મુંબઇ: આજના આ સમયમાં મોટાભાગના લોકો વજન વધારાની સમસ્યાથી પીડાતા હોય છે. આજકાલ વજન ઉતારવા માટે લોકો જીમમાં એક્સરસાઇઝ કરવા માટે જતા હોય છે, પરેજી (ડાયટ) પાળતા હોય છે, તેમ છતાં જોઇએ એ પ્રમાણમાં વજન ઉતરતું નથી.
હાલના જમાના મોટાભાગના લોકોમાં મોટાપાની સમસ્યા દિવસેને દિવસે વધતી જાય છે. મોટાપાને કારણે અનેક લોકો ગંભીર બીમારીઓનો શિકાર બની રહ્યા છે. એવામાં આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે લોકો એમના ડાયટથી લઇને કસરત જેવી અનેક વસ્તુઓ કરતા હોય છે. તમારા શરીરમાં ચરબીનું પ્રમાણ વધારે છે કે તમારું વજન પણ બહુ વધારે છે તો તમારે તે ઉતારવાની જરૂર છે, કારણ કે એ તમારા સ્વાસ્થ્ય માટે અનેક રીતે નુકસાનકારક છે. તમને જાણીને નવાઇ લાગશે કે રસોડામાં પડેલા મસાલા તમારું વજન ઉતારવાનું કામ કરે છે. અનેક ઔષધીય ગુણોથી ભરપૂર વરિયાળી અને જીરું આરોગ્ય માટે સૌથી વધુ અસરકારક છે.
વરિયાળી અને જીરામાં વિટામીન, પ્રોટીન અને ફાઇબર હોય છે. આ બન્ને મસાલાની ચા બનાવીને તમે પીઓ છો તો તમારા શરીરની ચરબી ઝડપી ઓગળે છે. આ ચા મિનરલ્સ અને એન્ટી ઑક્સિડન્ટસથી ભરપૂર હોય છે.
વરિયાળી અને જીરાની ચા કેવી રીતે બનાવશો?
વરિયાળી અને જીરાની ચા બનાવવા માટે અડધી ચમચી વરિયાળી અને અડધી ચમચી જીરું લઇને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો. ત્યારબાદ સવારમાં આ પાણી ઉકાળો અને પછી ગાળીને પી લો. આ ચા તમે રોજ નિયમિત સવારે પીઓ છો તો તમારા શરીરની ચરબી ઝડપી ઓગળવા લાગશે.
આ ચા પીવાના ફાયદા બીજા પણ ફાયદા છે
વરિયાળી અને જીરાની આ ચા તમે નિયમિત સવારમાં ખાલી પેટે પીઓ છો તો તે તમારી શરીરમાં રહેલી ચરબીને ઓગાળવામાં મદદ કરે છે. તેના કારણે તમારું વજન ઓછુ થઇ શકે છે. તેના કારણે ભૂખ નિયંત્રણ કરવામાં મદદ મળે છે અને સાથે-સાથે તમારી રોગ પ્રતિકારકશક્તિ (ઇમ્યુનિટી સિસ્ટમ) પણ મજબૂત બને છે. આ ચા રોજ સવારમાં પીવાથી ગેસની સમસ્યા ઓછી થઇ જાય છે અને રક્ત પરિભ્રમણ સારું કરવામાં મદદ મળે છે. આમાં રહેલા પોષક તત્ત્વો યુરિક એસિડને બહાર કાઢે છે અને નવા કોષોનું ઉત્પાદન કરવામાં મદદરૂપ થયા છે. નિષ્ણાંતો (એક્સપર્ટસ) જમ્યા પછી વરિયાળી ખાવાની સલાહ પણ આપતા હોય છે.