કવર સ્ટોરી -વિજય વ્યાસ
અમેરિકાએ પોતાની સરહદમાં ઘૂસેલા ચીનની કંપનીના બલૂનને ઉડાવી દીધું એ મુદ્દે અમેરિકા અને ચીન વચ્ચે તુ-તુ મૈં-મૈં થઈ રહ્યું છે ત્યાં અમેરિકાએ દાવો કર્યો છે કે, ચીને માત્ર અમેરિકામાં જ નહીં પણ ભારત અને જાપાન સહિત ઘણાં દેશોમાં જાસૂસી માટે પોતાનાં બલૂન ઘૂસાડ્યાં હતાં. ચીને સ્પાય બલૂન્સનો આખો કાફલો તૈયાર કર્યો છે કે જેનું કામ જ ચીનને જેમની સાથે ફાવતું નથી એ દેશોની જાસૂસી કરવાનું છે.
ચીનનું લશ્કર પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) આ સ્પાય બલૂનોનું સંચાલન કરે છે. પીએલએ ચીનના પાડોશી અને જેમની સાથે ચીનનાં વ્યૂહાત્મક હિતો જોડાયેલાં છે એ દેશોમાં ચીન સ્પાય બલૂન મોકલીને સંવેદનશીલ માહિતી એકઠી કરે છે. ચીનનાં વ્યૂહાત્મક હિતો જોડાયેલાં છે તેનો મતલબ ચીનનો ડોળો જેમની જમીન પર છે ને જેમની સાથે ચીનને ડખા થાય છે એવા દેશો છે. ભારત, જાપાન, ફિલિપાઈન્સ, વિયેતનામ અને તાઈવાન એ પાંચ દેશો સાથે ચીનને સખળડખળ ચાલ્યા કરે છે તેથી આ દેશોમાં ચીને સ્પાય બલૂન મોકલ્યાં હોવાનો અમેરિકાનો દાવો છે.
અમેરિકાના દાવા પ્રમાણે તો ચીને ભારતમાં પહેલી વાર સ્પાય બલૂન મોકલીને જાસૂસી નથી કરાવી પણ ચીન આ હલકી હરકત પહેલાં પણ કરી ચૂક્યું છે. ચીનનું બલૂનકાંડ ભારત માટે મોટી ચેતવણી હોવાનું જણાવીને અમેરિકાએ તો દાવો કર્યો છે કે, ચીન ભારતમાં વરસ પહેલાં બલૂન મોકલીને જાસૂસી કરાવી ચૂક્યું છે. ૨૦૨૨ના જાન્યુઆરીમાં ચીનનું સ્પાય બલૂન ભારતની હવાઈ સીમામાં ઘૂસ્યું હતું. આ સ્પાય બલૂન આંદામાન અને નિકોબારની રાજધાની પોર્ટ બ્લેર પર ઊડતું દેખાયું હતું અને હિંદ મહાસાગરમાં આવેલા ભારતના નૌકા કાફલા ઉપરાંત પોર્ટ બ્લેરમાં ભારતના આર્મી બેઝની જાસૂસી કરવા આવ્યું હોવાનો દાવો કરાઈ રહ્યો છે.
આંદામાન અને નિકોબારની સ્થાનિક ન્યૂઝ વેબસાઈટ આંદામાનશિખાડોટકોમે ૬ જાન્યુઆરી, ૨૦૨૨ના પોર્ટલ પર મૂકેલા રિપોર્ટમાં આ બલૂન અંગે સવાલ ઉઠાવ્યો હતો. ન્યૂઝ પોર્ટલે સત્તાવાળાઓને સવાલ પણ કર્યો હતો કે, ભારતની કોઈ એજન્સીએ બલૂન મોકલ્યું છે કે પછી વિદેશી બલૂન છે ? આંદામાન અને નિકોબારના સત્તાધીશો તરફથી કોઈ જવાબ નહોતો અપાયો.
આંદામાન અને નિકોબાર કેન્દ્રશાસિત પ્રદેશ હોવાથી સીધો ભારત સરકારના તાબા હેઠળ છે પણ ભારત સરકાર તરફથી પણ સત્તાવાર નિવેદન અપાયું નહોતું. દેશના બીજા મીડિયામાં પણ આ વાતને બહુ મહત્ત્વ નહોતું અપાયું ને લોકો પણ આ વાત ભૂલી ગયા. હવે અમેરિકાના બલૂનકાંડને કારણે ગયા વરસે ચીને કરેલી હરકતની વાત પણ તાજી થઈ છે.
અમેરિકાના સાઉથ કેરોલિના સ્ટેટમાં ઊડી રહેલા ચીનના બલૂનને અમેરિકન ઍરફોર્સના ફાઈટર જેટે ઉડાવી દીધું તેના કારણ ચીનની આ હરકત આખી દુનિયાના ધ્યાનમાં આવી પણ વાસ્તવમાં અમેરિકામાં ચીનનાં એકથી વધારે બલૂન દેખાયાં છે. ગયા અઠવાડિયે સાઉથ કેરોલિનામાં તોડી પડાયેલા બલૂન ઉપરાંત છેલ્લાં કેટલાંક વરસોમાં અમેરિકાના હવાઈ, ફ્લોરિડા, ટેક્સાસ અને ગુઆમ એ ચાર સ્ટેટમાં ચીનનાં સ્પાય બલૂન દેખાયેલાં.
