2.29ની ટ્રેન 4.35 વાગ્યે પહોંચી ચર્ચગેટ: ફાસ્ટ ટ્રેનને વસઈથી દાદર સુધી સ્લો ટ્રેક પર દોડાવાઈ: પાછળથી પાંચ ટ્રેનો ફાસ્ટ ટ્રેક પરથી પસાર થઈ ગઈ: પ્રવાસીઓને પારાવાર હાલાકી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પશ્ચિમરેલવેનો કારભાર છેલ્લા કેટલાક મહિનામાં સાવ ખાડે ગયો છે. રવિવારે જમ્બો બ્લૉકના નામે પશ્ચિમ રેલવેમાં પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મહત્ત્વની બાબત એ હતી કે વસઈથી 2.29ની ટ્રેન ચર્ચગેટ 3.40ને બદલે 4.35 વાગ્યે પહોંચી હોવા છતાં રેલવેના અધિકારીઓ દ્વારા ટ્રેન ફક્ત 46 મિનિટ લેટ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ બાબતે ફરિયાદ કરવા ગયેલા લોકોને જમ્બો બ્લોકનું કારણ આપવામાં આવ્યું હતું, પરંતુ 2.29 પછીની 2.43, 3.07 અને 3.23ની વસઈથી ઉપડતી લોકલ ટ્રેનો 2.29 પહેલાં કેવી રીતે ચર્ચગેટ પહોંચી ગઈ તેનો તેમની પાસે કોઈ જવાબ નહોતો.
2.29 વાગ્યાની ચર્ચગેટ માટેની ફાસ્ટ ટ્રેન 2.40 વાગ્યે વસઈ સ્ટેશન પર આવી હતી અને બોરીવલી સુધી સરળતાથી ચાલી રહી હતી, પરંતુ બોરીવલી સ્ટેશનમાં પ્રવેશ કરવા પહેલાં તેને સ્લો ટ્રેક પરથી ફાસ્ટ ટ્રેક પર નાખવી જોઈતી હતી તે નાખવામાં આવી નહોતી. આટલું જ નહીં, બોરીવલીથી ઉપડ્યા બાદ પણ તેને સ્લો ટ્રેક પરથી ફાસ્ટ ટ્રેક પર નાખવામાં આવી નહોતી. અંધેરી સુધી આ ટ્રેન સ્લો ટ્રેક પર અટકી અટકીને ધીરે ધીરે ચાલી રહી હતી ત્યારે ગોરેગાંવથી લઈને અંધેરી સ્ટેશન સુધીમાં ફાસ્ટ ટ્રેક પરથી ત્રણ લોકલ પસાર કરવામાં આવી હતી.
આ લોકલ ટ્રેનના પ્રવાસીઓનાં ઘા પર મીઠું ચોપડતા હોય એવી રીતે અંધેરી સ્ટેશન પછી પણ આ ટ્રેનને સ્લો ટ્રેક પરથી ફાસ્ટ ટ્રેક પર વાળવામાં આવી નહોતી અને બાંદ્રા સ્ટેશન સુધી અટકતી અટકતી સ્લો ટ્રેક પર ચલાવ્યા કરી હતી.
દાદર રેલવે સ્ટેશન પહેલાં આ ટ્રેનને સ્લો ટ્રેક પરથી ફાસ્ટ ટ્રેક પર વાળવામાં આવી ત્યાં સુધીમાં વસઈથી આ ટ્રેનની પોણો કલાક પછી ઉપડેલી ટ્રેનો આગળ નીકળી ગઈ હતી.
સમગ્ર પ્રવાસ દરમિયાન પ્રવાસીઓને વિલંબ બાબતે કોઈપણ જાતની માહિતી આપવામાં આવી નહોતી. આવી જ રીતે રેલવે સ્ટેશનો પર પણ કોઈ જાતની માહિતી આપવામાં આવી નહોતી. જેને કારણે પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.