સિડની: ભારત સામેની ટેસ્ટ સિરીઝમાં ખરાબ પ્રદર્શન કરનારા ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નરે ગુરુવારે જણાવ્યું હતું કે જો પસંદગીકારો તેની ટેસ્ટ કારકિર્દી સમાપ્ત કરવાનો નિર્ણય લે છે તો તે ૨૦૨૪ સુધી મર્યાદિત ઓવરમાં રમવા માગે છે. કોણીમાં ફ્રેક્ચરને કારણે ભારતમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની છેેલ્લી બે મેચમાંથી બહાર થયા બાદ વોર્નર ગુરુવારે અહીં પહોંચ્યો હતો.કોણીમાં ફ્રેક્ચર થવાને કારણે ઓસ્ટ્રેલિયાનો બેટ્સમેન ડેવિડ વોર્નર સ્વદેશ પરત ફર્યો છે. દિલ્હીમાં બીજી ટેસ્ટ દરમિયાન વોર્નરને ઈજા થઈ હતી. ડેવિડ વોર્નર ગુરુવારે સિડની પરત ફર્યો હતો. વોર્નરનું કહેવું છે કે તે આ વર્ષની એશિઝ ટૂર પર બેટિંગની શરૂઆત કરશે. જો કે છેેલ્લા ત્રણ વર્ષમાં વોર્નરે માત્ર એક જ ટેસ્ટ સદી ફટકારી છે. તેણે ૨૦૨૪ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની આશા વ્યક્ત કરી હતી.
વોર્નરે સિડનીમાં પત્રકારોને કહ્યું હતું કે મેં હંમેશા કહ્યું છે કે હું ૨૦૨૪ સુધી રમીશ. જો પસંદગીકારોને લાગે છે કે હું મારા સ્થાનને લાયક નથી, તો તેમ કરી શકે છે. હું વન-ડે અને ટી-૨૦ ક્રિકેટ રમવા માગીશ. મારી પાસે આગામી ૧૨ મહિના છે. જો હું રન બનાવવાનું ચાલુ રાખીશ તો ટીમ માટે મારું સર્વશ્રેષ્ઠ આપીશ. જ્યારે તમે ૩૬-૩૭ વર્ષના હોવ ત્યારે ટીકાકારો માટે પસંદગી કરવી સરળ હોય છે.