Homeઆમચી મુંબઈબાંદ્રા-પાલીહિલમાં પાણીપુરવઠો ખોરવાયો

બાંદ્રા-પાલીહિલમાં પાણીપુરવઠો ખોરવાયો

૬૦૦ મિલીમીટર વ્યાસની પાઈપલાઈનમાં ભંગાણ, લાખો લિટર પાણી વેડફાયું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બાંદ્રા (પશ્ર્ચિમ)માં ૬૦૦ મિલીમીટર વ્યાસની પાઈપલાઈનમાં ભંગાણ પડતા પાણીનો રીતસરનો ફુવારો જોવા મળ્યો હતો. લાખો લિટર પાણી વેડફાઈ ગયું હતું. સમગ્ર દિવસ દરમિયાન બાંદ્રા અને પાલીહિલના રહેવાસીઓ પાણી માટે ભારે હેરાન થયા હતા. પાલિકાએ યુદ્ધના ધોરણે પાઈપલાઈનનું સમારકામ હાથ ધર્યું હતું.
ગયા મહિને થાણેમાં ખાનગી કૉન્ટ્રેક્ટર દ્વારા બોરવેલના ખોદકામ દરમિયાન મુંબઈ મહાનગરપાલિકાની જમીનની નીચે ૧૦૦થી ૧૩૦ મીટર નીચે રહેલી વોટર ટનલને ભારે નુકસાન થયું હતું, તેને કારણે સમગ્ર મુંબઈમાં ૧૫ ટકા પાણીકાપ મુકવામાં આવ્યો હતો. બે-ત્રણ દિવસ પહેલા જ સમારકામ પૂરું થયા બાદ ૨૩ તારીખથી મુંબઈનો પાણીપુરવઠો પૂર્વવત્ કરવામાં આવ્યો હોવાનો દાવો મુંબઈ મહાનગરપાલિકાએ કર્યો હતો અને તુરંત જ સોમવારે બાંદ્રા (પશ્ર્ચિમ)માં વૉટરફિલ્ડ રોડ પર વરસાદી પાણીની નિકાલ કરનારી પાઈપલાઈનના ચાલી રહેલા કામ દરમિયાન પાલીહિલ જળાશયની ૬૦૦ મિલીમીટર વ્યાસના ઈનલેટમાં ભંગાણ પડ્યું હતું.
બાંદ્રા (પશ્ર્ચિમ)માં પાઈપલાઈનમાં થયેલા ભંગાણને કારણે સમગ્ર ‘એચ-પશ્ર્ચિમ’માં વોર્ડમાં પાણીપુરવઠાને અસર થઈ હતી. બાંદ્રા, ખાર અને પાલીહિલ જેવા વિસ્તારોનો પાણીપુરવઠો ખોરવાઈ ગયો હતો.
પાલિકાના પાણીપુરવઠા ખાતાના ચીફ હાઈડ્રોલિક ઍન્જિનિયર પુરષોત્તમ માળવદેના જણાવ્યા મુજબ વૉટરફિલ્ડ રોડ ખાતે વરસાદી પાણીનો નિકાલ કરનારી પાઈપલાઈનનું કામ ચાલી રહ્યું છે. આ કામ દરમિયાન સોમવાર સવારના પાલીહિલ જળાશયની ૬૦૦ મિલીમીટર વ્યાસના ઈનલેટને નુકસાન થયું હતું.
તેમના જણાવ્યા મુજબ શેર્લી રાજન રોડ, ચિંબઈ વિલેજ, વરોડા રોડ, મૅન્યુએલ ગોન્ઝાલ્વ્હિસ રસ્તાને લાગીને આવેલો પરિસર, પેરી રોડ, નવી કાંતવાડી પરિસરમાં સવારના દસથી બે વાગ્યા દરમિયાન થતો પાણીપુરવઠો ખોરવાઈ ગયો હતો.
પાલિકાએ યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધર્યા બાદ ખારદાંડા, કોળીવાડા, દાંડપાડા, અને ખારમાં રોડ નંબર ૧૬થી ૨૧ના વિસ્તારમાં સમારકામ બાદ મોડેથી પાણીપુરવઠો કરવામાં આવ્યો હોવાનો દાવો પાલિકાએ કર્યો હતો. સમારકામ બાદ પણ બે-ત્રણ દિવસ પાણીનું દબાણ ઓછું રહેશે તેથી લોકોને સંભાળીને પાણીનો ઉપયોગ કરવાની અપીલ પાલિકાએ કરી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -