સનસનાટી મચાવનાર ૧૯૫૯ના નાણાવટી કેસ પર ત્રણ ફિલ્મ બની છે જેમાં ૫૦ વર્ષ પહેલાં આવેલી ગુલઝારની ‘અચાનક’ નોખી તરી આવે છે
હેન્રી શાસ્ત્રી
એમ્બ્યુલન્સની સાયરન વાગે છે અને હોસ્પિટલમાં આવેલા દરદીને તાબડતોબ ઓપેરેશન થિયેટરમાં લઈ જવા માટે જણાવી ડૉ. કૈલાશ (અસરાની) ડૉ. ચૌધરી (ઓમ શિવપુરી) પાસે જઈને કહે છે કે બીજો એક ઈમરજન્સી કેસ આવ્યો છે, વિજિલન્સ વોર્ડમાં. સામાન્યપણે આ શબ્દો કાને પડતા કોઈ પણ નિષ્ઠાવાન ડૉક્ટર હાથમાં રહેલા કામ પડતા મૂકી દરદીની સારવાર માટે દોટ મૂકે, કારણ કે દરદીને તાત્કાલિક સારવારની જરૂર હોય. જોકે, ભાંગી પડેલા ડૉ. ચૌધરી ‘વિજિલન્સ વોર્ડ’ શબ્દો કાને પડતા વધુ વ્યથિત થાય છે અને એમના મોઢામાંથી માત્ર એટલા શબ્દો નીકળે છે કે ‘વિજિલન્સ વોર્ડ?’ જવાબમાં ડૉ. કૈલાશ કહે છે કે ‘યસ ડૉક્ટર, કોઈ કેદી જેલની દીવાલ કૂદીને ભાગી જવાની કોશિશ કરતો હતો ત્યારે પોલીસની ગોળી માથામાં લાગી છે.’ આટલું સાંભળી ડૉ. ચૌધરીને વધુ પીડા થાય છે અને પોતે પ્રેક્ટિસ કરવા નથી માગતા, રાજીનામું આપવા માગે છે એમ કહી ગુસ્સામાં ડૉ. કૈલાશને ગેટઆઉટ કહે છે. વરિષ્ઠ ડૉક્ટરની વ્યથા સમજતા ડૉ. કૈલાશ નીકળી નથી જતા, ત્યાં જ ઊભા રહે છે અને ડૉ. ચૌધરી કહે છે, ‘કયૂં? આખિર કયૂં ઉસે બચાના ચાહતે હો? ફાંસી પર ચઢાને કે લિયે?’ એટલામાં નર્સ આવીને કહે છે કે ઓપરેશનની તૈયારી થઈ ગઈ છે અને ડૉક્ટર ચૌધરી કહે છે કે ‘જબ તક ઈન્સાન કી સાંસ ચલ રહી હૈ તબ તક ડૉક્ટર કા ફર્ઝ હૈ કી… મૈં અપને ધર્મ સે મજબૂર હૂં ઔર કાનૂન અપને ધર્મ સે. ચલો હમ અપના ઓપરેશન કરે ઔર વો અપના ઓપરેશન કરે.’ બીજી તરફ જેને શ્રેષ્ઠ સારવાર આપી મોતના મુખમાંથી બચાવી લેવાયો હતો એ મેજર રણજીત ખન્ના (વિનોદ ખન્ના)ને ફાંસીની સજા થાય છે અને ઓપરેશન થિયેટરમાં ડૉક્ટરની ટીમ વધુ એક કેદીને મોતના મુખમાંથી ઉગારવાની કોશિશમાં લાગે છે જેથી કાનૂન એને મોતના મોંમાં ધકેલી દે. આમ ગુલઝારની ‘અચાનક’ની કથા નાણાવટી કેસ પૂરતી મર્યાદિત ન રહેતા તબીબી વ્યવસાય અને કાનૂની વ્યવસાયની પોતપોતાની ફરજ વિશે પણ વાત કરી રીતસર ચાબખા મારે છે એમ કહી શકાય. ‘અચાનક’માં નાણાવટી કેસનો મુદ્દો લેવામાં આવ્યો છે, પણ કાયદાના રખેવાળ અને આરોગ્યના રખેવાળના ધર્મ પર સુધ્ધાં પ્રકાશ ફેંકે છે.
