નવી દિલ્હી: ચીન, અમેરિકા, યુક્ે, બેલ્જિયમ, જર્મની, ફ્રાન્સ અને ડેન્માર્કમાં કોવિડ-૧૯ના દરદીઓમાં ફરી મોટા પાયે વધારો થયો છે. વળી, ઓમાઇક્રોન સબવૅરિઅન્ટ બીએફ-સેવનના બે દરદી ગુજરાતમાં અને એક કેસ ઓડિશામાં નોંધાતા ભારત સરકાર અને નેશનલ ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા (નીતિ આયોગ)એ જનતાને કોવિડની રસીનો બૂસ્ટર (પ્રિકૉશન) ડૉઝ વહેલી તકે લેવા જણાવ્યું છે. નીતિ આયોગે દેશના નાગરિકોને ભીડ-ગિરદીવાળી જગ્યાએ માસ્ક પહેરવાની સલાહ આપી છે.
કેન્દ્રના આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કોરોના રોગચાળાની વૈશ્ર્વિક સ્થિતિને ધ્યાનમાં રાખીને વિવિધ સરકારી વિભાગોના વરિષ્ઠ અમલદારોની તાકીદની બેઠક યોજી હતી. તેમાં આરોગ્ય, ફાર્માસ્યુટિકલ્સ, બાયો ટેક્નોલૉજી, આયુષ વગેરે વિભાગોના સચિવો, ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ના ડિરેક્ટર જનરલ રાજીવ બહલ અને નેશનલ ટેક્નિકલ એડવાઇઝરી ગ્રૂપ ઓન ઇમ્યુનાઇઝેશનના ચૅરમૅન ડૉ. એન.કે. અરોરા હાજર હતા. બેઠકમાં ચર્ચા બાદ વિવિધ દેશોમાં કોરોના ઇન્ફેક્શનના કેસ વધતાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વૅક્સિનેશન ઉપરાંત લેબોરેટરીઓમાં કોવિડ પોઝિટિવ સૅમ્પલ્સના જેનોમ સિક્વન્સિંગ વધારવાની સૂચનાઓ અપાઈ હતી. આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટીતંત્રોને પત્રો લખીને જનતાને જાહેર સ્થળો પર માસ્ક પહેરવા જેવા કોવિડ પ્રોટોકોલ્સનું ગંભીરતાથી પાલન કરવાની સલાહ આપી હતી.
મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે હજુ સુધી કોવિડ-૧૯ના રોગચાળા પર પૂર્ણ વિરામ મુકાયું નથી. મેં ‘સર્વેલન્સ સિસ્ટમ’ વેગવાન બનાવવાની સૂચના આપી છે. આંતરરાષ્ટ્રીય વિમાન પ્રવાસ સંબંધી નિયમોમાં કોઈ ફેરફાર કરાયો નથી. આપણે કોઈપણ સ્થિતિને પહોંચી વળવા સક્ષમ છીએ. નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વી.કે. પૉલે જણાવ્યું હતું કે જ્યાં ખૂબ ભીડ થતી હોય, એવા સ્થળો પર લોકોએ માસ્ક પહેરવો જોઇએ. ખાસ કરીને ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર જેવી કૉ-મોર્બિડિટીઝ ધરાવતા લોકોએ અચૂક માસ્ક પહેરવો જોઇએ. ઍન્ટિ-કોવિડ વૅક્સિનનો બૂસ્ટર ડૉઝ લેવાની દરેક નાગરિકને ભલામણ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ભારતના ૨૭થી ૨૮ ટકા નાગરિકોએ બૂસ્ટર ડૉઝ લીધો છે.
