ટેક્નોલોજીની બાબતમાં ભારત હરણફાળ ભરી રહ્યું છે. દેશના રેલવે વિભાગે પણ ટેક્નોલોજી સાથે કદમ મેળવવાની કવાયત આરંભી દીધી છે અને ટૂંક સમયમાં હવે ભારતમાં પણ ટિલ્ટિંગ ટ્રેનો જોવા મળશે. ભારતીય રેલવેના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ આગામી બેથી ત્રણ વર્ષમાં ભારતને તેની પ્રથમ ટિલ્ટિંગ ટ્રેન મળી જશે. ભારતમાં ઉત્પાદિત વંદે ભારત ટ્રેનો 2025 સુધીમાં આવી ટેક્નોલોજીથી સજ્જ થઇ જશે.
હાલમાં ટિલ્ટિંગ ટ્રેનો ઇટાલી, પોર્ટુગલ, સ્લોવેનિયા, ફિનલેન્ડ, રશિયા, ચેક રિપબ્લિક, યુકે, સ્વિટ્ઝર્લેન્ડ, ચીન, જર્મની અને રોમાનિયામાં કાર્યરત છે. આ ટ્રેનોની ડિઝાઇન તેમને ટ્રેકના વળાંક તરફ નમવાની મંજૂરી આપે છે. જ્યારે ટ્રેન ઝડપથી વળાંક લે છે ત્યારે ટ્રેનની અંદર બેસેલા લોકો અને અન્ય વસ્તુઓ કેન્દ્રત્યાગી બળનો અનુભવ કરે છે, જે તેમને બહારની તરફ ધકેલે છે, જેને કારણે સામાન નીચે પડી જઇ શકે છે અને ઉભેલા લોકો પણ સંતુલન ગુમાવી શકે છે. આ ટ્રેનોને વળાંકની અંદરની તરફ ગાડીઓને ટિલ્ટ કરીને અસરને અનુકૂલિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.