ગુલઝારની ફિલ્મ અંગે આપવામાં આવેલી માહિતીમાં જણાવ્યા અનુસાર ‘અચાનક’ ખ્વાજા અહમદ અબ્બાસની ‘ઈમ્પ્રિન્ટ’ નામના અંગ્રેજી મેગેઝિનમાં પ્રકાશિત થયેલી ‘ધ થર્ટીન્થ વિક્ટિમ’ નામની વાર્તા પર આધારિત હતી. માત્ર ૨૮ દિવસમાં ફિલ્મનું શૂટિંગ પૂરું કરવામાં આવ્યું હતું અને કે. એ. અબ્બાસની વાર્તા પરથી ગુલઝારે ફિલ્મની પટકથા અને સંવાદ તૈયાર કર્યા હતા. ફિલ્મની કેટલીક મજેદાર વાતો જાણવા જેવી છે. ગુલઝારની ગીતકાર તરીકે ખ્યાતિ જાણીતી છે, પણ ‘અચાનક’માં એક પણ ગીત નથી. ફિલ્મમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે જે વસંત દેસાઈ નામના મહારાષ્ટ્રીયન સંગીતકારનું છે. વસંત દેસાઈ એટલે ‘દો આંખે બારહ હાથ’નું ‘અય માલિક તેરે બંદે હમ’, ‘ગૂંજ ઉઠી શેહનાઈ’નું ‘તેરે સૂર ઔર મેરે ગીત’ અને ‘ઝનક ઝનક પાયલ બાજે’નું ‘મેરે અય દિલ બતા’ જેવા અવિસ્મરણીય ગીતોના સ્વરકાર. ફિલ્મમાં રણજીત ખન્ના (વિનોદ ખન્ના) લશ્કરી અધિકારી છે અને એટલે હત્યા કરીને નાસી જાય છે, ત્યારે ગુલઝાર લશ્કરી તાલીમની બારીકી સમજાવતો એક સીન દેખાડે છે. પોલીસ ગુનેગારને પકડવામાં બાહોશ એવા શ્ર્વાનને લઈ નાસતા રણજીતને પકડવા પાછળ પડી હોય છે ત્યારે ફ્લેશબેકના સીનનો ઉપયોગ કરી ગુલઝાર શ્ર્વાનનો પીછો છોડાવવા માટે બે વૃક્ષની ફરતે અંગ્રેજીમાં એઈટ કરવાથી એ શક્ય બને એ દર્શાવે છે. પછીના સીનમાં શ્ર્વાન અટવાઈ જતા દેખાય છે, પણ ચાલાક પોલીસ રણજીતની હોશિયારી સમજી એને પકડવા આગળ વધે છે. ગુલઝારનો અનોખો સ્પર્શ ધરાવતી આવી કેટલીક બાબતો ‘અચાનક’ને બાકીની બે ફિલ્મ ‘યે રાસ્તે હૈં પ્યાર કે’ અને ‘રુસ્તમ’ કરતા ચડિયાતી સાબિત કરે છે.
