ખાલિસ્તાનનું નામ સાંભળતા જ લોકોના મગજમાં તલવારો, બંદૂકો અને લાઠીઓ લહેરાવવાની ભયાનક તસવીરો ઉભરી આવે છે. ખાલિસ્તાની ચળવળના કારણે દેશમાં હજારો લોકો મોતના જડબામાં સપડાયા છે. ખાલિસ્તાનીઓ ભારતની બહાર યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયા સહિત અન્ય ઘણા દેશોમાં ધીમે ધીમે પગ ફેલાવી રહ્યા છે. પાકિસ્તાને ભલે આ વાત ક્યારેય સ્વીકારી ન હોય, પરંતુ ખાલિસ્તાન ચળવળ પાછળ તેની ભૂંડી ભૂમિકા કોઈનાથી છૂપી રહી નથી. પાકિસ્તાનના ઘણા મોટા સંરક્ષણ નિષ્ણાતો ખુલ્લેઆમ સ્વીકારે છે કે ખાલિસ્તાન ચળવળ પાછળ તેમના દેશનો હાથ છે.
હાલમાં પાકિસ્તાનના વરિષ્ઠ સંરક્ષણ નિષ્ણાત અને પાકિસ્તાની સેનામાં ઊંડી પહોંચ ધરાવતા ઝૈદ હમીદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એમ કહેતા જોવા મળી રહ્યા છે કે, અમે ભારત વિરુદ્ધ ખાલિસ્તાનની આગ ઉભી કરી છે. ભારતને અપમાનિત કરવાની તેમના દેશની આ યોજના હતી. પાકિસ્તાન અનટોલ્ડ નામના ટ્વિટર હેન્ડલ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં પાકના સંરક્ષણ નિષ્ણાત હામિદે કહ્યું હતું કે, “અમે સમગ્ર 80ના દાયકામાં શીખ આંદોલનની રચના કરી હતી. આ તે સમય હતો જ્યારે પાકિસ્તાને 1971નો બદલો લેવાનું શરૂ કર્યું હતું.”
વીડિયોમાં પાકિસ્તાની સંરક્ષણ નિષ્ણાત આગળ કહે છે કે, અમે કાશ્મીરી જેહાદને પેટાવ્યો. ભારતના નાગા, આસામ, નોર્થ ઈસ્ટ જેવા વિવિધ ભાગોમાં જ્યાં નક્સલવાદીઓ, માઓવાદીઓ દ્વારા પહેલાથી જ આઝાદી માટે ચળવળો ચાલી રહી હતી, તેમને મદદ પૂરી પાડવામાં આવી. શ્રીલંકાને તમિલ વાઘ સામે લડવામાં મદદ કરવામાં આવી હતી.
"We created Khalistanis against India. India came to the brink of disintegration."
– Pak defence analyst pic.twitter.com/GhTpxqLCiQ
— Pakistan Untold (@pakistan_untold) February 25, 2023
ઉલ્લેખનીય છે કે 1980માં જ્યારે દેશમાં ખાલિસ્તાની ચળવળ જોરમાં હતી ત્યારે તત્કાલિન સરકારે ઑપરેશન બ્લુ સ્ટાર દ્વારા તેનો ખાતમો બોલાવ્યો હતો. આપણને એમ કે ખાલિસ્તાનની આગ ઓલવાઇ ગઇ, પણ હાલમાં જ પંજાબના અમૃતસરના અજનલામાં બનેલી ઘટનાથી લોકો ખૂબ જ આશ્ચર્યમાં છે. ‘વારિસ પંજાબ દે’ સંસ્થાના વડા અને ખાલિસ્તાન તરફી અમૃતપાલ સિંહ અને તેમના સમર્થકોએ તેમના નજીકના મિત્રની મુક્તિ માટે પોલીસ સ્ટેશન પર ધમાલ મચાવી હતી. દેખાવકારોએ પોલીસ પર હુમલો કર્યો હતો અને દેશના ગૃહ પ્રધાનને પણ જાનથી મારવાની ધમકી આપી હતી. થોડા દિવસો પહેલા ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં અનેક હિન્દુ મંદિરોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટનાઓ માટે ખાલિસ્તાન તરફી ચળવળના સભ્યોને સીધા જ જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. આ ઘટનાઓ પર ભારત સરકારે આકરી પ્રતિક્રિયા આપી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ તાજેતરમાં ખાલિસ્તાની ઘટનાઓને લઈને કડક સ્વરમાં કહ્યું હતું કે તેમની સરકાર તેને વધવા દેશે નહીં.
હવે જ્યારે પાકિસ્તાન દ્વારા ખાલિસ્તાનની આગની વાત જાહેરમાં આવી જ ગઇ છે, ત્યારે ભારત એની સામે શું પગલાં ભરશે, એ તો આવનારો સમય જ જણાવશે.