ચીનમાં કોરોના રોગચાળો ફરી રાક્ષસી રૂપ ધારણ કરી રહ્યો છે. બીજી બાજુ આવતા ત્રણ મહિના વિશ્ર્વ માટે જોખમી હોવાની ચેતવણી નિષ્ણાતોએ આપ્યા પછી લોકોમાં ફરી ભય પેદા થયો છે. ભારત સરકારના આરોગ્ય મંત્રાલય સહિત તમામ સંબંધિત વિભાગો ખડે પગે એલર્ટ સ્થિતિમાં આવી ગયા છે. વૈશ્ર્વિક સ્તરે છ અઠવાડિયાંથી કોવિડ કેસીસની રોજિંદી સરેરાશ વધી રહી છે. ગઈ ૧૯ ડિસેમ્બરે પૂરા થયેલા અઠવાડિયામાં કોવિડ કેસીસની રોજિંદી સરેરાશ ૫.૯ લાખ નોંધાઈ હતી. ભારતમાં કોવિડ કેસની રોજિંદી સરેરાશ ઘટતી હોવાથી ૧૯ ડિસેમ્બરે પૂરા થયેલા અઠવાડિયામાં દેશમાં રોજિંદી સરેરાશ ૧૫૮ કેસની નોંધાઈ હતી. (એજન્સી)
——
એરપોર્ટ પર કોવિડ માટે રેન્ડમ ટેસ્ટિંગ થશે
નવી દિલ્હી: વિશ્ર્વના કેટલાક દેશોમાં કેસોમાં તાજેતરના ઉછાળાને ધ્યાનમાં રાખીને ચીન અને અન્ય દેશોમાંથી આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે એરપોર્ટ પર કોરોનાવાઈરસ માટે રેન્ડમ નમૂના પરીક્ષણ હાથ ધરવામાં આવશે એમ સત્તાવાર સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું.
દેશમાં કોવિડની સ્થિતિની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ આ પગલું લેવામાં આવ્યું છે. “ચીન સહિત વિવિધ દેશોમાંથી આવતા આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરો માટે રેન્ડમ નમૂના પરીક્ષણ કરવામાં આવશે, એમ એક સૂત્રએ જણાવ્યું હતું.
ચીનના કોવિડ કેસોમાં હાલના વધારાનું કારણ છે એ ઓમિક્રોન સબવેરિયન્ટ બીએફ.૭ના ત્રણ કેસો ભારતમાં અત્યાર સુધીમાં મળી આવ્યા છે. બેઠક પછી માંડવિયાએ જણાવ્યું હતું કે કોવિડ-૧૯ હજી સમાપ્ત થયો નથી. “મેં તમામ સંબંધિતોને સતર્ક રહેવા અને દેખરેખને મજબૂત કરવા માટે નિર્દેશ આપ્યો છે. અમે કોઈપણ પરિસ્થિતિનું સંચાલન કરવા માટે તૈયાર છીએ.
નિષ્ણાતો અને વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં યોજાયેલી બેઠક દરમિયાન પ્રધાનને વૈશ્ર્વિક કોવિડ-૧૯ પરિસ્થિતિ અને તૈયારી સહિત
સ્થાનિક પરિસ્થિતિ વિશે માહિતી આપવામાં આવી હતી. ભારતની લાયક વસ્તીમાંથી માત્ર ૨૭-૨૮ ટકા લોકોએ કોવિડ-૧૯નો સાવચેતીનો ડૉઝ લીધો છે તેની નોંધ લઇને નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વી. કે. પૌલે બેઠક પછી જણાવ્યું હતું કે લોકોએ રસી લેવી જોઈએ અને ભીડવાળી જગ્યાએ માસ્ક પણ પહેરવું જોઈએ.
તેમણે જણાવ્યું હતું કે લોકોએ ભીડભાડવાળા વિસ્તારોમાં માસ્ક પહેરવા જોઈએ. જેમને બીમારીઓ છે અને વૃદ્ધોએ ખાસ કરીને આનું પાલન કરવું જોઈએ. (પીટીઆઇ)
——-
અમેરિકામાં કોવિડના દરદીઓની સંખ્યા દસ કરોડથી વધી ગઈ
વૉશિંગ્ટન: સમગ્ર વિશ્ર્વમાં કોવિડ-૧૯ના કેસલોડમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વર્ષ ૨૦૨૦ના આરંભથી શરૂ થયેલા કોરોનાના રોગચાળામાં અમેરિકાના અત્યાર સુધીના દરદીઓની સંખ્યા દસ કરોડનો આંકડો પાર કરી ગઈ છે. દરમિયાન વર્લ્ડ હૅલ્થ ઓર્ગેનાઇઝેશને વૅક્સિનેશનનું પ્રમાણ વધારવાના પ્રચારનું જોરદાર અભિયાન ચલાવ્યું છે. વર્ષ ૨૦૧૯ના ડિસેમ્બર મહિનામાં ચીનના વુહાન શહેરમાં પહેલી વખત કોરોના વાઇરસના ઇન્ફેક્શનના કેસ મળ્યા હતા.
