પશ્ચિમ બંગાળમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં કોલેજની વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. મળતી માહિતી અનુસાર અલીપુરદ્વાર વિસ્તારમાં રહેતી વિદ્યાર્થિની મોલમાં ચોકલેટ ચોરી કરતાં પકડાઈ ગઈ હતી. તેની તસવીર વાયરલ થઈ તો તે ડિપ્રેશનમાં આવી ગઈ અને તેણે જીવન ટૂંકાવી નાંખ્યું.
મૃતકના પરિવારે જણાવ્યું હતું કે પૂજા 29 સપ્ટેમ્બરના તેની નાની બેહન સાથે શોપિંગ કરવા મોલમાં ગઈ હતી ત્યાં તેણે ચોકલેટની ચોરી હતી, પરંતુ મોલના એક કર્મચારીએ તેને ચોરી કરતાં પકડી લીધી હતી. પૂજાએ તેની ચોરીની વાત સ્વીકારી લીધી હતી અને તે ચોકલેટના પૈસા પણ આપી દીધા હતાં તેમ છતાં મોલના કર્મચારીઓએ તેની તસવીર ખેંચી અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી નાંખી હતી. પૂજાને આ વાતની જાણ થઈ ત્યારે તે ડિપ્રેશનમાં આવી ગઈ અને રવિવારે તેણે ઘરે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી નાંખ્યું હતું.
પૂજાની મોત બાદ સ્થાનિકોએ મોલ અને પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને મોલના કર્મચારીઓ સામે કડક કાર્યવાહીની માગણી કરી હતી.