જે. ડી. મજીઠિયા
‘મુંબઈ સમાચાર’ સાથે મારો બહુ જૂનો સંબંધ? કેટલો જૂનો? સમજો ને સમજણો થયો, વાંચતો થયો ત્યારથી સવાર ‘મુંબઈ સમાચાર’ સાથે જ થતી. તમારામાંથી કેટલા બધા લોકો સાથે આ વાત બંધબેસતી હશે ને?
હું મારાં મા-બાપ, મારા શિક્ષકો, મિત્રો, સગાસંબંધી અને ‘મુંબઈ સમાચાર’ સાથે ઘડાયો એમ કહું તો અતિશયોક્તિ ના કહેવાય અને ‘મુંબઈ સમાચાર’એ મને હંમેશાં તટસ્થ અને ચોખ્ખા વિચાર રજૂ કરતો કર્યો એમ કહું તો પણ. એટલે જ મારો ખૂબ જ રસપ્રદ અનુભવ અહીંયા મારા મનમાં છે એ જ રીતે રજૂ કરવાની ઇચ્છા થઇ અને ‘મુંબઈ સમાચાર’ના તંત્રી નીલેશભાઇ સાથે વાતચીત થઇ તો એમણે કહ્યું કે તમારા હૃદયથી વાચક સુધી એક પણ શબ્દ નહીં બદલાય. મન મૂકીને લખો.
વાત છે આપણા બધાના માનનીય વહાલા હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની. જેમને હું નહોતો ઓળખી શક્યો એ સમયનો એક અનુભવ તમને જણાવું. તો એ અનુભવની વાત અચાનક કેમ મનમાં આવી એનું કારણ અંતમાં છેલ્લે લખીશ. ૨૦૦૫-૦૬ની વાત છે કે કદાચ એનાથી થોડી વહેલી. મને મારી મિત્ર માધવી ભૂતાનો ફોન આવ્યો. મારા કૉલેજનો મિત્ર અને લેખક મિહિર ભૂતા અને તેની પત્ની માધવીએ મને કહ્યું કે બા, બહુ ઓર બેબી ટીવી સિરિયલ (જે
ત્યારે બહુ જ પ્રચલિત હતી)ના કલાકારોને લઇને ગુજરાતની ચૂંટણીમાં પ્રચાર માટે આવી શકો. ત્યારે મારા મનમાં સાહેબ માટે થોડો ખોટો અભિપ્રાય હતો, કારણકે અહીં મુંબઇમાં બેઠાં બેઠાં અમુક લોકોની વાતોથી, ખોટા પ્રચારો, સમાચારોથી એવું માન્યું હતું કે ગુજરાતનાં રમખાણો થયાં એમાં મોદી સાહેબ ક્યાંક જવાબદાર છે. સૂઝ, સમજણ અને ઘડતર પહેલેથી થોડા સારાં રહ્યાં છે. એટલે તરત એ વાત ન માની. પણ એ વાતની મનમાં શંકા જેવું હતું એટલે મેં માધવીબેનને વાતને ઠાવકાઇથી શૂટિંગમાં વ્યસ્ત છું એમ કહીને ટાળી દીધી. પછી થોડા સમય બાદ એટલે કે ૨૦૦૭-૦૮માં મારે અમદાવાદ ખાતે ગુજરાતી નાટકના કલાકારો જે જગ્યાએ રોકાતા હોય છે, એ રાઇફલ ક્લબની બાજુની હોટેલમાં મારો ઉતારો હતો. વર્ષોથી નાટકની ટૂર વખતે રાઇફલ ક્લબમાં રહેલો. હું એ સમયની વાત કરું છું, જ્યારે સાબરમતી નદી લગભગ બારેમાસ સુકાયેલી રહેતી હતી. ત્યારે બારેમાસ સુકાયેલી રહેતી સાબરમતી અત્યારે સાબરમતી રિવર ફ્રંટ તરીકે સૌથી મોટું ટૂરિસ્ટ એટ્રેક્સન છે અને પાણીથી છલોછલ રહે છે. એ દિવસોમાં એ સુકાયેલી નદીના તટ પર એવા ઘણા છોકરાઓ ફરતા, રખડતા કે એમની પ્રવૃત્તિઓ જોઇને બાકી કોઇને ત્યાં જવાનું મન ન થાય અને આવી જગ્યાઓ ધીમે ધીમે અવાવરું થવા માંડે, ત્યારે ત્યાં અસામાજિક તત્ત્વો વધવા માંડે અને ધીરે ધીરે એ જગ્યાઓ ગંભીર થવા માંડે. હવે જે વાત કહું છું એ તમને કદાચ થોડી ચોંકાવી શકે. મેં આજ સુધીના મારા લખાણમાં કે કાર્યોમાં ક્યારેય કોઇ પણ કોમનો ઉલ્લેખ, એમને ઘસાતું લાગે કે અમાન્ય લાગે એવી રીતે કઇં જ નથી કર્યું. અહીંયા પણ એ વાતનું ધ્યાન રાખ્યું છે, પણ જે સત્ય ઘટના મારી સાથે થઇ છે એની જ વાત કરી રહ્યો છું. એક સ્ત્રી અમારી હોટેલના પરસાળમાં કામ કરી રહી હતી અને હું જ્યાં ઊભો હતો ત્યાંથી સાબરમતી નદી સુકાયેલી નહીં, પણ ચોખ્ખી અને ત્યાં જવા આકર્ષી રહી હતી. એટલે મેં એ બેન સાથે વાતચીત શરૂ કરી. આની ઉપરની લાઇનમાં જગાવેલી તમારી ઉત્કંઠાને સંતોષવા માટે કહી દઉ કે એ બેન મુસ્લિમ હતા. ને જે મેં પહેલા કહ્યું કે હું મોદીસાહેબને બરોબર ઓળખતો નહોતો અને થોડો બાયસ હતો સાંભળેલી વાતોથી અને ખોટા સમાચારોથી. એટલે મારી વાતમાં, મારા સવાલમાં પણ એ વર્તાતું હતું. અને એટલે જ મારાથી એ બેનને એમ પુછાયું કે તમે બધા અહીં સેફ તો ફીલ કરો છો ને? તમને કોઇ કનડગત કે હેરાનગતિ તો નથી થતી ને? અને અહીંયા નદી કિનારે વર્ષોથી આ રમતા રખડતા છોકરાઓ કેમ નથી દેખાતા? તો એ બેનનો જવાબ, જે વર્લ્ડની બહુ મોટી સમાચાર સંસ્થાએ સાંભળવું અને સમજવું જોઇએ એવો હતો. એ બેને બહુ સુંદર વાત કરી અને કહ્યું કે અમે બહુ સેફ છીએ ભાઇ. આ મોદીસાહેબે બધાને કામે લગાડી દીધા એટલે અમારા ચોરના માથાની જેમ ભટકતા છોકરાઓમાંથી થોડાક કામે ગયા છે અને કોઇક ભણે છે અને એમની લુખ્ખાગીરી બંધ થઇ ગઇ અને શાંતિ થઇ ગઇ ઘરમાં, ભાઇ.