ગયા અઠવાડિયાથી જાપાન, અમેરિકા, રિપબ્લિક ઑફ કોરિયા, બ્રાઝિલ અને ચીનમાં કોરોના વાઇરસના ઇન્ફેક્શનનું પ્રમાણ બેફામ વધ્યું છે. અમેરિકાની જોન્સ હોપક્ધિસ યુનિવર્સિટીએ એ દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-૧૯ના કેસનો આંકડો ૧૦,૦૦,૦૩,૮૩૭ પર પહોંચ્યો હોવાનું જણાવ્યું હતું. યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે અમેરિકામાં રોગચાળો શરૂ થયા પછી અત્યાર સુધીનો મરણાંક ૧૦,૮૮,૨૩૬ પર પહોંચ્યો છે. વર્લ્ડ હૅલ્થ ઓર્ગેનાઇઝેશનના રોગચાળાના નિષ્ણાત મારિયા વાન કેરહોવેએ જણાવ્યું હતું કે તાજેતરના આંકડા અનુસાર દર અઠવાડિયે દુનિયામાં કોરોના ઇન્ફેક્શનના ૮૦૦૦થી ૧૦,૦૦૦ દરદીઓ મૃત્યુ પામે છે. (એજન્સી)
——–
ગુજરાતમાં ઓમાઈક્રોનના
સબવેરિયન્ટનાં બે દરદી નોંધાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ચીનમાં કોરોનાના વિસ્ફોટ માટે જવાબદાર માનવામાં આવતા ઓમાઈક્રોન વાઈરસના સબવેરિઅન્ટ બીએફ.સેવનના બે કેસ ગુજરાતમાં નોંધાયા હતા. આ કેસ નોંધાતા તબીબી જગત અને સરકારી તંત્ર હરકતમાં આવ્યું હતું. બે દરદીમાંથી એક અમદાવાદ અને બીજો વડોદરાનો હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત બાયોટૅકનોલૉજી રિસર્ચ સેન્ટર (જીબીઆરસી) દ્વારા બન્નેના સેમ્પલની તપાસ થઈ હતી.
અમદાવાદ અને વડોદરાની મહાનગરપાલિકાના સૂત્રોનાં જણાવ્યા અનુસાર આ બંને કેસ અનુક્રમે નવેમ્બર અને સપ્ટેમ્બરમાં નોંધાયા હતા. હાલમાં બંને દર્દીઓ સ્વસ્થ હતા અને અત્યારે બી એફ. સેવન નો એક્ટિવ કેસ આ બંને શહેરોમાં નથી. જોકે લોકોએ તકેદારી વર્તવી અને રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર નિયમોનું પાલન કરવું. જોકે બન્ને કેસમાંથી એક કેસ થોડા સમય પહેલા નોંધાયો હતો. બન્ને દરદીઓમાં ખાસ કોઈ લક્ષણો જોવા મળ્યા ન હતા, તેમ આરોગ્ય ખાતાએ જણાવ્યું હતું.
ગુજરાત આરોગ્ય ખાતાના સૂત્રોએ જણાવ્યું હતું કે શંકાસ્પદ લાગતા તમામ સેમ્પલના યોગ્ય પરિક્ષણ થાય છે. કેસમાં ઘટાડો નોંધાયો હોવા છતાં ટેસ્ટિંગમાં ઘટાડો થયો નથી. દરેક કોરોના કેસમાં જિનોમ સિક્વન્સ એનાલિસિસ થાય છે. ગુજરાતમાં જીબીઆરસીની વિગતો અનુસાર કોરોનાના એક્સબીબીના વેરિયેન્ટ, બીએફના વેરિયેન્ટ, સીએના વેરિઅન્ટ જોવા મળે છે. તબીબી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર કોરોના વાયરસ અને આ વેરિઅન્ટમાં ખાસ કોઈ તફાવત નથી.
