કેરળઃ કેરળ સરકાર દ્વારા વિદ્યાર્થિનીઓ માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ નિર્ણય પ્રમાણે કેરળ સરકારના અખત્યાર હેઠળ આવનારી કોલેજમાં ભણનારી વિદ્યાર્થિનીઓને માસિક ધર્મ વખતે રજા મંજૂર કરવામાં આવશે.
માસિક ધર્મ વખતે મહિલાઓ અને યુવતીઓને પારાવાર વેદનાઓનો સામનો કરવો પડે છે, પરિણામે તેમને આ સમયમાં આરામ મળે એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેરળના ઉચ્ચ શિક્ષણ ખાતાનાં પ્રધાન આર. બિંદુએ જણાવ્યું હતું કે સરકારે વિભાગાંતર્ગત આવનારી તમામ સ્ટેટની કોલેજમાં આ નિર્ણયની અમલબજાવણી કરવાનો આદેશ આપ્યો છે.
તેમણે પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે આ સમયગાળામાં વિદ્યાર્થિનીને પારાવાર શારીરિક અને માનસિક ત્રાસ થાય છે જેની નોંધ લઈને જ આ સમય દરમિયાન તેમને રજા આપવામાં આવે એ માટે પગલાં લેવામાં આવશે.
ગયા મહિને જ કેરળની મહાત્મા ગાંધી યુનિવર્સિટી દ્વારા ગેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન દરમિયાન વિદ્યાર્થીઓને 60 દિવસની મેટર્નિટી લીવ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. માસિક ધર્મ એ યુવતીઓ માટે ખૂબ જ મુશ્કેલ સમય હોય છે અને કેરળના શૈક્ષણિક કેન્દ્ર દ્વારા વિદ્યાર્થીને માસિક ધર્મ માટે રજા આપવાનો આ પહેલો જ મોકો છે.
આ નિર્ણયની જો બધા જ કોલેજમાં અમલબજાવણી કરવામાં આવશે તો મહિલા વિદ્યાર્થિનીઓને ખૂબ જ રાહત મળશે, અને આવી વિનંતી કરતી એક અરજી પણ રજૂ કરવામાં આવી છે.