નેપાળમાં પ્લેન ક્રેશ થવાના અકસ્માતમાં 72 જણનાં મોત થયા છે, જ્યારે આ અકસ્માત અંગે ઉચ્ચ સ્તરીય ધોરણે તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે, સોમવારે આ અકસ્માત અંગે મુખ્ય કડી બ્લેક બોક્સ મળી આવ્યું હોવાનું સત્તાવાર જણાવાયું હતું.
પ્લેન, હેલિકોપ્ટર, કાર્ગો અથવા ફાઈટર પ્લેનમાં પણ બ્લેક બોક્સ જરુરી હિસ્સો હોય છે. બ્લેક બોક્સ તમામ પ્લેનમાં હોય છે. પેસેન્જર પ્લેન હોય કે પછી ફાઈટર પ્લેન, જે ઓનએર વિમાનના સંબંધિત તમામ ગતિવિધિઓનો રેકોર્ડ રાખનારું સાધન છે. તેને ફ્લાઈટ ડેટા રેકોર્ડર પણ કહેવાય છે. સામાન્ય રીતે આ બોક્સને સુરક્ષાની દૃષ્ટિએ વિમાનના પાછળના હિસ્સામાં રાખવામાં આવે છે. બ્લેક બોક્સ ટાઈટેનિયમનું બનેલું હોય છે, જ્યારે ટાઈટેનિયમના બનેલા ડબ્બામાં પણ બંધ હોય છે, જેથી ઊંચાઈ પરથી જમીન અથવા દરિયાના પાણીમાં પડ્યા પછી પણ તેને ઓછામાં ઓછું નુકસાન થાય.
અકસ્માતની હકીકત જાણવા માટે પ્લેનમાં બ્લેક બોક્સ રાખવામાં આવે છે.
પ્લેનનું બ્લેક બોક્સ અથવા ફ્લાઈટ ડેટા રેકોર્ડર, વિમાનમાં ઉડાન ભરતી વખતે વિમાન સંબંધિત તમામ પ્રકારની ગતિવિધિ જેમ કે વિમાનની દિશા, ઊંચાઈ, ઈંધણ, ગતિ, હલનચલન, કેબિનનું તાપમાન વગેરે પ્રકારના 80થી વધુ આંકડાકીય માહિતીને પચીસ કલાકથી વધુ સમયગાળાની રેકોર્ડેડ માહિતી એકત્રિત કરી રાખે છે.
કહેવાય છે કે બ્લેક બોક્સનો ઈતિહાસ પચાસ વર્ષથી પણ વધુ જૂનો છે. પચાસના દાયકામાં જ્યારે વિમાનના અકસ્માતનું પ્રમાણ વધતું જતું હતું ત્યારે 1953-54માં નિષ્ણાતોએ વિમાનમાં એવું સાધન બેસાડવાની ભલામણ કરી હતી કે જેનાથી અકસ્માત અંગેનું ચોક્કસ કારણ જાણી શકાય અને તેના પાછળનો મુખ્ય ઉદ્દેશ પણ ભવિષ્યમાં થનારા અકસ્માતથી પણ બચી શકાય છે, તેથી બ્લેક બોક્સનું નિમાર્ણ કરવામાં આવ્યું હતું. શરુઆતમાં લાલ રંગના કારણે રેડ એગના નામથી બોલાવવામાં આવતા હતા. એટલું જ નહીં, શરુઆતના દિવસોમાં ઈન્ટરનલ વોલને બ્લેક રાખવામાં આવતી, જેથી તેને બ્લેક બોક્સનું નામ આપ્યું છે.