૧૯૫૮ના સનસનાટીપૂર્ણ નાણાવટી કેસ પર બનેલી ત્રણ ફિલ્મોમાં ગુલઝાર દિગ્દર્શિત ‘અચાનક’ કેમ નોખી તરી આવે છે એ સમજવા ઉપર રજૂ કરેલી સિક્વન્સ સમજવી જરૂરી છે. નાણાવટી કેસ પર પહેલી ફિલ્મ બની હતી ‘યે રાસ્તે હૈં પ્યાર કે’ (૧૯૬૩) સુનીલ દત્તની નિર્માતા તરીકે પહેલી ફિલ્મ હતી. જોકે, આ ફિલ્મમાં મૂળ વાર્તા કરતા અંત બદલી નાખવામાં આવ્યો હતો. અન્ય પુરુષ સાથે શારીરિક સંબંધના પસ્તાવાની આગ સહન ન કરી શકનાર પત્ની નીના સાહની (લીલા નાયડુ) અદાલતમાં પતિ અનિલકુમાર સાહની (સુનિલ દત્ત) નિર્દોષ જાહેર થતા અદાલતમાં જ પતિની બાહોમાં પ્રાણ ત્યજી દે છે. અક્ષય કુમારની ‘રુસ્તમ’ (૨૦૧૬) અલગ જ દિશા પકડે છે. આજના વાતાવરણને અનુરૂપ કથાનું હાર્દ રાખી એમાં દેશભક્તિનું બ્યુગલ વગાડવામાં આવ્યું છે. એટલે રાષ્ટ્રીય ધ્વજ સાથે ખુમારીવાળો ચહેરો ધરાવતો કમાન્ડર રુસ્તમ પાવરી (અક્ષય કુમાર) જોવા મળે છે અને યુનિફોર્મની પવિત્રતા વિશે ધારદાર સંવાદ પણ એના મોઢે સાંભળવા મળે છે. રુસ્તમ પાવરીની પત્ની સાથે આડા સંબંધ ધરાવનાર વિક્રમ મખીજા (અર્જન બાજવા)ને લંપટની સાથે સાથે દેશદ્રોહી તરીકે પણ ચીતરવામાં આવ્યો છે. રુસ્તમ આ હત્યા પૂર્વ નિર્ધારિત હોવાની કબૂલાત કરે છે છતાં એક દેશદ્રોહીને ખતમ કર્યો હોવાથી એને આદરથી જોવામાં આવે છે.
નાણાવટી કેસ શું હતો? ૧૯૫૯નો આ કેસ કમાન્ડર કે. એમ. નાણાવટી વિરુદ્ધ સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર તરીકે ઓળખ ધરાવતો હતો. નૌકાદળના કમાન્ડર કાવસ માણેકશા નાણાવટી પર પત્નીના પ્રેમીની હત્યા કરવા બદલ ખટલો ચાલ્યો હતો. ઈન્ડિયન પીનલ કોડની કલમ ૩૦૨ હેઠળ નાણાવટી પર આરોપ મુકાયો હતો, પણ એને જ્યુરીએ નિર્દોષ જાહેર કર્યો હતો. જોકે, બોમ્બે હાઈ કોર્ટે એ ચુકાદો રદ કરતા ખટલો બેન્ચ ટ્રાયલ (જેમાં જ્યુરીને બદલે જજ ચુકાદો આપે) તરીકે ચાલ્યો હતો. છેવટે મહારાષ્ટ્રના નિમાયેલાં નવા ગવર્નર વિજયાલક્ષ્મી પંડિતે નાણાવટીને માફી બક્ષી હતી. આ કેસને વ્યાપક પ્રસિદ્ધિ મળી હતી.
—————
નરગીસ ‘સંતોષી મા’નો રોલ કરવાની હતી
તાજેતરમાં આપણી વચ્ચે સદેહે વિદાય લેનાર બેલા બોઝએ ૧૯૬૦ના દાયકામાં એક કુશળ નૃત્યાંગના તરીકે ખાસ્સી લોકપ્રિયતા મેળવી હતી. જોકે, પેટિયું રળવા કિશોરાવસ્થામાં સ્ટુડિયોના ચક્કર લગાવનારી બેલા બોઝને ફિલ્મોની દુનિયામાં આગળ નહોતું વધવું. એની ઈચ્છા ફેશન ડિઝાઇનિંગમાં કાઠું કાઢવાની હતી. જોકે, નરેશ સેહગલ દિગ્દર્શિત ‘મૈં નશે મેં હૂં’ (૧૯૫૯)થી ચક્ર ફરી ગયું. આ ફિલ્મમાં બેલા બોઝને ગ્રુપ ડાન્સમાં તક મળી હતી. ગીતના શૂટિંગ વખતે મિસ્ટર સેહગલ સેટ પર સૂચનાઓ આપી રહ્યા હતા ત્યારે તેમનું ધ્યાન અચાનક બેલા બોઝ પર પડ્યું. તેમણે તરત બેલા બોઝને ગ્રુપમાંથી બહાર નીકળવા જણાવ્યું. બેલા બોઝને નવાઈ ન લાગી કારણ કે ગ્રુપ ડાન્સ માટે પસંદ કરવામાં આવ્યા પછી કોઈ કારણસર ફિલ્મમાંથી એને કાઢી મૂકવામાં આવી હોવાના અનેક પ્રસંગ એની સાથે બન્યા હતા. જોકે, આ વખતે નવાઈ પામવાનો જ નહીં ચોંકી જવાનો વારો હતો બેલા બોઝ માટે. રાજ કપૂર પર ફિલ્માવાયેલા અને મુકેશે ગાયેલા ટાઇટલ સોન્ગ ‘મુજકો યારો માફ કરના, મૈં નશે મેં હૂં’ ગીત માટે એને રાજ કપૂર સાથે ડાન્સ કરવા માટે કહેવામાં આવ્યું. વાત આટલેથી અટકી નહીં, આ ગીતના પિક્ચરાઇઝેશનમાં બેલા બોઝની અદા પસંદ પડતા સેહગલ સાહેબે ફિલ્મના ‘યે ના થી તુમ્હારી કિસ્મત’માં સોલો ડાન્સર તરીકે પણ તક આપી. આ ફિલ્મમાં બેલાની ખાસ નોંધ લેવાઈ અને તેની કારકિર્દીને વળાંક આપવામાં મહત્ત્વની સાબિત થઈ.
