ગુસ્સો, રોષ, ક્રોધ એ માનવીય સહજ લક્ષણ છે. માનવો નહીં દેવો અને ઋષીમુનીઓ પણ ક્રોધિત થઈ જતા હતા ત્યારે આપણને ગુસ્સો આવે તે સ્વાભાવિક છે. યોગ્ય વાત પર, યોગ્ય જગ્યાએ ગુસ્સો આવે અને તેને યોગ્ય રીતે વ્યક્ત કરવામાં આવે તો તે વાજબી છે, પણ જો આ ગુસ્સો ક્રોધમાં ફેરવાય જાય અને તે સમયે આપણે કોઈ અવિચારી પગલું ભરી લઈએ તો જીવનભર પસ્તાવા સિવાય કોઈ વિકલ્પ બચતો નથી. આપણે રોજ અખબારોમાં વાંચીએ છીએ કે નાની બાબતે મારામારી કે હત્યા થઈ જાય કે પછી મોટો કોઈ ગુનો થઈ જાય. તો ચાલો આવા જ એક વેપારીની વાત જાણીએ જેણે ક્રોધમાં કંઈક કરવાને બદલે એક ફકીરની વાત માની અને તે મોટું પાપ કરતા બચી ગયો.
એક ગામમાં એક વેપારી હતો. તે સુખી કુંટુંબમાં જન્મ્યો હતો, પરંતુ ખૂબ મહેનતુ અને મહત્વાકાંક્ષી હતો. તેણે પોતાના પિતા પાસે ઈચ્છા વ્યક્ત કરી કે તે વિદેશ જઈ ધંધો કરવા માગે છે અને ખૂબ આગળ વધવા માગે છે. પિતાએ પહેલા તો ના પાડી પણ પછી તેની જીદ સામે હારી ગયા. ત્યાં માતાએ જીદ પકડી કે જો તું વિદેશ જાય તો એક જ શરતે. પહેલા તુ લગ્ન કરી લે અને પછી જા, જેથી તું પાછો આવશે તેની અમને આશા રહે. યુવકે માતાની વાત માની.એક ખૂબ સંસ્કારી યુવતી સાથે તેના લગ્ન થયા. લગ્ન બાદ પત્નીએ પતિનો સાથ આપ્યો અને તેમની વિદેશ જવાની ઈચ્છા સાથે સહમતી દર્શાવી. પતિ વિદેશ ગયો. ત્યાં જઈ પોતાની કુનેહથી ખૂબ કમાયો. દરમિયાન અહીં ગામમાં તેના ઘરે દીકરીનો જન્મ થયો. પિતા ખૂબ જ ખુશ થયા અને ઔર મહેનત કરી કમાવા લાગ્યા. આમ કરતા કરતા 18-19 વર્ષ વીતી ગયા. હવે ઘર-ગામ યાદ આવ્યું. પરિવાર યાદ આવ્યો. આથી પોતે જેટલું ભેગું કર્યું હતું તે સમેટી પાછો ગામ આવવા નીકળ્યો. પરિવારને જણાવ્યું નહીં. વિદેશથી તે સ્ટીમરમાં બેઠો. મોટા જહાજમાં તેણે સફર કરી. પરિવારને મળવાના મીઠા સપનામાં તે ખોવાઈ ગયો. ત્યાં તેની નજર એક ફકીર જેવા લાગતા બાબા પર પડી. બાબા ચહેરાથી તેજમય લાગતા હતા, પરંતુ થોડા હતાશ હતા. વેપારી તેમની સાથે વાતો કરવા લાગ્યો. વાતવાતમાં તેને ખબર પડી કે બાબા વિદેશ આવ્યા હતા કે તેમના પ્રવચનો લોકો સાંભળશે અને તેમને સારી કમાણી થશે. પણ કોઈ તેમની સલાહ લેવા કે દર્શન કરવા આવ્યું નહીં અને નહીં જેવી કમાણી કરી તેમણે પરત ફરવું પડ્યું. વેપારીને થયું કે મને આ દેશે ઘણું આપ્યું છે. બાબા ખાલી હાથ છે તો હું જ તેમને કંઈક આપું. તેમણે બાબાને કહ્યું કે તમે મને સલાહ આપો અને તેના બદલામાં તમે જે કહેશો તે આપીશ. બાબા કહે વિચારી લે. હું માગીશ તે આપવું પડશે. વેપારીએ હામી ભરી. બાબાએ તેને પ્રવચનમાં માત્ર એક જ વાક્યની સલાહ આપી કે જીવનમાં ક્યારેય ગુસ્સો આવે તો કંઈપણ કરતા પહેલા બે મિનિટ વિચારી લેજે. વેપારીને અજીબ લાગ્યું કે આ કંઈ નવી વાત બાબા કહે છે. આને થોડું પ્રવચન કહેવાય? પણ ફકીર સાથે શું દલીલ કરવાની ?