અમેરિકામાં છાસવારે અનઆઈડેન્ટિફાઈડ ફ્લાઈંગ ઓબ્જેક્ટ્સ એટલે કે યુએફઓ દેખાયાં હોવાના વિવાદ ચગે છે. લોકો યુએફઓ અથવા તો ઊડતી રકાબી જોઈ હોવાના દાવા કરે છે. આ યુએફઓ બીજા ગ્રહ પરથી આવ્યાં હોવાની શંકાઓ પણ વ્યક્ત કરાય છે. અત્યાર લગી આ બધી વાતો હમ્બંગ લાગતી હતી પણ હવે અમેરિકાના લશ્કરના લાગે છે કે, અમેરિકાની પ્રજા સાવ ટાઢા પહોરનાં ગપ્પાં નહોતી મારતી. લોકોને દેખાતા યુએફઓ ચીનનાં સ્પાય બલૂન હોઈ શકે છે.
અત્યારે તોડી પડાયેલું સ્પાય બલૂન બહુ મોટી સાઈઝનું હતું ને ધીરે ધીરે આગળ વધતું હતું તેથી તરત નજરે ચડી ગયું પણ ચીને બીજાં ટચૂકડાં ને એકદમ ઝડપથી ગતિ કરતાં સ્પાય બલૂન પણ બનાવ્યાં હોઈ શકે. અમેરિકાનું લશ્કર અત્યારે આ રીતે દેખાયેલા યુએફઓનો રેકોર્ડ ચકાસી રહ્યું છે. આ યુએફઓને ચીન સાથે કંઈ સંબંધ છે કે નહીં તેની ચકાસણી થઈ રહી છે.
અમેરિકાએ બીજા દેશોને પણ ચીનની હરકત વિશે ચેતવ્યા છે. દુનિયાના લગભગ ૪૦ દેશોના દૂતાવાસને ચીનના બલૂન સાથે જોડાયેલા સ્પાય ઈક્વિપમેન્ટ્સ એટલે કે જાસૂસીનાં સાધનોની વિગતો અપાઈ છે. પેન્ટાગોને બલૂનના ફોટા પણ બહાર પાડ્યા છે. અમેરિકાએ તો ત્યાં લગી કહ્યું છે કે, ચીનના સ્પાય બલૂન દુનિયાના પાંચ ખંડોમાં દેખાયાં છે તેના પરથી સ્પષ્ટ છે કે ચીને કોઈને છોડ્યું નથી. અમેરિકાની જેમ બીજા દેશોની સરહદમાં ઘૂસીને ચીને તેમના સાર્વભૌમત્વનો ભંગ કર્યો છે.
અમેરિકાએ જે પણ વાતો કરી એ ચોંકાવનારી છે અને ભારત માટે ચેતવણી સમાન છે કેમ કે ભારત ચીનના સૌથી મોટા દુશ્મનોમાં એક છે. ચીનની જાપાન સહિતના દેશો સાથે દુશ્મનાવટ વધારે ગાઢ છે પણ ભારત પર પણ તેને હેત નથી જ. ચીન ભારતને પોતાનું દુશ્મન જ માને છે અને એ રીતે જ વર્તે છે. ભારતમાં આતંકવાદ ફેલાવતા પાકિસ્તાનને તન,મન, ધનથી મદદ કરવાથી માંડીને ભારતના વિસ્તારોમાં પોતાના લશ્કર મારફતે છમકલાં કરાવવા સુધીનાં ભારતને પરેશાન કરવાનાં બધા કામ ચીન કરે છે.
ભારતે બીજી એ વાત પણ સમજવી પડે કે, અમેરિકા સાથે તો ચીનનાં સીધા કોઈ સરહદી હિતો સંકળાયેલાં નથી કે કોઈ વિવાદ નથી. દુનિયાના દાદા બનવાની ચીનની મહત્ત્વાકાંક્ષા આડે અમેરિકા સૌથી મોટો અવરોધ છે ને તેનો ચીનને ખાર છે. હવે આ કારણસર ચીન અમેરિકાનાં સ્પાય બલૂન ઘૂસાડી શકતું હોય તો ભારત સાથે તો ચીનને સરહદી વિવાદ છે અને ભારતના સંખ્યાબંધ વિસ્તારોને ચીન પોતાના ગણાવીને તેમને હડપવાની પેરવીઓ કર્યા જ કરે છે.
અરૂણાચલ પ્રદેશ અને અક્સાઈ ચીનમાં તો ચીને ઘૂસણખોરી કરીને ભારતનો પ્રદેશ પચાવી પણ પાડ્યો છે. આ સંજોગોમાં ચીન માટે અમેરિકા હરીફ છે જ્યારે ભારત તો દુશ્મન છે તેથી બલૂનકાંડ પછી ભારતે વધારે સતર્ક થવું પડે. ભારત-ચીન સરહદે તો અંદરની તરફ ઘણા દુર્ગમ વિસ્તારો આવેલા છે. બરફ અને ગાઢ જંગલોથી બનેલા આ વિસ્તારો પર ચોવીસે કલાક નજર રાખવી શક્ય નથી એ જોતાં ભારતે સતર્કતા વધારવી જ પડે.
