Homeઉત્સવકોઈનાં સંસ્કાર જોવા હોય તો વોશરૂમ અને રસોડામાં આંટો મારો

કોઈનાં સંસ્કાર જોવા હોય તો વોશરૂમ અને રસોડામાં આંટો મારો

રંગ છલકે -ક્ધિનર આચાર્ય

હમણાં એક પુસ્તક હાથમાં આવ્યું. જાહેર શિસ્ત અંગે તેમાં અદ્ભુત વાતો છે. મોબાઇલના હેન્ડસેટ્સ તો આપણાં દેશમાં કરોડોની સંખ્યામાં આવી ગયા. પણ એનો ઉપયોગ કરવાની શિસ્ત રતિભાર પણ ન આવી. વાહનોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે પરંતુ તેને હંકારવાનું ડહાપણ ફાયનાન્સ કંપનીઓ આપતી નથી એ સમસ્યા છે. ઇન્ડિકેટરનો ઉપયોગ કરવાની કોઇની પાસેથી તમે અપેક્ષા રાખો તો એ દેશમાં એ પાપકૃત્ય ગણાય છે. અને તમે વાહનડ્રાઇવિંગની શિસ્ત જાળવો તો લોકો તમારા ભણી એવી રીતે ડોળા ફાડીને જુએ છે જાણે તમે કોઇ એલિયન હો. ફોન કરનારો બેવકુફ તમને જ્યારે પૂછે છે: ‘કોણ બોલો છો?’ ત્યારે આપણાં માથાની નસો ફાટી જાય છે. અલ્યા ડફોળ! ફોન તે કર્યો છે, સૌપ્રથમ તું તારી ઓળખાણ આપ! પણ સમજે છે કોણ? તમારી પાસે મોબાઇલ છે તો લોકો પછી તમારા પર હક્ક જમાવી બેસે છે. તમે તેનો એક કોલ જો એટેન્ડ ના કરો તો એ બીજો કરે છે, બીજો ન કરો તો એ ત્રીજો, ચોથો, દસમો, વીસમો ફોન કરતા પણ અચકાતો નથી. આપણી પાસે મોબાઇલ હેન્ડસેટ હોય એનો અર્થ શું એ થયો કે, ચોવીસ કલાકની દરેક ક્ષણે આપણે કોલ એટેન્ડ કરવાની સ્થિતિમાં હોઇએ મનુષ્યને નિત્યક્રિયા જેવું પણ કંઇ હોય છે. એને દાત પર બ્રશ ઘસવું પડે છે, સ્નાન કરવા જવું પડે છે, દિવસમાં પાંચદસ વખત સુસુ જવું પડે છે. બે વખત એ ચા પીતો હોય, બપોરે અને રાત્રે ભોજનનો સમય હોય, પત્નિ અને બાળકો સાથે સમય વીતાવવાનો હોય અને ઉંઘવાનું પણ હોય. કોલ કરનાર જાણે આ બધી બાબતોથી પર હોય તેમ દરેક વખતે અપેક્ષા રાખે છે કે, એ જ્યારે કોઇને કોલ કરે ત્યારે સામી વ્યકિતએ ઉપાડવો જ રહ્યો.