ઘણા બધી સાંભળેલી વાતોથી બાયસ થયેલા લોકોની જેમ મને તરત વિશ્ર્વાસના બેઠો એટલે મેં વાત વધુ આગળ વધારી અને કહ્યું કે અમુક લોકો બોેલે છે કે તમારી કોમના લોકોને બહુ સુરક્ષાની તકલીફ છે અને થોડા સતાયેલા છો. તેમણે કહ્યું ભાઇ એ તો અહીંયા એમના વિરોધીઓ બોલ્યા કરે. અમને પણ આવીને આવું બોલવા માટે કહે. અમારા લોકોના છોકરાઓની જેમણે જિંદગી સુધારી છે, એ માણહની માટે ધસાતું અને ખોટું બોલીએ તો ભવ ભાંગે. ઇ માણહ છે તો બધું સુરક્ષિત છે. અમે સુરક્ષિત છે, એને કામ મળે, રોટલો મળે, અમારામાંના સીધા-સારા લોકોને કોઇ રંઝાળે નહીં એવી વ્યવસ્થા કરી એમણે છે. અને આવા હજુ દસથી બાર વાક્ય એ બેન બોલ્યા. મને મનમાં મારા માટે થોડું નીચું લાગ્યું કે હું કેમ મુંબઇ બેસી અમુક પ્રકારની ન્યૂઝ ચેનલ કે અમુક લોકોની બોલેલી વાતોથી એમના માટે આવા ખોટા વિચારો રાખતો હતો અને ૨૦૦૮માં હું પ્રચાર માટે ગયોે. ત્યાર બાદ મારી એમની સાથે મુલાકાતથી લઇને મુલાકાતો થઇ. હું જ્યાં જ્યાં પ્રચાર માટે ગયો. લોકોને મળ્યો. ખાસ કરીને અન્ય કોમના લોકો પાસેથી એમના વિશે ખૂબ સારું સાંભળ્યું. પાનાં ભરી-ભરીને લખી શકું છું મારા આ બધા અનુભવો વિશે પણ. હમણાં એક જ વાત કહીશ કે આજકાલ એમનો વિરોધ કરી લોકોને ચર્ચામાં રહી અને પોપ્યુલર થવામાં કે બિઝનેસ વધારવા માટે પણ એક સ્ટ્રેટેજી હોય છે અને આવા પ્રસંગોને રજૂ કરીને આવા દરેક ખોટા વિરોધનો આરણે વિરોધ કરવો જ રહ્યો, અને એમની સામે આપણે આવા પ્રસંગોને રજૂ કરીને આવા દરેક ખોટા સમાચારોનો વિરોધ કરવો જ રહ્યો. શંકા કરતા માણસો માટે હજી બીજી એક વાત તમને કહી દઉ. એમના માટે શંકા કરતા માણસો માટે બીજી એક વાત કહી દઉં કે જે જગ જાહેર છે એ ફરીથી યાદ દેવડાવી દઉ કે આવી જ એક ગેરસમજમાં કે કાચી ખબરમાં અમેરિકાએ મોદીસાહેબને વિઝા નહોતા આપ્યા. અમેરિકાની ગુપ્તચર સમાચાર સંસ્થાઓ વિશ્ર્વની શ્રેષ્ઠ છે. એમની પાસે ખબરો ને સમાચારો નથી? અરે! એમણે બધી જ તપાસ કરાવીને પોતાની ભૂલો સુધારી, ત્યારે સાચી વાતો ખબર પડી. મોદીસાહેબને તો સામેથી તેડાવે જ છે અને એમના પ્રેસિડેન્ટ પણ સામે ચાલીને મોદી સાહેબને મળવા માટે ભારત દોડી આવે છે. વધુ શું કહું આ લેખમાં લખેલો દરેકેદરેક શબ્દસહ સાચો છે. મોદીસાહેબ મુંબઇમાં આપનું સ્વાગત છે. મુંબઇ આપની સેવા, સન્માન અને સત્કારમાં હાજર છે. હુકુમ કરો…