ઊડતી વાત -ભરત વૈષ્ણવ
એક પછી એક એમ પાંચ-છ જણા કમરામાં પ્રવેશ કરે છે. બધાના ચહેરા પર ઉત્સાહ-ઉમંગ જોવા મળે છે. ઓરડામાં વચ્ચોવચ એલઈડી બળે છે. રાતના બાર વાગ્યાનો સમય છે!!! એક જણાએ કહ્યું “તો આપણો પ્રોગરામ ફાઇનલ. બધાએ સર્વસંમતિથી કોરસમાં હા પાડી. ટપોટપ બધા વિખેરાઇ ગયા. પેલી એલઈડી સુસ્ત થઇ પ્રકાશ રેલાવતા રહ્યો!!!
મને ખબર છે કે પ્રોગરામનું નામ સાંભળીને તમારા કાન આલ્સેશિયન ડોગની માફક ઊંચા થઇ જાય છે. એમાં તમારો વાંક નથી. આખા ગુજરાતની આવી હાલત છે! પોગરામ શબ્દ અગમનિગમ કે ઓલિયાના શબદ જેવો અસરકારક છે. કહેનાર અને સાંભળનારના બત્રીસે કોઠે દીવા થાય છે.
પોગરામ એટલે શિવાજ રિગલનો ખંભો-બાટલો, આઇસ કયુબ, ચિલ્ડ બિયર, કબાબ કે શીંગભજિયા કે મસાલા શીંગ, પાપડ, ગિલાસ અને સાકી (સગવડ હોય તો) શબાબનું અદભૂત મનોસામ્રાજયનું કલ્પનાજગત તૈયાર થાય! આવું આવું વાંચવાની ઇચ્છા હોય તો પ્લીલીલીઇઝ આગળ ન વાંચવા વિન્રમ આદેશ છે! ગુજરાત ગાંધીજીનું છે.
આપણે ડ્રાય સ્ટેટ છીએ અને મજાની વાત એ છે કે ચૂંટણીમાં મતદાનના દિવસને ડ્રાય ડે જાહેર કરવામાં આવે છે. અલબત, ઓર્ડર મુજબ ડિલિવરી ઘરબેઠા મળી જાય છે તે વાત અલગ છે!!!
કદીયા, રદીયા, ભદીયા, પદીયા, મદીયાએ રાતના બાર વાગે ખુફિયા બેઠક યોજીને પોગરામ ફાઇનલ કર્યો. પ્લાન મુજબ પેલા ભદીયો ફેમિલી લઇને પદીયાને ત્યાં જઇ તેને પીકઅપ કરી, બન્ને જણાએ મદીયાને ત્યાં જવાનું મદીયાને પીક કરી ત્રણેય જણે રદીયાને ત્યાં જઇ રદીયાને પીક કરી કોને ત્યાં જવાનું? જબરો ગૂંચવાડો છે! છેલ્લે જે બાકી હોય તેને ત્યાં જઇ તેને પીકઅપ કરીને એકઝેટ સાડા ત્રણે ગંતવ્યસ્થાન માટે હંકારી જવાનું. અમદાવાદથી બે અઢી કલાકનો રસ્તો છે. વહેલી સવારે ટ્રાફિક ક્લિયર હોવાથી સોની સ્પીડે જવાથી બે સવા બે કલાકે તો પહોંચી જ જવાય. ત્યાં જઇ બે બોટ ભાડે કરી ત્રણ ચાર કલાક ફરવાનું!
પ્લાન મુજબ ભદીયો પદીયાને ત્યાં રાતના બે વાગ્યે પહોંચી ગયો. ઘરના દરવાજે પદીયો તૈયાર હતો. “ભદીયા, લોચો પડ્યો છે. તારી ભાભીએ પૂરી વણી નાંખેલી. પૂરી તળવા ગેસ ઓન કર્યો તો ગેસ બાટલો રિસાઇ ગયો. (બાટલાની તકલીફ જ આ છે.
