(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિરારથી દહાણું વચ્ચે ચાર ટ્રેકનું કામ પૂર્ણ થયા બાદ ૧૫ ડબ્બાની લોકલ ટ્રેન દહાણું સુધી દોડશે એવો વિશ્વાસ પશ્ચિમ રેલવેએ વ્યક્ત કર્યો છે. હાલ પશ્ચિમ રેલવેમાં ફક્ત ચર્ચગેટથી વિરાર સુધી ૧૫ ડબ્બાની લોકલ ટ્રેન દોડાવવામાં આવે છે.
પશ્ચિમ રેલવેના ડિવિઝિનલ મેનેજર નીરજ વર્માના જણાવ્યા મુજબ હાલ પશ્ચિમ રેલવેમાં ફક્ત ચર્ચગેટથી વિરાર વચ્ચે ૧૫ ડબ્બાની લોકલ દોડી રહી છે, જેની ફેરી વધારવામાં આવી રહી હોઈ ૨૧ નવેમ્બરથી ૨૬ ફેરીઓ વધી ગઈ છે. હાલ વિરાર-દહાણું વચ્ચે ચાર ટ્રેક કરવાનું કામ ચાલી રહ્યું છે, તે માટે સરકારી તથા ખાનગી જમીનનું સંપાદનનું કામ ચાલી રહ્યું છે. તો પ્રોજેક્ટને આડે આવી રહેલા ૨૪,૦૦૦ મેનગ્રોવ્ઝ તોડવા માટે મંજૂરી મળે તે માટે એમઆરવીસીએ મુંબઈ હાઈ કોર્ટમાં અરજી પણ કરી છે. આ પ્રોજેક્ટ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે, તેથી આગામી ત્રણ વર્ષમાં આ પ્રોજેક્ટ પૂરો થાય એવી શક્યતા છે.
પશ્ચિમ રેલવેના ઉપનગરીય માર્ગ પર પહેલી ૧૨ ડબ્બાની લોકલ ૧૯૮૬માં દોડી હતી. અને ત્યાર બાદ ૨૦૦૬માં પહેલી ૧૫ ડબ્બાની લોકલ સેવામાં દાખલ થઈ. પશ્ચિમ રેલવેએ અંધેરી-વિરાર વચ્ચે પ્લેટફોર્મની લંબાઈ વધારી હતી. ત્યાર બાદ ૨૮ જૂન ૨૦૨૧ના રોજ આ માર્ગ પર ૧૫ ડબ્બાની ૨૫ ફેરી વધી હતી. હવે ૧૨ ડબ્બાની લોકલમાં ત્રણ ડબ્બા જોડીને ૧૫ ડબ્બાની વધુ ૨૬ ફેરીઓ ૨૧ નવેમ્બરથી વધારવામાંઆવી છે. હાલ ૧૫ ડબ્બાની નવ લોકલ પશ્ર્ચિમ રેલવેમાં દોડે છે અને ૧૫ ડબ્બાની લોકલની પ્રતિદિન ૧૩૨ ફેરી થાય છે.
ભવિષ્યમાં વિરાર-દહાણુ વચ્ચે ચાર ટ્રેકનું કામ પૂરું થયા બાદ ૧૫ ડબ્બાની લોકલ આ ટ્રેક પર દોડાવવામાં આવશે. હાલ ચર્ચગે, દાદર, અંધેરી, બોરીવલી અને વિરાર દરમિયાન અપ અને ડાઉન દિશામાં ૧૫ ડબ્બાની ટ્રેન દોડે છે.