માણસની મોટા ભાગની તકલીફો, પળોજણો, મુશ્કેલીઓ તેના મગજની ઊપજ છે
આનન-ફાનન -પાર્થ દવે
એક વ્યક્તિની વાત છે. નામ કંઈપણ ધારી લઈએ. તેને સતત અને સખત ચિંતા રહેતી. કોઈપણ વાતની ચિંતા. નાની હોય કે મોટી. દાઢ દુ:ખે તેની ચિંતા કે પાડોશી રાડો પાડે તેની ચિંતા. સગાના લગ્ન હોય તો શું પહેરવું તેની ચિંતા કે આવતી કાલ, પરમ દિવસે કે તેના પછી શું, કેવી રીતે બધું પાર પડશે તેની ચિંતા.
એક દિવસ તે વ્યક્તિને બહુ જ પેટ દુખવા માંડ્યું. ડૉક્ટરે કહ્યું કે, તમને અલ્સર છે. તેના કારણે હોજરી ખલાસ થઈ ગઈ છે. તેમને તરત જ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તેમનું વજન ખાસુએવું ઘટી ગયું હતું. જાણીતા અલ્સર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરે કહી દીધું કે આ ન સુધરી શકે તેવો કેસ બની ગયો છે. તબિયત લથડી રહી હતી. આ હાલત ઘણો સમય રહી.
એક દિવસ તે વ્યક્તિએ વિચાર્યું કે, ‘હવે મોત જ આવવાનું હોય તો મારી પાસે જે સમય બચ્યો છે તેનો સદ્ઉપયોગ કરી લેવો જોઈએ.’ વર્ષોથી તેની ઈચ્છા દરિયાઈ માર્ગે દુનિયાની સફર કરવાની હતી. તેણે નક્કી કર્યું કે, મોત તો પાછળ પડીને બેઠું છે અને મારે જે કંઈ કરવું છે તે હવે, હમણા જ, અત્યારે જ કરવું પડશે.’ તેણે ડોક્ટરને આ વાત કરી. ડોક્ટર તો આશ્ર્ચર્યથી બાઘા થઈ ગયા. તેમણે ચેતવણી જ આપી દીધી કે, ‘જો તે આવું સાહસ’ કરશે તો દરિયામાં જ દફન થઈ જશે, પણ તે વ્યક્તિ મક્કમ હતો. ‘તેણે જહાજના કેપ્ટનને કહી દીધું કે, સફર દરમિયાન મારું મૃત્યુ થાય તો મારું શબ ઘરના સરનામે મોકલી આપજો.’
પછી શું થયું? જેમ જેમ સફર ખેડાતી ગઈ તેમ તેમ તે વ્યક્તિની તબિયત સારી થવા માંડી. તેને બધું જ સારું લાગવા માંડ્યું! ભૂખ ઊઘડી ગઈ અને તેણે બધા પ્રકારનો ખોરાક લેવા માંડ્યો. વર્ષોથી ચિંતિત સ્વભાવના કારણે જે મજા નહોતી માણી શક્યો તે ભરપૂર માણવા મંડ્યો. કેમ કે હવે તો માથે મોત હતું. બીજો કોઈ વિકલ્પ નહોતો. સફર દરમિયાન તોફાન અને વાવાઝોડું આવ્યું. અન્ય મુસાફરો ડર્યા, તેમને ચિંતા થઈ, પણ આ વ્યક્તિ તો ચિંતાને દૂર ફગાવીને આવ્યો હતો! તેણે તે સાહસને પણ માણ્યું. તોફાન પણ શમી ગયું અને વાતાવરણ ફરી સામાન્ય બન્યું.
આખી સફર પૂર્ણ કરી, તે વ્યક્તિ પાછો આવ્યો ત્યારે તેનું વજન ફરી વધી ગયું હતું! પરત ફરી તે વ્યક્તિ ફરી પોતાના કામે લાગી ગયો. પેટનો દુખાવો, અલ્સર, વગેરે બધું ભૂલાઈ ચૂક્યું હતું. કઈ રીતે?
વર્તમાન. ભવિષ્યની ચિંતા અને ભૂતકાળનાં દુ:ખો ભૂલીને વર્તમાનમાં જીવીને તે વ્યક્તિ સ્વસ્થ થયો હતો. તેણે વિચાર્યું કે, આ પરિસ્થિતિમાં ખરાબમાં ખરાબ શું થઈ શકે છે? જવાબ હતો – મોત. એ તો તે આવકારી ચૂક્યો હતો! તેનો તેને ડર નહતો. ડૉક્ટરોએ જ આશા છોડી દીધેલી! હવે તે વાત સ્વીકારીને, તે વ્યક્તિ બહાર ફરવા નીકળ્યો હતો. તે બાકીના બચેલા સમયનો આનંદ માણવા સફરે નીકળ્યો હતો.
તે સફર દરમ્યાન, જહાજ ઉપર પણ તેણે ભવિષ્યની ચિંતા ચાલુ રાખી હોત તો તેની તબિયત સારી ન થઈ હોત. પણ ચિંતા છોડી, તેણે મનને શાંત કર્યું. તેના કારણે એક નવી જ શક્તિનો શરીરમાં સંચાર થયો.
કહેવાની જરૂર નથી કે આ વ્યક્તિ તમે કે હું, કોઈપણ હોઈ શકે છે. ૨૦૨૨ પૂરું થવામાં છે ત્યારે એક બાબત ખાસ કહેવી છે, જે હું આ વર્ષે શીખ્યો છું: માણસની મોટાભાગની તકલીફો, પળોજણો, મુશ્કેલીઓ તેના મગજની ઊપજ છે. તે વારંવાર ભૂલી જાય છે કે ભૂતકાળ વીતી ગયેલી કાલ છે અને ભવિષ્ય હાથમાં આવવાનું નથી. અને તેના કારણે ચિંતાગ્રસ્ત મન જાતજાતની તકલીફો અને રોગને આમંત્રણ આપે છે. આપણી પાસે એક જ વસ્તુ છે: આજ. લેખક જ્હોન રસ્કીન પોતાના ટેબલ ઉપર એક પથ્થર રાખતા હતા, જેના ઉપર કોતરાવીને લખ્યું હતુ: ઝજ્ઞમફુ – આજ.
જીસસની એક પ્રાર્થનાના શબ્દો છે: ગીવ અસ ધીસ ડે અવર ડેઈલી બ્રેડ. એટલે કે, ‘હે પ્રભુ! અમને અમારું આજના દિવસનું ભોજન આપજે.’ ગઈકાલનું ભોજન નહીં. આવતી કાલનું પણ ભોજન નહીં. કેમ કે બંનેમાથી એક પણ કાલ’ આપણા હાથમાં નથી. આપણા હાથમાં છે આ ક્ષણ.
કારણ કે, આપણે એક સમય એક જ દિવસ, એક જ કલાક, એક જ ક્ષણ જીવી શકીએ છીએ! હેપ્પી ન્યુ યર!