ગુજરાતીઓ દાનવીરો તરીકે શ્રેષ્ઠ હોય છે અને જ્યાં જ્યાં ગુજરાતી વસતા હશે ત્યાં ત્યાં શિક્ષણ, આરોગ્ય સહિતની સામાજિક સંસ્થાઓમાં તેમણે ઊભી કરી હશે. આ દાનવીર ગુજરાતીઓ હવે અવયવ દાન કરવા માટે પણ આગળ આવી રહ્યા છે. અવયવ દાનને શ્રેષ્ઠ દાન માનવામા આવે છે કારણ કે તે અન્યોને જીવન આપી શકે છે. તાજેતરમાં રિલીઝ થયેલા નેશનલ ઓર્ગ્ન એન્ડ ટિસ્યૂ ટ્રાન્સ્પ્લાન્ટેશન ઓર્ગેનાઈઝેશન (નોટો)ના અહેવાલમાં વર્ષ 2013થી 2022ના ડેટા અનુસાર ગુજરાત ચોથા ક્રમાંકે છે. ગુજરાતે 2022માં કુલ 148 શરીર દાનમાં મેળવ્યા છે. આ પહેલીવાર બન્યું છે કે ગુજરાત પહેલી હરોળના ક્રમાંકમાં આવ્યું હોય. દાનમાં મળેલા 148 શરીરમાંથી 399 અવયવ મેળવી દાન કરવામાં આવ્યા છે. તેલંગણા શરીરદાનમાં સૌથી આગળ છે. તેમણે 194 મૃત શરીરમાંથી 655 અવયવ, તમીલનાડુએ 156 શરીરમાંથી 553 અવયવ, કર્ણાટકાએ 151 શરીરમાંથી 435 અવયવ મેળવ્યા છે. ગુજરાતે 2021માં 70 મૃત શરીર દાન તરીકે મેળવ્યા હતા, જે 2022માં 148 થયા છે. આનો શ્રેય સરકારી સંસ્થાઓને વધારે જાય છે કારણ કે તેઓ બ્રેઈન ડેડ દરદીના પરિવારને સારી રીતે સમજાવે છે અને મૃતકના શરીરમાંથી સમયસર અવયવ કાઢવા અને તેની જાળવણીમાં ખૂબ જ મોટી ભૂમિકા ભજવે છે.
જોકે તેમ છતાં જેટલી માગ અવયવોની છે, તેટલા અવયવો દાન થતાં નથી. આથી લોકોએ હજુ વધારે આ દિશા તરફ વળવાની જરૂર છે.