આથી તેણે કહ્યું બાબા બોલો શું આપુ? ફકીરે સીધી પાંચ સોનામહોર માગી લીધી. વેપારી દુવિધામાં પડ્યો. એક વાક્યની સલાહ માટે પાંચ સોનામહોર? પણ શું કરે વચન આપ્યું હતુ એટલે સોનામહોર આપી દીધી. સફર પૂરી થઈ ગામ આવ્યું. વેપારી પરિવારને મળવા અને દિકરીને જોવાના તાનમાં ઘરે પહોંચ્યો. ઘરના પાછળના ભાગેથી દરવાજો ખોલવાની રીત તેને ખબર હતી. મોડી રાત થઈ ગઈ હતી. સુનકાર હતો. પતિ સામાન વગેરે ફળિયામાં મૂકી પાછળના બારણેથી ઘરમાં પ્રવેશ્યો. સીધો પોતાના રૂમમાં ગયો. ફાનસના પ્રકાશથી તેણે જે જોયું તે અવાક બની ગયો. પલંગ પર પત્ની સૂતી હતી અને તેની બાજુમાં વીસેક વર્ષનો કોઈ પાઘડીવાળો યુવાન. પતિના હોશ ઊડી ગયા. પોતે દિવસ જોઈ ન રાત. પરિવાર માટે તનતોડ મહેનત કરતો રહ્યો. કોઈ દિવસ પરાઈ સ્ત્રીતરફ નજર ન કરી અને પત્ની આ શું કરી રહી છે? વેપારીના ગુસ્સાની કઈ સીમા ન રહી. તે સીધો રૂમમાંથી બહાર નીકળ્યો અને દિવાનખંડની દિવાલ પર લટકતી તલવાર લઈ રૂમ તરફ જતો હતો ત્યાં તેને અચાનકથી ફકીર બાબાની વાત યાદ આવી કે ગુસ્સો કર્યા પહેલા બે મિનિટ વિચારી લેજે. તે ક્ષણવાર માટે ધીમો પડ્યો, પણ આમા વિચારવા જેવું કયાં કઈ હતું? નજરની સામે તો બધું છે. તે ફરી આગળ વધવા ગયો ત્યાં ચાલવામાં સમતોલન ન જળવાતા તેના હાથમાંથી તલવાર છૂટી ગઈ અને સીધી પીત્તળના ફ્લાવરવાઝ પર પડી. ફ્લાવરવાઝ નીચે પડ્યો અને અવાજ આવ્યો. તરત પત્ની જાગી ગઈ. બહાર જોયું તો પતિ ઊભા હતા. ગુસ્સામાં હતા, પણ ફાનસના અજવાળે આટલું કંઈ ખાસ દેખાયું નહીં. વીસેક વરસના વાયરા વાયા બાદ પતિને જોતા તે ગળગળી થઈ ગઈ અને તેને ભેટી પડી. તેના સ્પર્શમાં ક્યાય ફરેબ ન હતો. તેના આલિંગને વેપારીને થોડો ઢીલો પાડ્યો. હજુ તે કઈ પૂછે ત્યાં દરવાજામાંથી પેલો પાઘડીધારી બહાર નીકળ્યો, પણ આ શું? પાઘડીધારીની પાઘડી છૂટી ગઈ ને તે લાંબા વાળ વાળી લાંબી પાતળી છોકરી નીકળી. હજુ તે વિચારે ત્યાં તો પત્નીએ કહ્યું ઓળખી…આ આપણી દિકરી…વેપારીએ તેની વેશભૂષા તરફ નજર નાખી…ત્યાં પત્ની બોલી આજે મંદિરના પટ્ટાંગણમાં મહોત્સવ હતો. તેમાં નાટકમાં તે ખેડૂત બની હતી. અમે ઘરે આવ્યા તો બહુ મોડું થઈ ગયું. એટલે એ ને હું પહેરેલ કપડે ઊંઘી ગયા. વેપારીની આંખમાંથી દળદળ આસુ વહેલા લાગ્યા. તેને ફરી ફકીર બાબાની વાત યાદ આવી. હવે તેને એ એક વાક્યની સલાહનું મૂલ્ય સમજાયું. હવે તેને લાગ્યું કે બાબાએ મારી પાસેથી બહુ ઓછી કિંમત વસૂલી. મને જે મળ્યું તેના બદલામાં આખી દૌલત માગી લીધી હોત તો પણ ઓછી પડત.
સમજાયું દોસ્તો આંખે દેખ્યું કે કાને સાંભળ્યું પણ ઘણીવાર ખોટું પડે. આથી ક્રોંધને કાબૂમાં રાખવો અને ગુસ્સો આવે ત્યારે માત્ર બે મિનિટ વિચારી લેવું ….