આબોહવા પરિવર્તનની અસરો કહો કે યુક્રેન યુદ્ધની ગરમી કહો, યુરોપમાં કડકડતી ઠંડીના દિવસોમાં વિક્રમજનક ગરમી જોવા મળી રહી છે. યુરોપમાં જાન્યુઆરીના પ્રથમ બે દિવસ અત્યંત ગરમ રહ્યા હતા. નવા વર્ષના પ્રથમ બે દિવસ સૌથી ગરમ દિવસો તરીકે નોંધાયા હતા. યુરોપના ઓછામાં ઓછા આઠ દેશોમાં આવી સ્થિતિ જોવા મળી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલેન્ડ, ડેનમાર્ક, ચેક રિપબ્લિક, નેધરલેન્ડ, બેલારુસ, લિથુઆનિયા અને લાતવિયામાં જાન્યુઆરીમાં અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. યુરોપના હવામાનશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં સમગ્ર યુરોપમાં હવામાનના રેકોર્ડ ભયજનક દરે તૂટી રહ્યા છે.
તાપમાન પર નજર રાખતા એક હવામાનશાસ્ત્રીના જણાવ્યા અનુસાર, પોલેન્ડના કોર્બિલો ગામમાં તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. આ મે મહિનામાં અહીં રહેતા તાપમાન કરતા વધારે છે. અહીં જાન્યુઆરીમાં સરેરાશ 1 ડિગ્રી તાપમાન રહે છે. અહીં મે મહિનામાં પણ આટલું તાપમાન નોંધાતું નથી.
જર્મની, ઉત્તરી સ્પેન અને દક્ષિણ ફ્રાન્સમાં પણ જાન્યુઆરીમાં વિક્રમી ગરમી પડી રહી છે. હવામાનશાસ્ત્રીઓના મતે તેને યુરોપના ઇતિહાસમાં સૌથી ગરમ ઉનાળો ગણી શકાય. તેઓ જણાવે છે કે યુરોપના મોટા ભાગોમાં ભારે ગરમી પડી રહી છે, જે અત્યાર સુધી સાંભળવામાં આવી નથી.