ઉનાળાની આગ દઝાડતી ગરમીમાં સરસ મજાનું ઠંડુ ઠંડુ મીઠું કલિંગર ખાવા મળી જાય તો કેવો જલસો પડી જાય નહીં? કલિંગર ખાવાને કારણે ગરમીમાં રાહત મળે છે અને તાજગીનો અહેસાસ પણ થાય છે. પરંતુ આ કલિંગરનો ઈતિહાસ તમને ખબર છે કે, આ કલિંગર મૂળ ક્યાંથી આવ્યું છે, તેનો ઈતિહાસ શું છે? શરીરને તાજગીથી ભરી દેનાર અને પાણીની કમી પૂરી કરનાર આ કલિંગરનો ઈતિહાસ ખૂબ જ રોચક છે. આવો જોઈએ આ ઉનાળાના ફળ તરીકે ઓળખાતા કલિંગરની ઉત્પતિ ક્યાંથી થઈ અને તે ભારત કઈ રીતે પહોંચ્યું…
તરબૂચ કે કલિંગરની ઉત્પતિ પ્રાચીન મેસોપોટેમીયાની ફળદ્રુપ જમીનમાં થઈ હતી, જેને આજે આપણે ઈરાકના નામે ઓળખીએ છીએ. મ્યુનિચમાં આવેલી લુડવિગ મેક્સિમિલિયન યુનિવર્સિટીનાં વનસ્પતિશાસ્ત્રી સુઝેન રેનર અને તેમની ટીમે, સિટ્રુલસ લેનેટસ નામે ઓળખાતા તરબૂચના જિનેટિક સિક્વેન્સિંગ બાદ એવો અહેવાલ આપ્યો કે સુદાનમાં જોવા મળતા ઘરેલું તરબૂચ અને જંગલી તરબૂચનું જીનોમ એક સમાન છે.
જોકે, સુદાનના તરબૂચ અંદરથી લાલ રંગના નહીં પણ સફેદ રંગના હોય છે. સ્વાદની વાત કરીએ તો તે ખાવામાં બહુ મીઠા પણ હોતા નથી. આવા કલિંગર પશુઓના ખોરાક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.
પ્રોસીડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સમાં પ્રકાશિત થયેલા એક રિસર્ચમાં એવું જણાવવામાં આવ્યું છે કે સુદાનનું તરબૂચ ઈરાકના તરબૂચનું પૂર્વજ હોઈ શકે છે.
વાત કરીએ તરબૂચના લાલ રંગની તો એવું શક્ય છે કે જૂના સમયમાં ખેડૂતોએ જંગલી તરબૂચનો મીઠો પ્રકાર ઉગાડ્યો હશે. પરંતુ સુઝેન રેનરની ટીમ તરબૂચ અંદરથી લાલ રંગનું કેવી રીતે થયું એ બાબતે કોઈ ચોક્કસ નિષ્કર્સ પર પહોંચી શકી નહોતી.
સુઝેન રેનરના મતે તેનું કારણ ભૌગોલિક પરિસ્થિતિઓ પણ હોઈ શકે છે, કારણ કે 3300 વર્ષ પહેલાં ઇજિપ્તના રાજા તુતનખામુનની દફનવિધિ વખતે તેમની સાથે તરબૂચના બીજ પણ દફનાવવામાં આવ્યા હતા. પરંતુ આ તરબૂચના રંગ અને મીઠાશ બાબતનો કોઈ નક્કર પુરાવો નથી.
એક દિવસ સુઝેને એક પ્રાચીન ઇજિપ્તીયન ગુંબજ પર 4300 વર્ષ જૂનું ચિત્ર જોયું, જેમાં તરબૂચ બનાવવામાં આવ્યું હતું. સુઝેને જણાવ્યું કે આ પેઇન્ટિંગ 1912માં જ મળી આવ્યું હતું, જેમાં અન્ય ફળોની સાથે તરબૂચને પણ કાપીને પ્લેટમાં સજાવવામાં આવ્યું છે.
આ પેઇન્ટિંગનો અભ્યાસ કર્યા પછી, સુઝેન રેનરે માહિતી આપી હતી કે ઘરેલું લાલ અને મીઠા તરબૂચની ઉત્પતિ ઇજિપ્તમાં થઈ હશે. જે તેમના સામ્રાજ્યમાં ક્યારેક વેપાર દ્વારા તો ક્યારેક ભેટના રૂપમાં સર્વત્ર ફેલાયું હશે. સુદાનના પ્રાચીન ન્યુબિયનો ઇજિપ્તીયન સામ્રાજ્યનો ભાગ હતા. શક્ય છે કે તેઓએ ઘરેલું તરબૂચ વિકસાવ્યા હશે અને તેનો વેપાર કર્યો હશે…
આપણે ભાઈ તરબૂચ જ્યાંથી આવ્યું હોય ત્યાં પણ અત્યારે ગરમીમાં આપણને રાહતનો અહેસાસ કરાવે છે ને એનાથી મતલબ છે અને એ જ આપણા માટે વાસ્તવિક્તા છે…