ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઇ
માણસ માત્ર સામાન્યરીતે સંવેદનશીલ હોય છે અને જ્યારે કુટુંબમાં, સમાજમાં કે દેશમાં જ્યારે કોઈ તકલીફમાં હોય ત્યારે જેની જેટલી શક્તિ હોય તેટલી તે તન મન ધનથી સેવા કરતા હોય છે. પણ સમાજમાં કેટલાક એવા લેભાગુ તત્ત્વો પણ હોય છે જે આ જનમાનસની ભાવના સાથે ખેલ રમીને તેના ખીસ્સાઓ ભરતા હોય છે અને તેનું લેટેસ્ટ અને તાજું ઉદાહરણ છે કે રશિયા અને યુક્રેન યુદ્ધમાં જનરલી લોકોની દયા દૃષ્ટિ યુક્રેનમાં થયેલી જાનમાલની ખુવારીમાં યુક્રેનીયનો તરફ વધારે છે. ત્યારે યુક્રેનને મદદ કરવાના બહાને ફૂટેલા સેંકડો ચેરિટેબલ ઓર્ગેનાઇઝેશન્સ. યુક્રેનના ઇન્વેસ્ટિગેશમાં બહાર આવ્યું છે કે સેંકડો ફેક વેબસાઈટ્સ જેવી કે “સેવ ધ ચિલ્ડ્રન, “સેવ લાઈફ ડાયરેક્ટ, “સેવ સોલ્જર્સ જેવી બોગસ ચેરિટેબલ સંસ્થાઓ ખુલ્લી પડી ગઈ છે.
“સેવ લાઈફ ડાયરેક્ટ એ એક નાઈજીરિયન નાગરિકે શરૂ કરેલી વેબસાઈટ હતી જેમાં ૧ લાખ ડૉલર્સનું દાન મેળવેલું હતું, જેમાંથી એક પેની પણ યુક્રેન પીડિતો માટે નહોતી.
બીજા એક કિસ્સામાં એક જેન્યુઈન ઓર્ગેનાઈઝેશન યુક્રેનિયન મિલિટરીની મદદ માટે ફંડ એકઠું કરી રહ્યું હતું ત્યારે આ જ ઓર્ગેનાઈઝેશને બીજી જગ્યાએ બ્રાંચ ખોલી છે એટલે ત્યાં પણ દાનની રકમ જમા કરાવી શકાય છે તેવો ખોટો દાવો કરીને દાનની રકમ પચાવી પાડેલી હતી. આવી જ રીતે ફેસબુકના માધ્યમથી યુક્રેન યુદ્ધમાં ફ્રન્ટમાં લડતા સૈનિકો માટે તાન્યા તારાસેવીચ નામની એક મહિલા તનતોડ મહેનત કરીને દાનની રકમ એકઠી કરી રહી હતી ત્યારે તાન્યા તારાસેવીચના ફેસબુકના ફોટાઓ કોપી કરીને બીજી જગ્યાએ પ્રસ્તુત કરીને તારાસેવીચના નામનો ફાયદો ઉઠાવીને સ્કેમ કરીને દાનની રકમ તફડાવવામાં આવેલી હતી.
“સેવ ધ ચિલ્ડ્રન એક બ્રિટિશ પબ્લિક ચેરિટેબલ ઓર્ગેનાઈઝેશન છે તેના નામ અને ગુડવીલનો ફાયદો ઉઠાવીને યુક્રેન ચિલ્ડ્રનના વેલ્ફેરના નામે ફેક સેવ ધ ચિલ્ડ્રનના નામે દાન મેળવી રહ્યા છે.
૨૦૨૨માં ક્રાઉડ ફંડીંગ અને ઓનલાઈન પેમેન્ટના માધ્યમથી દાનની રકમ એકઠી કરવામાં આવે છે અને તેથી આજે જેણે યુક્રેનના પીડિત પરિવારો અને યુદ્ધમાં શહીદ થયેલા પરિવારો પ્રત્યે લાગણીથી પ્રેરાઈને મદદ કરવી છે તેને સમસ્યા આવી રહી છે કે આ ફંડ ઉઘરાવનારી સંસ્થાઓ જેન્યુઈન છે કે નહીં તેની તપાસ કેવી રીતે કરવી? એક તરફ યુદ્ધમાં યુક્રેનિયન્સ નાગરિકો ઝેલેન્સકી અને પુતિનની ઇગો વૉરમાં તનમનધનથી પાયમાલ થઈ રહ્યા છે, બાળકો અનાથ થઈ રહ્યા છે અને સૈનિકો શહીદ થઈ રહ્યા છે અને ગંભીર રીતે ઘાયલ થઈ રહ્યા છે ત્યારે સમાજના કેટલાક સ્વાર્થી તત્ત્વો પૈસાની લાલચમાં લાશના ઢગલા ઉપર પણ લોકમાનસ સાથે ખેલીને સ્કેમ કરવામાં પણ શરમ નથી અનુભવતા આનાથી મોટો કોઈ અપરાધ માણસ જાત સામે ના હોય શકે. આવા લોકો માટે એક જ વાત બંધ બેસે છે કે “રાધર ફેઈલ વીથ ઓનર ધેન સક્સીડ બાય ફ્રોડ.