આ ફિલ્મ રિલીઝ થયા પછી જીવન કેવું બદલાઈ ગયું એ વિશે એક ઇન્ટરવ્યૂમાં બેલા બોઝે જણાવ્યું હતું કે ‘આ ઘટના છે ૧૯૫૮ની. ત્યારે હું દસમા ધોરણમાં ભણતી હતી. એ વર્ષે કમર્શિયલ આર્ટ્સમાં ડિપ્લોમા મેળવી વસ્ત્રોની ફેશન ડિઝાઇનિંગમાં કારકિર્દી બનાવવાના સપના જોતી હતી. એ ડિપ્લોમા મેળવી મને કોહિનૂર મિલમાં સારી નોકરી મળે એમ હતું અને નિયમિત આવક પણ શરૂ થવાની હતી. જોકે. ‘મૈં નશે મેં હૂં’ને મળેલી સફળતા પછી મને ધડાધડ ઓફરો મળવા લાગી અને ફેશન ડિઝાઇનિંગને તાળું લાગી ગયું અને હું ફિલ્મોમાં વ્યસ્ત થઈ ગઈ.’ ૧૯૬૦ના દાયકામાં બેલા બોઝનો સિતારો ચમકી ગયો. ‘પ્રોફેસર’, ‘ઓપેરા હાઉસ’, ‘ચિત્રલેખા’, ‘અનિતા’, ‘લુટેરા’, ‘હમ સબ ઉસ્તાદ હૈ’… બેલા બોઝ ડાન્સર અને ચરિત્ર અભિનેત્રી તરીકે બિઝી થઈ ગઈ. ૧૯૭૫ની સુપરડુપર હિટ ફિલ્મ ‘જય સંતોષી મા’માં પણ બેલા બોઝ હતી. આ ધાર્મિક ફિલ્મમાં તેણે નેગેટિવ રોલ કર્યો હતો. આ ફિલ્મની વિશિષ્ટ માહિતી એક ઇન્ટરવ્યૂમાં આપતા બેલા બોઝે જણાવ્યું હતું કે ‘ગીતકાર – સંગીતકાર ઉદય ખન્ના નરગીસને સંતોષી માતાના રોલમાં ચમકાવી ફિલ્મ બનાવવાના હતા. આશિષ (બેલાનો પતિ) હીરો હતો અને નરગીસની ભાણેજ ઝાહિદાના પતિ મિસ્ટર સહાય ફાઇનેન્સર હતા. જોકે, કોઈ કારણસર એ ફિલ્મ બની નહીં. પછી આશિષે ઉદય ખન્ના પાસેથી વાર્તા લઈ લીધી અને ‘રોકી મેરા નામ’ના ડિરેક્ટર સતરામ રોહરા સાથે ફિલ્મ બનાવી. ફિલ્મ હિટ સાબિત થતા શું થયું ખબર ન પડી, પણ ફિલ્મ મિસ્ટર રોહરાના નામે ચડી ગઈ. મેં અને આશિષે ફિલ્મમાં કામ કર્યું હતું પણ અમને અંધારામાં રાખવામાં આવ્યા હતા.’