નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજાર ચોથા ક્વાર્ટરના પરિણામોને ચકરાવે ચઢ્યું છે. પાછલાં ત્રણ સત્રમાં પીછેહઠ નોંધાવ્યા બાદ ગુરૂવારે ભારતીય શેરબજાર પોઝિટીવ ઝોનમાં પાછું તો ફયુૅં છે, પરંતુ હજુ પણ અંદરખાને એક અજંપો છે. નબળા વૈશ્વિક સંકેતો સાથે સ્થાનિક ધોરણે કોર્પોરેટ ક્ષેત્રના ત્રિમાસિક પરિણામ નબળા આવી રહ્યા હોવાથી બજારમાં સાવચેતીનું હવામાન રહ્યું હતું.
આ સત્રમાં પણ સેન્સેક્સ માત્ર ૬૫ પોઇન્ટના સુધારા સાથે માંડ પોઝિટીવ ઝોનમાં પાછું ફર્યો છે અને રોકાણકારોની નજર કોર્પોરેટ પરિણામો પર જ મંડાયેલી છે. એચસીએલ ટેકનોલોજીના પરિણામ મોડી સાંજે જાહેર થાય એ પહેલા બજારમાં નર્વસ હવામાન જોવા મળ્યું હતું.
ચોથા ક્વાર્ટરના પરિણામોી જાહેરાત બાદ આઇસીઆઇસીઆઇ સિક્યુરિટીઝના શેરમાં પાંચ ટકાનો કડાકો નોંધાયો હતો, જ્યારે ટાટા મોટર્સ અને માસ્ટેકના શેરમાં પરિણામ બાદ ઉછાળો નોંધાયો હતો.
એ નોંધવું રહ્યું કે,ભારતની ટોચની બે ઇન્ફર્મેશન ટેક્નોલોજી કંપની, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ લિમિટેડ અને ઇન્ફોસિસ લિમિટેડના નબળા પરિણામોના કારણે આ સપ્તાહેે અત્યાર સુધીમાં બેન્ચમાર્કમાં એક ટકાથી વધુનો ઘટાડો થયો છે.
પાછલા સપ્તાહે ટીસીએસના પરિણામ જાહેર થયા પછીથી આઇટી ઇન્ડેક્સ સાત ટકાથી વધુ તૂટ્યો છે. દરમિયાન, યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા ત્રીજી મેના રોજ તેની આગામી મીટિંગમાં વ્યાજદરોમાં ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કરશે એવી અટકળો વચ્ચેે વૈશ્વિક ઈક્વિટી બજારમાં નિરસ હવામાન રહ્યું હતું.
કેટલાક મિડકેપ શેરોમાં તેના નાણાકીય પરિણામ અથવા અન્ય કારણોસર શેરલક્ષી કામકાજ વચ્ચે આઠ ટકાથી ૧૮ ટકા સુધીના ઉછાળા પણ જોવા મળ્યા છે. જોકે વાસ્તવમાં કોર્પોરેટ ક્ષેત્રના પરિણામો પર જ બજારની નજર છે. માર્કેટ કેપિટલાઇઝેશનના ધોરણે ભારતની સૌથી મોટી કંપની, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ચોથા-ક્વાર્ટરના પરિણામ શુક્રવારે જાહેર કરશે.