જાહેર શિસ્ત શ્ર્વાસોચ્છવાસ જેવી જ અગત્યની જણશ છે. પરંતુ ભારતીયોના અગ્રતા ક્રમમાં એકથી સો બાબત સુધીની યાદીમાં તેનું ક્યાંય સ્થાન નથી. દરરોજ તમને આવી શિસ્તની હત્યા કરતા આતંકવાદીઓ જોવા મળે છે. તેઓ પબ્લિક ટોઇલેટમાં પોટી જાય છે, પરંતુ જો ફલશ કરે તો જાણે એમનો ધર્મ અભડાય છે. આપણી જાહેર યુરિનલ અને જાહેર ટોઇલેટ્સ આપણી પ્રકૃત્તિની પહેચાન છે. છપ્પનની છાતી હોય તો હાઇવે પર આવેલી કોઇ હોટેલના ટોઇલેટનો એક વખત ઉપયોગ કરી જુઓ. મુળ વાત એ છે કે, આપણે વાતચીતથી લઇ અને રહેણીકરણી સુધીમાં દરેક બાબતે એક ગંદી અને પછાત પ્રજા છીએ. આઘાતજનક વાત એ છે કે, આપણે સ્વિકારતા પણ નથી કે આ બધી આપણી ખામીઓ છે. જાણવાનું દુ:ખ છે. જે જાણે છે તેને બધુ કઠે છે. ૯૮ ટકા અનાડી તથા અલેલટપુ ધરાવતા આ દેશમાં જે લોકો લાઇન તોડે છે, મુતરડીઓ અને જાજરુઓ ગંદા કરે છે કે મલ્ટીપ્લેક્સમાં ચાલુ ફિલ્મે મોબાઇલ પર સિંહ જેવી ગર્જનાઓ કરે છે, તેને કદી અપરાધભાવ નથી થવાનો. સમજુઓ જુએ છે અને દાઝે છે. ‘પુસ્તક જાહેર શિસ્ત’ આવી જ મહત્ત્વપૂર્ણ વાતો કહે છે.
લેખકે આ પુસ્તકમાં તેમને સાહિત્યિક ભાષાના અમીછાંટણા ભલે ન કર્યા હોય, પરંતુ સમજુશાણા લોકોને ખૂંચતી કેટલીક ગેરશિસ્તની બાબતો તરફ બહુ અસરકારક રીતે આંગળી ચિંધી છે. પગાર પૂછવાની કૂટેવથી લઇને અનાજના બગાડની કુસંસ્કૃતિ અને ફોનની મેનર્સ તથા લાયબ્રેરીની શિસ્ત સુધીની અનેક બાબતો તેમણે આવરી લીધી છે.
સમાજ આખો માનસિક રીતે માંદા લોકોથી ખદબદી રહી છે. ભારતીયોની જીવનશૈલી એવી છે કે, દરરોજ એ અન્ય નાગરિકને નડે છે, પર્યાવરણને ગંદુ કરે છે અને પૃથ્વી પર બોજ વધારતો રહે છે. જાહેર શિસ્તમાં ઢળવું તેને ફાવતું નથી. જુવાનીયાઓ દરરોજ ગુજરાતના દરેક શહેરોમાં રાત્રે ધુમ સ્ટાઇલમાં બાઇક ચલાવીને આખા ગામ માથે લે છે, લોકો જાતજાતની નંબર પ્લેટ બનાવે છે, નિયમો પાળવાનું કોઇને ગમતું નથી, કોઇ વળી નંબર પ્લેટ કોરી રખાવે છે અને તેમાં પોલીસ કે પ્રેસ કે એડવોકેટ જેવું કશુંક છપાવી મારે છે. જાણે પોલીસ થયા કે કાયદાની ડિગ્રી મળી એટલે તેઓ કાનૂનથી પર થઇ ગયા. વાહનો ઘેરઘેર આવી ગયા છે, પરંતુ તેને પાર્કિંગ કરવાથી લઇને ચલાવવા સુધીની શિસ્ત હજુ કયાંય પહોંચી નથી. આ દેશમાં લોકો પોતાનું બાઇક લઇને નીકળે તો સવારથી સાંજ સુધીમાં પચાસસો વખત હોર્નનું પોપો કરીને પાછો ફરે છે. આગળ કોઇ જતું હોય કે ન જતું હોય, તેને હોર્ન મારવું જ છે. ટ્રાફિક જામ હોય તો પણ તે પોંપો કરશે. ભલાદમી, કોને અહીં ટ્રાફિકમાં રાત વિતાવવાનો શોખ છે, આગળના વાહનો ખસે અને વાહનોની ગુંચવણી ઉકેલાય કે લોકો આપમેળે પોતપોતાના રસ્તે ચાલતા થવાના છે. તમે હોર્ન પર અંગુઠો દબાવીને બેસી જાવ તો તેનાથી ટ્રાફિકની સમસ્યા ઉકેલાઇ જવાની નથી, પરંતુ લોકોની અકળામણ વધવાની છે અને અવાજનું પ્રદૂષણ વધવાનું છે. લોકો માને છે કે, વાહનના બધા ફિચર્સ ઉપયોગ માટે જ હોય છે. પરંતુ ઇશ્ર્વરે કોમન સેન્સ નામનું એક ફીચર્સ મનુષ્યના દિમાગમાં મુક્યું છે અને પ્રતિ ક્ષણ તેનો ઉપયોગ થવો જોઇએ એ વાત તે ભૂલી જાય છે. અહીં ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ ચરમસીમા પર છે. લોકો કોમનસેન્સનો ઉપયોગ ઓછો કરે છે તેટલે કાળક્રમે તેના ડી.એન.એ.માંથી સામાન્ય બુદ્ધિની બાદબાકી જ થઇ ગઇ છે.
