જાણીતા લેખિકા અને સમાજસેવિકા સુધા મુર્તિ તાજેતરમાં એક અનોખી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. યુકેમાં લોકો એવું માનવાનો ઇનકાર કરી રહ્યા છે કે તેઓ યુનાઇટેડ કિંગડમના પ્રથમ ભારતીય મૂળના વડા પ્રધાન ઋષિ સુનકના સાસુ છે. ઇન્ફોસિસના કો-ફાઉન્ડર અને બિઝનેસમેન નારાયણ મૂર્તિ સાથે લગ્ન કરનાર સુધા મૂર્તિના સામાન્ય દેખાવથી ઘણીવાર લોકો છેતરાઇ જાય છે.
તાજેતરના ધ કપિલ શર્મા શોના એપિસોડમાં જોવા મળેલા 72 વર્ષીય મૂર્તિએ એક ઈમિગ્રેશન અધિકારી વિશે એક ટુચકો શેર કર્યો હતો. તેમણે તેમના ઇમિગ્રેશન ફોર્મ પર “10 ડાઉનિંગ સ્ટ્રીટ” લખ્યું ત્યારે ઇમિગ્રેશન અધિકારીએ તેમના રહેણાંક સરનામાં પર વિશ્વાસ કરવાનો ઇનકાર કર્યો હતો. નોંધનીય છે કે 10 ડાઉનિંગ સ્ટ્રીટ એ યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન અને કાર્યાલય છે. સુધા મૂર્તિની પુત્રી, અક્ષતાના લગ્ન ઋષિ સુનક સાથે થયા છે, જેઓ હાલમાં 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં રહે છે.
એકવાર જ્યારે હું યુકે ગઇ હતી, ત્યારે તેઓએ મને મારું રહેઠાણનું સરનામું પૂછ્યું. ‘તમે લંડનમાં ક્યાં રહો છો?’ મારી મોટી બહેન મારી સાથે હતી અને મેં વિચાર્યું કે મારે ’10 ડાઉનિંગ સ્ટ્રીટ’ લખવું જોઈએ. મારો પુત્ર પણ ત્યાં (યુકેમાં) રહે છે, પરંતુ મને તેનું સંપૂર્ણ સરનામું યાદ નહોતું, તેથી મેં 10 ડાઉનિંગ સ્ટ્રીટ લખ્યું હતું. મૂર્તિએ કહ્યું કે ઇમિગ્રેશન ઓફિસરે તેની સામે અવિશ્વસનીય રીતે જોયું અને પૂછ્યું, “તમે મજાક કરો છો?!” તેમણે જવાબ આપ્યો કે, ” નાહી, સચ્ચી બોલતી હુ ” (ના, હું તમને સત્ય કહું છું).આ અનુભવ શેર કરીને સુધા મૂર્તિએ લોકોને તેમની સાદગી અને સરળતાનો પરિચય આપ્યો હતો.
સુધા મૂર્તિનો અનુભવ એ રીમાઇન્ડર છે કે લોકોના બાહ્ય દેખાવો છેતરામણા હોઈ શકે છે. લોકોના દેખાવના આધારે તેમના વિશે અનુમાન લગાવવું સરળ છે, પરંતુ તે ધારણાઓ ઘણીવાર ખોટી હોય છે. સુધા મૂર્તિનો સાદો દેખાવ તેમની સમગ્ર જીવનની સિદ્ધિઓને પ્રતિબિંબિત કરતું નથી.
નોંધનીય છે કે સુધા મૂર્તિને તાજેતરમાં જ નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા.