ભારતના એક રેલ્વે સ્ટેશનનું નામ વિશ્વના સૌથી લાંબા રેલ્વે પ્લેટફોર્મ તરીકે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું છે. આ રેલવે સ્ટેશન એટલે ભારતીય રેલ્વેમાં દક્ષિણ-પશ્ચિમ રેલ્વે ઝોનમાં આવેલું હુબલી રેલ્વે સ્ટેશન. કર્ણાટકમાં આવેલા આ રેલવે સ્ટેશનનું પૂરું નામ શ્રી સિદ્ધરુદ સ્વામીજી હુબલી સ્ટેશન છે. વડાપ્રધાન મોદીએ આજે આ રેલવે સ્ટેશન રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. હુબલી રેલ્વે સ્ટેશન રૂ. 20.1 કરોડના ખર્ચે પૂર્ણ થયું છે. તેનું નિર્માણ હુબલી યાર્ડના પુનઃનિર્માણના ભાગરૂપે કરવામાં આવ્યું હતું. તે કર્ણાટકનું મહત્વનું જંક્શન છે. હુબલી એ ઉત્તરીય કર્ણાટક ક્ષેત્રમાં વ્યવસાયનું મુખ્ય કેન્દ્ર છે. સ્ટેશન બેંગ્લોર (દાવનગેરે તરફ), હોસ્પેટ (ગડગ તરફ) અને વાસ્કો-દ-ગામા/બેલાગવી (લોંડા તરફ) તરફની રેલ્વે લાઇનને જોડતા જંકશન પર સ્થિત છે.
શહેરની વધતી જતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે હાલના 5 પ્લેટફોર્મ ઉપરાંત સ્ટેશનમાં ત્રણ નવા પ્લેટફોર્મ ઉમેરવામાં આવ્યા છે. તેમાંથી એક, પ્લેટફોર્મ નંબર 8 છે, જે 1507 મીટરની લંબાઈ ધરાવે છે. આ પ્લેટફોર્મે વિશ્વના સૌથી લાંબા રેલ્વે પ્લેટફોર્મ તરીકે નામ નોંધાવ્યું છે. સૌથી લાંબા પ્લેટફોર્મ પરથી એકસાથે બે ઈલેક્ટ્રિક લોકમોટિવ ટ્રેનને ફ્લેગ ઓફ કરવામાં આવશે.
આ સાથે ભારતીય રેલ્વેએ રૂ. 519 કરોડના ખર્ચે હોસ્પેટ-હુબલી-તિનાઘાટ રેલ્વે લાઇન (245 RKM)નું વીજળીકરણ પણ પૂર્ણ કર્યું છે. આ માર્ગ વિજયનગર, કોપ્પલ, ગડગ, ધારવાડ, ઉત્તરા કન્નડ અને બેલાગવી જિલ્લામાંથી પસાર થાય છે. તે કર્ણાટકનો કોલસાનો મુખ્ય માર્ગ છે, જે સ્ટીલ પ્લાન્ટ અને થર્મલ પાવર પ્લાન્ટને મોર્મુગાવ પોર્ટ સાથે જોડે છે. ડબલ-લાઇન ટ્રેકનું ઇલેક્ટ્રિફિકેશન રૂટને કાર્બન ન્યુટ્રલ બનાવશે, પરિણામે શૂન્ય પ્રદૂષણ થશે. તેનાથી ડીઝલ પરની નિર્ભરતા પણ ઘટશે. તેનાથી દર વર્ષે લગભગ 250 કરોડ રૂપિયાની બચત થશે. તેમજ દર વર્ષે 2,50,000 કિલો લીટરથી વધુ ડીઝલની બચત થશે.
હુબલી પહેલા, ગોરખપુર રેલ્વે સ્ટેશન વિશ્વનું સૌથી લાંબુ રેલ્વે સ્ટેશન માનવામાં આવતું હતું. ઉત્તર પ્રદેશનું ગોરખપુર જંકશન હવે બીજું સૌથી મોટું પ્લેટફોર્મ બની ગયું છે. તેની લંબાઈ 1,366.33 મીટર છે. આ પછી કેરળમાં આવેલું કોલ્લમ જંક્શન વિશ્વનું ત્રીજું સૌથી લાંબુ પ્લેટફોર્મ ધરાવે છે. તેની લંબાઈ 1180.5 મીટર છે.