બાટલો ખરા સમયે જ ખોટું પોત પ્રકાશે છે!) ચાલ ,મારા સાળાને ત્યાંથી ગેસનો બાટલો લઇ આવીએ એમ પદીયાએ કહ્યું… બન્ને જણા પાલડીથી અમરાઇવાડી પહોંચ્યા. પદીયાના સાળાનું નામ લદીયો. પદીયાએ ડોરબેલ વગાડી. બધા ઘસઘસાટ ઊંઘમાં હશે! પદીયાએ મોબાઇલ લગાવ્યો. કોઇ ફોન ન ઉપાડે! આમ ને આમ અડધી કલાક પસાર થઇ.
આ સમયે લદીયાના પાડોશીના ઘરના બેલ વગાડાય નહીં. કૌશિક મુનિ જેવા કોઇની ઊંધ બગડે કે આંખથી ભસ્મીભૂત કરી દે તો લેવાના દેવા પડી જાય!!! છેવટે ગેસનો બાટલો લાવવાનું કેન્સલ કરી પાછા પદીયાના ઘરે પહોંચ્યા. પદીયાની ફેમિલી ગાડીમાં ગોઠવાઇ. બન્ને જણા સુભાષબ્રિજ સર્કલે પહોંચ્યા. મદીયાના ઘરે ખેલ થયો. મદીયાના ઘરે નાની દીકરી પડયાપડયા ઊંઘી ગયેલી. મદીયાને લીધો. આ બધી ધમાચકડીમાં લગભગ સાડાત્રણ વાગી ગયેલા.
ભદીયો, પદીયો, મદિયો રદીયાને ઘરે પહોંચ્યા. રદીયાની ઘરવાળી ચેવડો, થેપલા, છુંદો, વેફર, ચા-કોફી તૈયાર કરીને બેઠી હતી. પણ ચા-કોફી રાખવા માટે થર્મોસ મળતું ન હતું. રદીયો થર્મોસ શોધવા માળિયે ચડેલો.
માળિયાની બદબુદાર હવાથી રદીયો ક્ષયના દર્દીની જેમ ખાંસતો હતો. અધૂરામાં પૂરું રદીયો અસ્થમાનો દર્દી! માળિયે સામાનની ફેંકાફેંક કરી વિશ્ર્વ વિજેતા સિકંદરની જેમ થર્મોસ સાથે જ માળિયેથી ઉતર્યો. ખાંસી બંધ થવાનું નામ ન લેતી હતી. રદીયાની ઘરવાળીએ તેને ઇન્હેલર આપ્યું.
ઇન્હેલરને પ્રેસ કરી મોંમાં ફૂસફૂસ કરી રદીયાએ ઇન્હેલરનું લિકવિડ છોડ્યું. રદીયાને થોડી રાહત થઇ. રદીયો અને તેની ઘરવાળી નાસ્તાના ડબ્બા, થર્મોસ, વોટર જગ સાથે ગાડીમાં ગોઠવાયા.
ભદીયો,પદીયો, મદિયો, રદીયાનો રસાલો કદિયાને ઘરે નિકોલ પહોંચ્યા. લગભગ ભડભાંખળું થઇ ગયેલ. કદીયાના ઘરે રદીયાએ ડોરબેલ માર્યો. કોઇ જવાબ નહીં. બીજા બધા તલપાપડ તલમઠીયા થાય! પદીયાએ મોટી ગાળ સાથે કદીયાને ફોન લગાવ્યો.
કોઇ રિસ્પોન્સ નહીં. મદીયાએ કદીયાના ઘરનું બારણું ભભડાવ્યું. અડધી કલાક મસલત કર્યા પછી કદીયાએ આંખો ચોળતા ચોળતા ઘરનો દરવાજો ખોલ્યો. બધાને સવાર સવારમાં પોતાના ઘરે જોઇ અંચબામાં પડી ગયો! “કેમ તમે બધા અહીંયા? કદીયાએ માસૂમિયતથી પૂછયું. “એ ચાંપલી આપણે જવાનું હતું તે ભૂલી ગયું? ભદિયાનું ખોપરું બોયલરની જેમ ફાટ્યું. એકચ્યુઅલમાં કદીયો ભૂલી ગયેલો. બધાએ કદીયા અને તેના છોકરાને ઊંઘમાં જ ગાડીમાં નાંખ્યા. હાશ બધાને લઇ લીધા. ગાડી હાઇ વે તરફ ફૂલ સ્પીડે ચાલવા લાગી.
