₹ ૩૮,૦૦૦ કરોડના વિકાસકાર્યનું વડા પ્રધાનના હસ્તે લોકાર્પણ, ભૂમિપૂજન
મુંબઈનો વિકાસ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન કરતા મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ. ત્રણેય મહાનુભાવોએ સાથે બેસી મેટ્રો ટ્રેનનો પ્રવાસ પણ કર્યો હતો. (પીટીઆઈ)
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની આર્થિક રાજધાનીમાં કુલ રૂપિયા ૩૮,૦૦૦ કરોડના વિકાસકાર્યનું ગુરુવારે લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે અમે મુંબઈને દેશના વિકાસનું એન્જિન બનાવીશું. મુંબઈના આંતરિક માળખાની મોટા પાયે કાયાપલટ કરાશે. દેશ હવે મોટા સ્વપ્ન જુએ છે અને તેને સાકાર કરવા સક્ષમ બન્યો છે. આઝાદી પછી પહેલી વખત રાષ્ટ્રે મોટા સ્વપ્ન જોવા અને સાકાર કરવાની ઊંચાઈ હાંસલ કરી છે.
વડા પ્રધાને બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી) સ્થિત એમએમઆરડીએ મેદાનમાં વિરાટ જનસમુદાયને સંબોધતા જણાવ્યું હતું કે ભારત ઝડપી ગતિએ પ્રગતિ કરતું હોવાનું સમગ્ર વિશ્ર્વ જાણે છે અને તેને કારણે દુનિયાભરમાં આપણા દેશ વિશે હકારાત્મક માહોલ ફેલાયો છે. મુંબઈની પ્રગતિ ધીમી હતી, પરંતુ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સરકાર સત્તા પર
આવ્યા પછી વિકાસનો વેગ વધ્યો છે. ગરીબોના કલ્યાણની યોજનામાં નાણાંના ભ્રષ્ટાચારનો યુગ ભૂતકાળનો વિષય બન્યો છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશની આર્થિક રાજધાની માટેના રૂ. ૩૮,૦૦૦ કરોડના વિકાસકાર્યનું લોકાર્પણ કર્યું હતું, જેમાં ૧૨,૬૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બંધાયેલી મુંબઈ મેટ્રો રેલ લાઇન્સ ટૂએ અને સાત, ઉપરાંત ૨૦ નવા બાળાસાહેબ ઠાકરે દવાખાનાનો સમાવેશ થાય છે. ૧૮.૬ કિલોમીટરની મુંબઈ મેટ્રો રેલ લાઇન ટૂએ દહીસર (પૂર્વ)ને ૧૬.૫ કિલોમીટર લાંબી યલો લાઇન મેટ્રોના ડી.એન. નગર (અંધેરી-પશ્ર્ચિમ) સાથે જોડે છે. મેટ્રો લાઇન-સાત અંધેરી (પૂર્વ) અને દહીસર (પૂર્વ)ને જોડે છે. એ બન્ને લાઇન્સનો શિલાન્યાસ વર્ષ ૨૦૧૫માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યો હતો.
વડા પ્રધાને બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી) સ્થિત એમએમઆરડીએ મેદાનમાં યોજાયેલા સમારંભમાં વડા પ્રધાને ૧૭,૧૮૨ કરોડ રૂપિયાના સાત સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, મુંબઈ મહાનગરપાલિકાની ત્રણ હૉસ્પિટલોના ૧૧૦૮ કરોડ રૂપિયાના ખર્ચે બાંધકામ અને પુનર્વિકાસ, ૪૦૦ કિલોમીટર માર્ગોનું ૬૦૯૭ કરોડ રૂપિયાના ખર્ચે કૉંક્રીટાઇઝેશન અને છત્રપતિ શિવાજી મહારાજ રેલવે ટર્મિનસના ૧૮૯૩ કરોડ રૂપિયાને ખર્ચે પુનર્વિકાસની યોજનાઓનું ભૂમિપૂજન કર્યું હતું. તે ઉપરાંત ૧ લાખથી વધુ ફેરિયાઓને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ ધિરાણનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વડા પ્રધાને મુંબઈ-૧ મોબાઇલ એપ અને નેશનલ કોમન મોબિલિટી કાર્ડ (મુંબઈ-૧) લૉન્ચ કર્યા હતા. યુપીઆઈ દ્વારા ટિકિટ ખરીદીના ડિજિટલ પેમેન્ટ માટે ઉપયોગી મોબાઇલ એપ વડે મેટ્રો રેલનો પ્રવાસ સરળ બનશે. આ એપ મેટ્રો સ્ટેશન્સના એન્ટ્રી ગેટ પર બતાવી શકાશે. મોબિલિટી કાર્ડ પહેલાં મેટ્રો કૉરિડોર્સમાં અને પછીથી લોકલ ટ્રેનો અને બસોમાં પણ ઉપયોગી બનશે. (એજન્સી)