ગામડાઓમાંથી શહેરમાં સ્થળાંતર વધ્યું તે પછી શહેરના સમજુ લોકોનું જીવવું પણ હરામ થઇ ગયું છે. શહેરની દરેક ગલીઓ હવે ગૌશાળા જેવી છે અને ગામડાની અબુધ પ્રજા શહેરના કોઇ જ નિયમોનું પાલન કરતી નથી. ડફોળ લોકો આજે પણ સવારે શેરીમાં ઊભાઊભા બ્રશ કરે છે અને રોડ વચ્ચે ઉળ ઉતારે છે. તેઓ આખા જગતને પોતાનો બાથરૂમ સમજે છે અને શેરીઓ તેમનું ખાનગી વોશ બેસીન છે. એવા લોકો પણ છે, જેમના માટે સમગ્ર સૃષ્ટિ પોતાનું ટોઇલેટ હોય અને યુરિનલ પણ હોય. આપણે આપણું ખોદવામાં ઉસ્તાદ છીએ. રેલવે ક્રોસિંગથી લઇને શોકસભાઓમાં પણ આપણા લખ્ખણો ઝળકાવતા રહીએ છીએ. ગિરનારમાં પદયાત્રા કરવા જઇએ છીએ અને માનીએ છીએ કે, પૂણ્યનું ભાથુ બાંધી. વાસ્તવિકતા એ છે કે, આપણે પાપના પોટલા બાંધીને પાછા આવીએ છીએ. થર્મોકોલના વપરાયેલા ગ્લાસ, પ્લાસ્ટીકની પ્લેટસ, પ્લાસ્ટીકની થેલીઓ, સડેલા શાકભાજીઓ અને એઠવાડ… આ બધું આપણે જો જંગલોમાં છોડી આવ્યા હોઇએ તો ક્યો પરમાત્મા તમને પૂણ્ય પ્રદાન કરવાનો હતો. દરેક ધાર્મિક ઉત્સવો વખતે આપણે ભાન ભૂલીએ છીએ. ગણપતિનો ઉત્સવ હોય તો રાત્રે બારએક વાગ્યા સુધી લાઉડ સ્પીકરો પરથી મોટા અવાજે ભજનો વાગતા રહે છે, જાણે એવું કરવાથી ગણપતિ સુધી આપણી પ્રાર્થના પહોંચી જવાની હોય! જન્માષ્ટમી અને તેના જેવા તહેવારો વખતે જાહેર રાજમાર્ગો રોકીને પંડાલ બનાવવામાં આવે છે. રાજકારણીઓ તેમાંથી સ્વાર્થ સાધે છે અને ટટપુંજીયાઓ લેવાદેવા વગર હોહા કરતાં સરઘસમાં જોડાઇ જાય છે. ડૉ. રાજીવકુમાર ગુપ્તા કદાચ આવી બધી બાબતોથી ઉકળી ઊઠ્યા હશે. એટલે તેમણે બહુ માર્મિક ભાષામાં આપણી ખામીઓ પ્રત્યે અંગુલીનિર્દેશ કર્યો છે. આ પુસ્તક કોઇ મહાન સાહિત્યકૃત્તિ નથી, પરંતુ તેનું મહત્ત્વ બિલ્કુલ ઓછું નથી. શાળા અને કૉલેજના બાળકોને આ પુસ્તકમાંની મહત્ત્વની વાતો સમજાવવામાં આવે તો હવે પછીની પેઢી કમ સે કમ અનાડી જેવી નહીં પાકે.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -