને આમ બનાવાયા/ખરીદાયા પછી પણ તેનો ઉપયોગ મર્યાદિત રહે છે. આવક મેળવવાનું સ્થાન બદલાતા મકાન વેંચી નાખવામાં આવે છે અને નવા ગામે નવું મકાન લેવાય છે.
આ પરિસ્થિતિ માત્ર આવાસની જ નથી. આજે બનાવેલી હોટલ કાલે મોલમાં તબદિલ થઈ જાય તો નવાઈ નહીં.
સમાજ તથા તેનો અગ્રતાક્રમ બહુ ઝડપથી બદલાઈ રહ્યો છે. જે સાઈબર કાફે થોડાં જ વરસો પહેલાં ધીકતો વ્યવસાય હતો તે આજે ક્યાંય જોવા નથી મળતાં. ટેક્નોલોજી સામગ્રી તથા પસંદગી બદલાતાં ઘણું બધું બદલાઈ જાય છે.
કાચ આજની મહત્ત્વની બાંધકામની સામગ્રી બનતી જાય છે. જેની ખુદની આવરદા મર્યાદિત છે. હવે વાતાનુકુલતા વગરના સંસ્થાકીય કે વ્યવસાયિક મકાનની કલ્પના પણ અસંભવ છે. પણ બનશે એવું કે આ બધા મકાનોને રીન્યુએબલ અથવા તો સૂર્યઊર્જાથી સંચાલિત કરવાં પડશે ફેરફાર આ રીતે પણ જરૂરી બનશે. કોલેજો બને છે અને બંધ થાય છે.
શહેરમાં બહુ-પટલ સિનેમાઘરો બને છે અને બંધ થાય છે આ બનવા પાછળનાં કારણોમાં મુખ્યત્વે તાત્કાલિક લાભ ખાટી લેવાની લાલસા હોય છે લાભ ખાટી લીધાં પછી અથવા ઈચ્છિત લાભ ન મળવાની સ્થિતિમાં આખું સાહસ બંધ કરી દેવાય છે અને સ્થાપત્યની રચના અર્થહીન બની રહેતાં અંશત: કે સંપૂર્ણ તોડી નાખવામાં આવે છે. ખાસ ગણાતાં ઔદ્યોગિક એકમોની પણ આજ વ્યથા છે.
બધું જ સાધન છે; કશું જ ‘વારસો’ નથી મકાન પણ એક સાધન છે અને ઉપયોગ તથા હેતુ પૂરો થતાં તેને બિનજરૂરી ઘોષિત કરી તોડી પડાય તે સ્વાભાવિક છે દરેક જગ્યાએ આર્થિક સમીકરણ મંડાય છે. નવું સમીકરણ જો નફાકારક હોય તો જૂના સમીકરણોનો છેદ ઉડાડી દેવાય છે. આખીને આખી હાઉસિંગ કોલોની તોડી પાડીને તે જગ્યાને રી-ડેવલોપ કરીને તે જમીન તથા તે વ્યવસ્થા પર ભાર વધારી દેવાય છે. મારી પાસે આર્થિક સંપન્નતા હોય તો કોઈપણ પરિસ્થિતિને ખરીદી હું તેનો વિધ્વંસ કરી મારી મરજી પ્રમાણેનો ઉપયોગ તથા ઉપભોગ કરી શકું છું. આ આખી પ્રક્રિયામાં પૈસાની જ ગણતરી કરાય છે: પર્યાવરણ કે અન્ય પરિસ્થિતિ પર કેટલો બોજ પડશે તેની કોને ચિંતા છે.
શું મકાનની ચોક્કસ આવરદા હોય – રાખવામાં આવે – નિર્ધારિત કરવામાં આવે તો પર્યાવરણના અમુક પ્રશ્ર્નો ઉકલી ન શકે! મકાનના કે મકાનોના રી-ડેવલપમેન્ટમાં જે આર્થિક આયોજન કરાય છે તે શું શહેરના જે તે વિસ્તારોમાં અનિચ્છનીય દબાણ નથી લાવતું? શું વાહન વ્યવહાર ઉપરાંત વરસાદના પાણીના નિકાલની કુદરતી વ્યવસ્થામાં આને કારણે અડચણો નહીં ઊભી થતી હોય! પ્રશ્ર્નો ઘણા છે.
વિકાસ જરૂરી છે. સમાજે આગળ પણ વધવાનું છે. પણ જૂનું બધું જ વિધ્વંસ કરીને જ નવરચના થઈ શકે એમ તો નથી ને! શું આની માટે કોઈ ધારા-ધોરણ છે? શું લાખો રૂપિયાના ખર્ચે બનાવાયેલ મકાનને તોડી પાડવું એ આર્થિક ગુનો ન ગણાય! હા, એ દલીલ થઈ શકે કે ભંગારનો પણ ઉપયોગ થતો હોય છે. પણ ભંગાર એ ભંગાર છે. કારને તોડી નાખીને એના સામાનને વેચીને શું આર્થિક સંતુલન જળવાઈ શકે? પ્રશ્ર્ન મકાનની આવરદાનો નથી. બાંધકામની સામગ્રીના મહત્તમ ઉપયોગની છે કારણકે ભારતે હજુ વિકાસનાં ઘણાં પગથિયાં ચઢવાના છે. ઘણાં મકાનો નથી તોડાતાં કારણકે એમાં તે સ્થિતિમાં પણ આર્થિક લાભ હોય છે. અંતે તો પૈસો જ બોલે છે.
એવી ટેક્નિક-એની સામગ્રીની જરૂરિયાત છે કે એકવાર મકાન તોડ્યાં પછી પણ તેની સામગ્રીને નવી જ સામગ્રી હોય તે મુજબ વિવિધતા સાથે વાપરી શકાય. એ પણ જરૂરી છે કે રી-ડેવલપમેન્ટના આયોજનમાં માત્ર પૈસાના જમા-ઉધારનો હિસાબ ના મંડાય; પણ સાથે સાથે પર્યાવરણનાં વિવિધ પાસાં, સામાજિક, તાણાંવાણાં, જીવન-શૈલીની ગુણવત્તા, શહેરીકરણ પર પડનાર બોજ, આરોગ્ય અને સુખાકારીને સંબંધિત કુદરતી બાબતો તથા આર્થિક નિર્ણયોને આધારે બાંધકામની ગુણવત્તા સાથે કરાતી બાંધછોડ વિશે પણ ક્યાંક ખાતાવાહી બનવી જોઈએ. સાંપ્રત સમયમાં ઘણા પ્રશ્ર્નો ઉત્તર વિનાના રહી જાય છે.
કદાચ આ પ્રશ્ર્નોના ઉત્તર આજના પરિપ્રેક્ષ્યમાં મળવા અઘરાં પણ છે. જરૂર છે અને સંવેદનશીલ વિચારધારાની જે માત્ર મકાન જ નહીં પરંતુ દરેક સામગ્રી-સાધનનો મહત્તમ ઉપયોગનો પ્રચાર પસાર કરે નહીંતર ૧ લાખ રૂપિયામાં ખરીદેલ કોમ્પ્યુટર કે ૫૦ હજારનો મોબાઈલ જેમ ૨ વર્ષમાં અસાંદર્ભિક બની રહે છે, જેમ લાખોના મકાનને તોડી પાડવામાં આવે છે. જેમ કોઈ પણ ચીજ-વસ્તુની યથાર્થતા મર્યાદિત સમય પૂરતી ગણવામાં આવે છે તેમ સામાજિક મૂલ્યો પણ વ્યર્થતાપૂર્ણ લાગવા માંડશે.
દરેક બાબતનું એક ઈચ્છિત આયુષ્ય હોય છે અને તે બીનજરૂરી છે.