નવી દિલ્હીઃ ઉદ્ધવ ઠાકરે આજે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માનને મળ્યા હતા અને તેમણે આ બંને નેતાઓને મુંબઈ ખાતેના પોતાના ઘરે ટી મીટિંગ માટેનું નોંતરું આપ્યું હતું. આ બેઠક દરમિયાન 2024ની લોકસભા ચૂંટણી અંગે ચર્ચા થાય એવી અટકળો વ્યક્ત કરાઈ રહી છે.
રાજકીય વર્તુળોમાં થઈ રહેલી ચર્ચા અનુસાર આ બેઠકમાં તમામ વિપક્ષી પક્ષો કઈ રીતે એક જૂટ થઈ શકે છે એ અંગે ચર્ચા કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે કોંગ્રેસને સાથે લઈને ગઠબંધન કેવી રીતે મજબુત કરી શકાય તે અંગે પણ આ બેઠકમાં ચર્ચા થવાની આશા છે.
સીએમ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP)ને નેશનલ પાર્ટીનો દરજ્જો મળ્યો ત્યારથી ઘણા બધા રાજ્યો પર તેમની નજર છે. સીએમ કેજરીવાલ કર્ણાટક, છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોની મુલાકાત લેશે એવી અટકળો પણ વ્યક્ત કરાઈ રહી છે.
કેજરીવાલ આ વર્ષે 4 માર્ચે કર્ણાટક, 5 માર્ચે છત્તીસગઢ, 13 માર્ચે રાજસ્થાન અને 14 માર્ચે મધ્યપ્રદેશની મુલાકાત લેશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ રાજ્યોમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસ સત્તામાં છે અને કર્ણાટક અને મધ્યપ્રદેશમાં ભાજપ સત્તામાં છે.
વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને વિપક્ષી નેતાઓ એકતા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે . તાજેતરમાં, તેલંગાણાના સીએમ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સહિત ઘણા નેતાઓએ હાજરી આપી હતી. આ પહેલાં પણ બિહારના સીએમ નીતિશકુમાર પણ વિપક્ષી નેતાઓને મળ્યા હતા. આ બધા પછી હવે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ભાજપ સામે બધા રાજકીય પક્ષો એક થવાની તૈયારી કરી રહ્યા છે કે શું?