અગાઉ કોરોના વાઈરસની ત્રણ લહેર દરમિયાન ગુજરાતમાં ૧૨.૭૭ લાખ કેસ નોંધાયા હતા અને ૧૧.૦૪૩ મૃત્યુ થયા હતા. જોકે આ મૃત્યુના આંકડા મામલે ભારે વિવાદ સર્જાયો હતો. વિરોધપક્ષે કરેલા દાવા અનુસાર આ આંકડો ત્રણ લાખ કરતા વધારે હતો.
ચીનમાં કોરોના મહામારી ગંભીર બનતા જાપાન, અમેરિકા સહિતના દેશોમાં પણ કેસમાં વધારો નોંધાયો છે. ભારત સરકારે પણ સાવચેતી વર્તવાની સલાહ તમામ રાજ્યોને આપી છે.
——–
મહારાષ્ટ્ર કોવિડ ટાસ્ક ફોર્સ રચશે
નાગપુર: વિશ્ર્વના કેટલાક ભાગોમાં કોવિડ -૧૯ કેસોમાં અચાનક વૃદ્ધિ વચ્ચે, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આ પરિસ્થિતિનો અભ્યાસ કરવા માટે એક ટાસ્ક ફોર્સ અથવા સમિતિની રચના કરશે. રાજ્ય વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવતા વિપક્ષના નેતા અજિત પવારે કહ્યું કે ચીન હોય, જાપાન હોય, કોરિયા હોય કે બ્રાઝિલ હોય, કોવિડ-૧૯ના નવા પ્રકારો સામે આવી રહ્યા છે.
એનસીપીના નેતાએ એવો દાવો કર્યો હતો કે ચીનમાં સ્થિતિ ગંભીર છે અને હોસ્પિટલમાં દાખલ કરવા માટે કોઈ બેડ ઉપલબ્ધ નથી.
શું વિકસતી પરિસ્થિતિ અને વિશ્ર્વના અન્ય ભાગોમાં શું થઈ રહ્યું છે તેનો અભ્યાસ કરવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિ કે ટાસ્ક ફોર્સ બનશે, તેવો સવાલ તેમણે કર્યો હતો.
તેના જવાબમાં ફડણવીસે જણાવ્યું હતું કે અમે આ અંગે કેન્દ્ર સાથે સંકલન કરીશું. વિપક્ષના નેતા દ્વારા સૂચવ્યા મુજબ, અમે વિકસતી પરિસ્થિતિ પર નજર રાખવા અને સૂચનો કરવા માટે એક ટાસ્ક ફોર્સ અથવા સમિતિની રચના કરીશું. અમે ચોક્કસપણે આ સૂચનોનો અમલ કરીશું.
પવારે કહ્યું હતું કે આ પડકારનો સામનો કરવા માટે રાજ્યએ પાર્ટીના ભેદભાવથી ઉપર ઊઠવું જોઈએ.
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ બુધવારે દેશમાં કોવિડ -૧૯ની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને અધિકારીઓને સતર્ક રહેવા અને દેખરેખને મજબૂત કરવા નિર્દેશ આપ્યો હતો.
જાપાન, અમેરિકા, રિપબ્લિક ઑફ કોરિયા, બ્રાઝિલ અને ચીનમાં કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિનંતી કરી હતી કે તેઓ કોવિડ – ૧૯ના કેસ પર સતર્કતાથી નજર રાખે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં, કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું હતું કે આવી કવાયત દેશમાં ફરતા નવા પ્રકારો, જો કોઈ હોય તો, સમયસર શોધવામાં સક્ષમ બનાવશે અને જરૂરી જાહેર આરોગ્ય પગલાં હાથ ધરવા માટે સુવિધા આપશે. (એજન્સી)ઉ