ભારતે સતર્ક થવા માટે બીજાં પણ કારણો છે. ચીન લુચ્ચું પ્રાણી છે અને તેના ઈરાદા ખતરનાક હોય છે. અમેરિકામાં તેણે ઘૂસાડેલા બલૂનને જાસૂસી માટે મોકલાયેલું વિમાન ગણાવાયા છે પણ વાસ્તવમાં ચીનના ઈરાદા શું હોઈ શકે છે તે કોઈને ખબર નથી. આખેઆખી ચાર બસ આવી જાય એવા ૨૦૦ ફૂટ પહોળા અને ૧૩૦ ફૂટ લાંબા સ્પાય બલૂનનો જાસૂસી સિવાય બીજાં કામો માટે પણ ઉપયોગ થઈ શકે.
અમેરિકાના વોર એક્સપર્ટ્સે તો આ સ્પાય બલૂનથી ચીન જાસૂસી સિવાયના શું શું ખેલ કરી શકે છે તેની વાતો પણ કરી છે. આ વાતો સાંભળીને આપણે ચકરાઈ જઈએ. આ સ્પાય બલૂનનો ઉપયોગ પોતાના સૈનિકોને બીજા દેશમાં ઉતારવા માટે પણ કરી શકાય. આ બલૂન સરળતાથી રડારમાં ના પકડાય એટલી ઊંચાઈએ જઈ શકે છે.
ચીન પોતાના વિસ્તારમાં જ એટલી ઊંચાઈએ બલૂનને મોકલીને પછી ભારતની સરહદમાં ઘૂસાડે ને પછી ગાઢ જંગલમાં નીચે લાવીને પોતાના સૈનિકોને ઉતારી શકે છે. ચીના
ભારતની સરહદમાં ઘૂસણખોરી કર્યા જ કરે છે. તેના માટે ભારતના જવાનો સાથે ઘર્ષણ થાય છે ને ચીનાઓ મરે પણ છે. આ બલૂનનો ઉપયોગ કોઈ નુકસાન વિના સૌનિકોને ઉતારવા કરી શકાય.
ચીન આ બલૂનનો ઉપયોગ પરમાણુ સહિતના કોઈ પણ હુમલા માટે પણ કરી શકે. આ બલૂનમાં પરમાણુ શસ્ત્રો લઈ જઈ શકાય છે તેથી ચીન બલૂનનો ઉપયોગ સીધા પરમાણુ હુમલા માટે કરી શકે. આ સિવાય બાયોલોજિકલ એટેક એટલે કે કોઈ ઘાતક જીવજંતુ મોકલીને રોગચાળો ફેલાવવા પણ કરી શકાય.
ચીને કોરોના ફેલાવીને સાબિત કર્યું જ છે કે, પોતે બાયોલોજિકલ શસ્ત્રો વિકસાવી રહ્યું છે. તેના ઉપયોગમાં આ બલૂન કામ આવી શકે. એ જ રીતે કેમિકલ એટેક માટે પણ બલૂનનો ઉપયોગ કરી શકાય. નર્વ ગેસ કે બીજા કોઈ કેમિકલનો ઉપયોગ કરીને ભારે તબાહી મચાવી શકાય છે એ સદ્દામ હુસૈને વરસો પહેલાં સાબિત કરેલું ને એ પહેલાં હિટલરે ગેસ ચેમ્બર્સ દ્વારા સાબિત કરેલું. ચીન પણ આવા કોઈ કેમિકલ સાથેનાં બલૂન ભારતમાં મોકલીને તબાહી મચાવવા પ્રયત્ન કરી શકે.
ભારતમાં છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનમાંથી ડ્રોન ઘૂસાડાય છે. આ રીતે ડ્રોન દ્વારા જમ્મુમાં લશ્કરી થાણાં પર હુમલાનો પ્રયત્ન કરાયેલો. ચીન બલૂનમાં વિસ્ફોટકો ભરીને આવો હુમલો કરી શકે. ભારતના મોટા ડેમ, ઈલેક્ટ્રિક ગ્રિડ, ટેલીકોમ ટાવર્સ વગેરેને નિશાન બનાવીને હુમલા કરી શકે. ચીન હેકર્સના માધ્યમથી આપણા નેટવર્કને હેક કરવા મથે છે એ વાત મુંબઈમાં થયેલા અંધારપટે સાબિત કરેલી. બલૂન દ્વારા સીધો હુમલો કરીને ચીન એવું કરી શકે.
ચીન હલકું છે તેથી ગમે તે કરી શકે એ જોતાં ભારતે સર્વેલન્સને વધારે મજબૂત કરવું અનિવાર્ય છે. ભારતીય લશ્કર સજ્જ છે ને ચીનને ગાઠતું નથી એ જોતાં આ મોરચે પણ તૈયારી કરીને બેઠું જ હશે.