આ બધાના નસીબ સ્ટ્રોંગ નહીં હોય. બાવળા દસ કિલોમીટર હતું ત્યાં ફટાક કરતું કારના પાછળનું ડાબી બાજુનું ટાયર ફાટ્યું! ગાડી થોડી ખેંચાઇ, ફમ્બલ થઇ. ભદીયાએ બ્રેક મારી. છેવટે કાર ઊભી રહી. સવારના સાડા સાત થઇ ગયેલા.
ભદીયાએ ક્રેક વ્હીલ કાઢ્યું. ટાયરની બાજુમાં જેક લગાવ્યો. પંકચર ટાયરના બોલ્ટ પર બારનું પાનું ચડાવ્યું. બોલ્ટ ખોલવા પાના પર જોર લગાવ્યું! પેલું કહે છે ને કે અકકરમીનો પડિયો કાણો. બહુ જોર લગાવતા બીડ ધાતુનું બનેલું પાનું વચ્ચેથી તૂટી ગયું! ભદીયાએ ગુસ્સામાં વ્હીલને લાત મારી! રદીયો અને મદીયો બાવળા જવા પૂંઠ ફેરવી કે બાકીના લોકો ગાડીની બાજુએ જમીન પર મિણીયું પાથરી કુંડાળું વળી બેસી ગયા.
તમને એમ કે જય આધ્યા શક્તિવાળી આરતી કરવાના હશે. ભાઇ, તમે ભીંત ભૂલ્યા હો કે! યહ મુંહ ઓર મસુર કી દાલ? આ લોકો તો આફતને અવસરમાં બદલવામાં શ્રધ્ધા રાખતા હતા. કળિયુગમાં ઇન્સ્ટન્ટ હાર જીતનું કર્મફળ આપનાર તીનપત્તિ દેવી અને રમીદેવીની આરાધના કરનાર દ્યુત એટલે કે જુગાર પંથના અનુયાયી હતા.
અમે ગુજરાતી ગમે ત્યાં, ગમે તે સમયે, ગમે તેની સાથે નાત, જાત, ધર્મ, લિંગના ભેદભાવ વિના સંપૂર્ણ શ્રધ્ધા અને અનન્ય ભક્તિભાવથી જુગારરસનો આસ્વાદ કરીએ છીએ. ધન્ય છે ખુદને અને તેમના માતાપિતા!
સારા કામમાં સો વિઘ્ન એમ કહેવાનાં આવે છે. કદીયાએ ગ્રહણ ટાણે ઉલ્ટીનો સાપ કાઢ્યો!
હવે તો બાવળાથી મિકેનિક લાવવો પડે. મિકેનિક પંકચર થયેલ વ્હીલ કાઢે અને સ્પેર વ્હીલ લગાવે ત્યારે અહીંથી યાત્રા આગળ વધે. રદીયા અને મદીયાએ બાવળા જતા વાહનમાં લિફ્ટ મળે તે માટે હાથ દેખાડ્યા.
દસ પંદર મિનિટ પછી એક છકડાવાળાએ લિફ્ટ આપી. છકડાવાળો બાવળાનો જ હતો. અભણ છકડાવાળાએ માનવતા દેખાડી! તેણે બે ત્રણ મિકેનિકને ત્યાં રદીયા -મદીયાને લઇ ગયો. એક મિકેનિક મહામહેનતે મૂંડી ( હકારમાં) હલાવી. સ્પેર વ્હીલ બદલાવી બધા નળ
સરોવર પહોંચ્યા તો બપોરના બાર વાગી ગયેલા. ભદીયો, પદીયો, મદીયો, રદીયો, કદીયો નળ સરોવરમાં જે યાયાવર પક્ષીઓનો નજારો જોવા આવેલા તે
પક્ષીઓ ઉડીને પોતપોતાનાં માળામાં જતાં રહેલાં!!!