(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં મુંબઈ-અમદાવાદ વચ્ચેના 357 કિલોમીટરના રેલવે રુટમાં મેટલની ફેન્સિંગનું કામકાજ પૂરું કરવામાં આવ્યું છે. સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનોના સુરક્ષિત કોરિડોર નથી, તેથી વંદે ભારત સહિત અન્ય એક્સપ્રેસ ટ્રેનોને અકસ્માત નડતા હોય છે. મુંબઈ-અમદાવાદ વચ્ચેના કોરિડોરને વધુ સુરક્ષિત બનાવવાના ભાગરુપે મેટલની ફેન્સિંગ તૈયાર કરવામાં આવી છે, એમ વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
પશ્ચિમ રેલવેના ઝોનમાં જાન્યુઆરી મહિનામાં ફેન્સિંગનું કામકાજ ચાલુ કરવામાં આવ્યું હતું, જે કોરિડોરમાં રાજધાની, વંદે ભારત એક્સપ્રેસ સહિત અન્ય ટ્રેનો દોડાવવામાં આવે છે. દેશના અન્ય રેલવે કોરિડોરમાં સૌથી વ્યસ્ત કોરિડોર ગણાય છે. અહીં એ વાત જણાવવાની કે આ કોરિડોરના સમાંતર ભવિષ્યમાં બુલેટ ટ્રેનને દોડાવવામાં આવશે. બુલેટ ટ્રેન માટે અલગથી કોરિડોર હશે, પરંતુ મુંબઈ-અમદાવાદ વચ્ચેના કોરિડોરનું રેલવે મંત્રાલય માટે વિશેષ મહત્ત્વ છે. હાલના તબક્કે સેમી હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પણ દોડાવવામાં આવે છે. ગયા વર્ષે માર્ચ મહિનાથી મે મહિના સુધીમાં આ સેક્શનમાં કેટલ રનઓવરના 75 બનાવ નોંધાયા હતા, પરંતુ આ વર્ષે તેની સંખ્યામાં ઘટાડો થયો છે, જે ઘટીને પંચાવન થયા છે.
મુંબઈ ડિવિઝનમાં 150 કિલોમીટર, વડોદરા ડિવિઝનમાં 175 કિલોમીટર, જ્યારે અમદાવાદ ડિવિઝનમાં 31 કિલોમીટર મળીને ફેન્સિંગનું કામકાજ પાર પાડવામાં આવ્યું છે. પશ્ચિમ રેલવેએ 623 રુટ કિલોમીટરના વિસ્તારમાં 245 કરોડ રુપિયાના ખર્ચે ફેન્સિંગ બાંધવાની યોજના હાથ ધરી હતી. આ ફેન્સિંગ મેટલની છે, જે ખૂબ જ મજબૂત છે, કારણ કે તેમાં ડબલ્યુ-બીમનો ઉપયોગ કરવામાં આવે છે, જે અકસ્માતને રોકવા માટે સંરક્ષિત હશે. સમગ્ર કોરિડોરમાં એક વખત ફેન્સિંગનું કામકાજ પાર પાડવામાં આવ્યા પછી વંદે ભારત એક્સપ્રેસ જેવી અન્ય ટ્રેનોને કલાકના 160 કિલોમીટરની ઝડપથી દોડાવી શકાશે, એવો અધિકારીએ દાવો કર્યો હતો. ફેન્સિંગની આવશ્ક્તા ધરાવનારા અન્ય ઝોનમાં ઉત્તર મધ્ય રેલવેનો પણ સમાવેશ થાય છે. મુંબઈ-દિલ્હી, દિલ્હી અને હાવડા અને નોર્ધન રેલવેના કોરિડોરનો સમાવેશ થાય છે.