‘ધ કેરળ સ્ટોરી’ના નિર્માતાએ મમતા બેનરજીને મોકલ્યું નિમંત્રણ
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પ. બંગાળમાં ‘ધ કેરળ સ્ટોરી’ની રજૂઆતનો માર્ગ મોકળો થયો છે. સુદીપ્તો સેને સુપ્રીમના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે. ફિલ્મના નિર્માતા વિપુલ શાહે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને ફિલ્મ જોવા માટે આમંત્રણ મોકલ્યું છે.
સુપ્રીમ કોર્ટે ‘ધ કેરળ સ્ટોરી’ પરનો પ્રતિબંધ હટાવ્યા બાદ ફિલ્મના દિગ્દર્શક અને નિર્માતાએ અલગ-અલગ માધ્યમો દ્વારા જાહેર મંચ પર પોતાની વાત રાખી હતી. વિપુલ અમૃતલાલ શાહ, જેઓ ફિલ્મના ક્રિએટિવ ડાયરેક્ટર પણ છે, તેમણે મમતા બેનર્જીને ટીમ સાથે ફિલ્મ જોવાની અપીલ કરી હતી, જ્યારે દિગ્દર્શક સુદીપ્તોએ પ્રતિબંધને ગેરકાયદે ગણાવીને સુપ્રીમના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો.
શાહે કહ્યું હતું કે- “હું મમતા દીદીને હાથ જોડીને અપીલ કરું છું કે તેઓ અમારી સાથે બેસીને ફિલ્મ જુએ અને જો તેમને કંઈ ખોટું જણાય તો અમારી સાથે ચર્ચા કરે. અમે તેમની તમામ તાર્કિક ટીકાઓ સાંભળીશું અને અમારી વાત રજૂ કરીશું. આ લોકશાહી છે. અમે વાત કરીએ છીએ. આપણે કોઈની સાથે સહમત અથવા અસંમત થઈ શકીએ છીએ. આપણે આપણા મતભેદો પર ચર્ચા કરી શકીએ છીએ. તે મારી વિનંતી છે અને અમે બધા રાહ જોઈશું.”
સુદીપ્તો સેને કહ્યું હતું કે, “સેન્સર બોર્ડ દ્વારા પાસ કર્યા બાદ કોઈ પણ ફિલ્મ પર પ્રતિબંધ મૂકી શકાય નહીં. ફિલ્મ પર મૂકવામાં આવેલો પ્રતિબંધ ગેરકાયદેસર હતો. સુપ્રીમ કોર્ટે ફરી એકવાર સાબિત કર્યું કે દરેકને ફિલ્મ જોવાનો અધિકાર છે, જો તમને તે ગમે છે તો તમે જુઓ નહીં ગમે તો નહીં જુઓ, પરંતુ તમે કોઈને ન જોવા માટે દબાણ કરી શકતા નથી. અમે હંમેશા સર્વોચ્ચ અદાલતમાં વિશ્વાસ રાખ્યો છે. અમને ટેકો આપનારા તમામનો આભાર. પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં રહેતા લોકોનો પણ આભાર જેમણે અમારો સંપર્ક કર્યો હતો. હવે તેઓ ફિલ્મ જોઈ શકે છે.”
આ પહેલા 18 મે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં ફિલ્મ પર મૂકવામાં આવેલા પ્રતિબંધ વિરુદ્ધ સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ સરકારને ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે જો તેમને તે પસંદ ન હોય તો ફિલ્મ ન જુએ. કોર્ટે મમતા સરકારને તમામ સિનેમા હોલને સુરક્ષા આપવાનો આદેશ આપ્યો છે. કોર્ટનું કહેવું છે કે સુરક્ષા પૂરી પાડવાનું કામ રાજ્ય સરકારનું છે. સુપ્રીમ કોર્ટે તમિલનાડુમાં થિયેટરોને વધારાની સુરક્ષા આપવાની વાત પણ કરી છે.
નોંધનીય છે કે ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ ભારતમાં 5 મેના રોજ રીલિઝ થઈ હતી. રિલીઝ થયા બાદ મમતા સરકારે પશ્ચિમ બંગાળમાં ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો હતો. તમિલનાડુના પણ મોટાભાગના સિનેમા હોલમાં ફિલ્મ પ્રદર્શિત નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ‘ધ કેરળ સ્ટોરી’ના નિર્માતાઓએ આ પ્રતિબંધ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ SCએ તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ પાસેથી જવાબ માંગ્યો હતો.