ફોકસ -રાજેશ યાજ્ઞિક
પ્રાચીન ભારતીય સાહિત્યમાં, વિવિધ ઋષિઓ દ્વારા ઉલ્લેખિત અનેક પ્રકારની સિદ્ધિઓ છે. પતંજલિએ તેમના યોગસૂત્રોમાં, વેદ વ્યાસે શ્રીમદ ભાગવતમાં, ઈશ્ર્વર કૃષ્ણએ તેમની સાંખ્યકારિકામાં તમામે બહુવિધ સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો છે.
સિદ્ધિ એટલે શું?
‘સિદ્ધિ’નો શાબ્દિક અર્થ છે – ‘પૂર્ણતા’, ‘પ્રાપ્તિ’, ‘સફળતા’ વગેરે. આ શબ્દ મહાભારતમાં જોવા મળે છે. પંચતંત્રમાં કોઈ અસામાન્ય કૌશલ્ય અથવા ક્ષમતા પ્રાપ્ત કરવી એ ‘સિદ્ધિ’ કહેવાય છે. તે મનુસ્મૃતિમાં ‘ઋણ ચૂકવવા’ના અર્થમાં વપરાય છે. સાંખ્યકારિક અને તત્ત્વ સમાસમાં, એટલે કે, તાંત્રિક બૌદ્ધ પાઠશાળામાં, તેનો ચોક્કસ અર્થ છે – ચમત્કારિક માધ્યમથી ‘અલૌકિક શક્તિઓનું સંપાદન’ જેમ કે – દિવ્યદ્રષ્ટિ, ઉડ્ડયન, એક જ સમયે બે જગ્યાએ હાજર રહેવું, પોતાની જાતને એક અણુના કદમાં ઘટાડી દેવી, ભૂતકાળના જન્મની ઘટનાઓની સ્મૃતિ મેળવવી વગેરે. માધવાચાર્યના સર્વદર્શન સંગ્રહમાં પણ ‘સિદ્ધિ’ એ જ અર્થમાં વપરાય છે.
પતંજલિનાં યોગસૂત્રોમાં કહેવાયું છે કે
જન્મ ઔષધ મંત્ર તપ: સમાધિજ: સિદ્ધય:
(એટલે કે સિદ્ધિઓ જન્મથી, દવાથી, મંત્રથી, તપસ્યાથી અને સમાધિથી મેળવી શકાય છે.)
અહીં વાચકોને જણાવવું જરૂરી છે કે જ્યારે યોગ શબ્દ આવે ત્યારે આપણે શારીરિક કસરતો, જેને આસનો કહેવાય છે તે અર્થ ગોખી નાખ્યો છે, પરંતુ જો પતંજલિ રચિત ‘યોગસૂત્ર’ વાંચો તો ખબર પડે કે યોગમાં કેટલું ઊંડાણ છે. યોગ માત્ર શારીરિક કસરત નથી. જો એવું હોત તો મહાભારતકાર શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાયોના નામમાં યોગ શબ્દનો ઉપયોગ ન કરત. યોગમાં આત્મ સાક્ષાત્કાર અથવા મોક્ષ સુધીની યાત્રા વર્ણવવામાં આવી છે, પણ આપણે આપણા મૂળ વિષય પર અત્યારે પાછા આવીએ.
સિદ્ધિના ત્રણ પ્રકાર ગણવામાં આવે છે. લૌકિક સિદ્ધિ, યોગિક સિદ્ધિ અને સ્વયં સિદ્ધિ. આમ જોવા જઈએ તો કોઈ પણ કાર્યમાં પ્રાપ્ત કરેલી શ્રેષ્ઠ કક્ષાની કુશળતાને પણ સિદ્ધિ જ કહેવાય છે, પરંતુ આપણે તેનો ભૌતિક અર્થ ન લેતા અત્યારે અધ્યાત્મની દ્રષ્ટિએ જ વિચાર કરીએ.
મંત્રના અનુષ્ઠાન કે તપના પ્રભાવથી કોઈ સિદ્ધિ પ્રાપ્ત થાય તો તેને લૌકિક સિદ્ધિ કહેવાય. તેને કારણે લોકોમાં વાહવાહ થાય, લોકો તમને પૂજવા લાગે તે લૌકિક સિદ્ધિ. લૌકિક સિદ્ધિ વપરાયને ખતમ પણ થઇ શકે. તેથી જ ‘ચમત્કારો’ કરતાં અનેક કહેતા ‘યોગીઓ’ રાજકારણ કે અન્ય રવાડે ચઢીને પોતાની સિદ્ધિઓ ગુમાવી ચૂક્યાના દાખલા આપણને ભૂતકાળમાં જોવા મળ્યા છે. યોગીઓના મનમાં સંગ (મોહ) એ સ્મય (અહંકાર) આવે એટલે તેમની લૌકિક સિદ્ધિ નાશ પામે છે. પતન સિદ્ધિથી નથી થતું, પણ આપણાં કર્મોને કારણે થાય છે.
