રમેશ તન્ના
ધીરુબહેન પટેલ એટલે મોટાં ગજાનાં સર્જક અને સમાજને સ્વસ્થ કરવા માટે સતત મથનારાં કર્મશીલ. તેમની વિદાયથી એક મોટો ખાલીપો ગુજરાતી ભાષા-સાહિત્યમાં પડશે, જે ભરવાનું કામ સહેજે સહેલું નથી.
તેઓ ગુજરાતી ભાષાનાં ટોચનાં સર્જક.
તેમનો જન્મ ૨૫મી મે, ૧૯૨૬ના રોજ. દસમી માર્ચ, ૨૦૨૩, શુક્રવારના રોજ સવારે તેમણે ૯૭મા વર્ષે વિદાય લીધી. તેમનું જીવન અને કવન પ્રેરણાદાયી હતું. મા સરસ્વતીની તેમના પર અપાર કૃપા હતી. જેટલું લખ્યું, બળકટ અને અસરકારક લખ્યું. ગુજરાતી ભાષાની આગલી હરોળની મહિલા સર્જકોની જ નહીં, ી-પુરુષો બન્નેમાં આગલી હરોળનાં સર્જકની યાદી બનાવીએ તો તેમાં આપણે ધીરુબહેનને અદબભેર પહેલી હરોળમાં સ્થાન આપવું જ પડે.
તેમનો જન્મ વડોદરામાં પણ તેમનું વતન ગુજરાતના પેરિસ ગણાતું ધર્મજ. માતાનું નામ ગંગાબા અને પિતાનું નામ ગોરધનભાઈ. તેમણે પ્રાથમિક શિક્ષણ પોદ્દાર હાઇસ્કૂલ, સાંતાક્રુઝ, મુંબઇમાં લીધું હતું. ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું ઍલ્ફિન્સ્ટન કોલેજમાં. ૧૯૪૫માં અંગ્રેજી વિષય સાથે સ્નાતક અને ૧૯૪૮માં અનુસ્નાતક થયાં હતાં. તેઓ ૧૯૪૯થી ૧૯૬૩ સુધી મુંબઈની ભવન્સ કોલેજમાં અને ૧૯૬૩થી ૧૯૬૪માં દહીંસરની કોલેજમાં અંગ્રેજી વિષયનાં અધ્યાપક હતાં. થોડો વખત તેમણે ‘આનંદ પબ્લિશર્સ’નું સંચાલન કર્યું હતું. ‘સુધા’ સાપ્તાહિકનાં તંત્રી પણ બન્યાં હતાં. તેમના નાટક પરથી કેતન
મહેતાનું પ્રખ્યાત ચલચિત્ર ‘ભવની ભવાઈ’ સર્જાયું હતું જે ખૂબ વખણાયું હતું.
તેઓ ૨૦૦૩-૨૦૦૪ દરમિયાન ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’નાં પ્રમુખ હતાં. તેઓ ગુજરાતી લેખક મંડળનાં પણ પ્રમુખ હતાં. આ એક અનોખી વાત છે. પરિષદ અને લેખક મંડળ બન્નેનાં પ્રમુખ થનારાં તેઓ માત્ર એકમેવ હતાં. તેમની નિસબત કેટલી ગહન હતી એ બાબત આના પરથી સાબિત થાય છે.
અમદાવાદના ગુજરાત વિશ્ર્વકોશમાં જૈફ વયે પણ તેઓ નવા નવા ઉપક્રમો કરીને ભાષા-સાહિત્ય અને સમાજ માટે સતત સક્રિય રહેતાં હતાં.
પાછલાં વર્ષોમાં તેઓ મુંબઈ છોડી અમદાવાદમાં આવીને વસ્યાં હતાં અને ગુજરાત વિશ્ર્વકોશ સાથે જોડાયેલાં રહ્યાં હતાં. ગુજરાત વિશ્ર્વકોશને ધીરુભાઈ મળ્યા તો ધીરુબહેન પણ મળ્યાં. (વિશ્ર્વકોશને ધીરુ નામ સાથે લેણું છે.) શ્રી કુમારપાળ દેસાઈ સાથે મળીને તેઓ સતત નવા નવા ઉપક્રમો રચતાં. વિશ્ર્વા સંસ્થા હોય કે બાળકોની પ્રવૃતિઓ હોય, દરેકમાં તેમની પૂરી સક્રિયતા હોય જ. તેમણે બાળકો અને મહિલાઓ માટે સેંકડો પ્રવૃત્તિઓ કરી હતી. અર્ચન ત્રિવેદી, કબીર ઠાકોર વગેરે પાસે મસ્ત બાળનાટક કરાવ્યું હતું. એવું તો કંઈ કેટલુંય હોં.
તેઓ ઉત્તમ વક્તા પણ હતાં, બોલતાં ત્યારે હૃદયથી બોલતાં. આપણી સાથે વાત કરતાં હોય તે રીતે બોલે. જે અંદર હોય તે જ બહાર આવે. જીવાયેલું, રસાયેલું, તારવેલું, અનુભવેલું બોલે એટલે હૃદયને તરત સ્પર્શી જાય. કોઈ આડંબર નહીં.
ધીરુબહેન એટલે ધીરુબહેન એટલે ધીરુબહેન.
* * *
તેઓ ચાર વર્ષનાં હતાં ત્યારે પોતાનાં માતા ગંગાબહેન સાથે
ગાંધીજીને મળેલાં. ચાર વર્ષેય તેમણે ગાંધીજી સાથે આત્મવિશ્ર્વાસથી વાતો કરેલી.
રમણ મહર્ષિને જોતાંવેંત થોડીક ક્ષણો પ્રકાશ પથરાયો અને…
બીએમાં અંગ્રેજી વિષયમાં યુનિવર્સિટીમાં પ્રથમ આવેલાં, પણ તેઓ તો માતૃભાષા ગુજરાતી સાથે એમ.એ. કરવા માગતાં હતાં. એક પ્રોફેસરે તેમને રીતસરનાં ખખડાવી નાખ્યા અને કહ્યું કે, અંગ્રેજી મહાસાગર છે, એમાં જ એમ.એ. કરવું જોઈએ.
ડૉ. ધીરુભાઈ (ઠાકર) ને જોયા અને ધીરુબહેનને થયું કે આ માણસ જોડે બેસીને કામ કરવા જેવું છે. અને પછી તો તેઓ મુંબઈ છોડીને અમદાવાદ આવી ગયાં હતાં. તેઓ એક સરસ વાત કરતાં. હૃદયને ચોંટી જ જાય તેવી વાત. ગમે તેવી સર્જરી કરાવો તોય ના ઉખડે: જીવનનું સાચું મૂલ્ય કે પ્રયોજન છે નિર્ભેળ પ્રેમ.
ધીરુબહેનનું વ્યક્તિત્વ એટલે નર્યો અને નકરો પ્રેમ અને તેમનું કર્તૃત્વ એટલે શબ્દનિષ્ઠા અને સમાજ માટેની પ્રતિબદ્ધતા.