યોગિક સિદ્ધિ ઊંડા તપ, ત્યાગ અને ધર્મના પ્રામાણિક સેવનથી થાય છે અને તે ક્યારેય ચાલી જતી નથી. અષ્ટ સિદ્ધિ, જેની આપણે આગળ ચર્ચા કરીશું, તે યોગિક સિદ્ધિમાં સ્થાન પામે છે. ત્રીજી સિદ્ધિ છે, સ્વયં સિદ્ધિ. યોગનો અભ્યાસ કરનાર આગળ ને આગળ વધતો જાય, પણ પોતાને પ્રાપ્ત થનાર સિદ્ધિઓથી ચલિત ન થાય અને પોતાની સાધના ચાલુ રાખીને પરમાત્માનો સાક્ષાત્કાર કરી લે તે સ્વયં સિદ્ધિ. અને જો
તે હજી આગળ વધતો આત્મસાક્ષાત્કાર સુધી પહોંચી જાય તો મહાસિદ્ધિ!
આધ્યાત્મિક ગુરુઓ કેવી રીતે અલૌકિક ક્ષમતાઓને વાસ્તવમાં પ્રગટ કરી શકતા હતા તે વિશે સ્પષ્ટ વિગતો આપતો વિશુદ્ધિમગ્ગા એક ગ્રંથ છે. તે જણાવે છે કે હવામાં ઊડવું, નક્કર અવરોધોમાંથી ચાલવું, જમીનમાં ડૂબકી મારવી, પાણી પર ચાલવું વગેરે જેવી ક્ષમતાઓ પૃથ્વી જેવા એક તત્ત્વને હવા જેવા બીજા તત્ત્વમાં બદલવા દ્વારા પ્રાપ્ત થાય છે. આ શક્ય બને તે પહેલા વ્યક્તિએ ‘કસીના’ ધ્યાનમાં નિપુણતા મેળવવી જોઈએ. દીપા મા, જેમણે વિશુદ્ધિમગ્ગા દ્વારા તાલીમ લીધી હતી, તેમને આ ક્ષમતાઓ દર્શાવવા માટે કહેવામાં આવ્યું હતું. કુલ ૧૮ સિદ્ધિઓ છે, પરંતુ ૮ સૌથી પ્રસિદ્ધ છે, એટલે કે અષ્ટ સિદ્ધિઓ. ભગવાન હનુમાનજીએ તમામ સિદ્ધિઓમાં નિપુણતા પ્રાપ્ત કરી હતી. જે અઢાર સિદ્ધિ છે તેમાં આઠ મુખ્ય સિદ્ધિ ‘અષ્ટ સિદ્ધિ’ તરીકે તો ઓળખાય છે, પણ અન્ય ૧૦ને ‘ગૌણ’ સિદ્ધિ કહેવાય છે. તેમ છતાં તે સિદ્ધિ તો છે જ! ગુપ્ત અને રહસ્યમય ૧૦ ગૌણ સિદ્ધિઓ જેની પાસે હોય તે અજેય બની જાય છે. ભાગવત પુરાણમાં શ્રી કૃષ્ણએ આ ૧૦ ગૌણ સિદ્ધિઓનું મહત્ત્વ પણ વર્ણવ્યું છે.
આપણે આ દસ ગૌણ સિદ્ધિઓ વિશે પણ વાત કરીશું, પણ એક વાત યાદ રાખવા જેવી છે કે સિદ્ધિ કોઈ પણ હોય, તે વ્યક્તિના અભૂતપૂર્વ તપ અને યોગ સાધનાના ફળ રૂપે પ્રાપ્ત થાય છે. પણ જેણે આત્માને મોક્ષ સુધી લઇ જવો છે તેમણે આ સિદ્ધિઓમાં અટવાઈ જવા જેવું નથી. જો એમ થયું તો સમજી લો કે અધ્યાત્મના સર્વોચ્ચ શિખર જેવો મોક્ષ આપણાથી હાથવેંતમાં હોવા છતાં, આખરે દૂર જ રહેશે.