મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા
ઘર, કુટુંબ અને મા-બાપ પ્રથમ અને છેલ્લી પાઠશાળા છે.તેનો કોઈ વિકલ્પ જ ન હોઈ શકે.સંતાનોના ઉજવળ ભવિષ્ય માટે સસ્તું સમાધાન નહીં, પરંતુ સુખના ત્યાગની જરૂર છે.દાખલાઓ ન આવડે તો મા બાપે જીવતરના દાખલા શીખવાનો સમય આપવો પડશે. ‘ચાલશે’ જેવી મનોવૃત્તિ સમાજની હોઈ શકે, પરંતુ મા બાપની નહીં.
સમાજ જો દેખાદેખીને જ જીવન અને દેખાદેખીથી જ ધન્યતા અનુભવે,તો સંતાન એવું જ કરવાના છે. દેખાદેખીનો નશો આવતીકાલની પેઢી માટે ખતરાની ઘંટડી સમાન છે.આ જવાબદારી મા-બાપની છે.ખાન -પાન, પહેરવેશ અને ફરવામાં માતા-પિતા વિવેક ચૂકે તો તેની અસર બાળકો પર થવાની જ છે.
આપણે સાંભળતા આવ્યા છીએ કે જીવનમાં ભણતરનું મહત્વ સર્વોપરી છે.એક રીતે વાત ખરી પણ છે.ભણતરથી સારી જીવનશૈલી, સર્વોત્તમ જીવન ધોરણ,વ્યવસાયિક સફળતા અને સંપત્તિ પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ સંસ્કાર અને ઉચ્ચ વિચાર નહીં.સારા સંસ્કાર અને શિષ્ટાચાર તો પારિવારિક જીવન અને ઉચ્ચ વિચાર ધરાવનારા લોકો સાથે જીવવાથી જ આવે.આથી માતા-પિતાએ બાળકના ઉછેરમાં આવી કાળજી લેવી જરૂરી બને છે.
શિક્ષણ એ દરેક યુગની જરૂરિયાત છે,એ નિ:સંદેહ છે.આજે શિક્ષણ સામે એક ફરિયાદ છે કે શિક્ષણ માત્ર યાદશક્તિની પરીક્ષા કરે છે.જીવન જીવવા માટેનું વાસ્તવિક પ્રશિક્ષણ આપી શકતું નથી.આથી જ બાળકના જીવન ઘડતરનો પ્રશ્ર્ન માતા-પિતા માટે વિકરાળ બનતો જાય છે.
આજે મોટાભાગના માતા પિતાની ફરિયાદ રહી છે કે પોતાનું સંતાન કહ્યામાં નથી.અમે દરરોજ તેની સાથે બેસી જીવન લક્ષી વિકાસની વાતો કરીએ છીએ.બાળક ધ્યાન દઈને સાંભળે છે, પરંતુ પછી ગમે ત્યારે અમારી સાથે ગમે તેમ વર્તે છે.અમારું કહ્યું માનતું નથી.પોતાનું ધાર્યું જ કરે છે.આવી મુશ્કેલીઓ ઘણાં બધાં મા-બાપ અનુભવે છે.જ્યાં સુધી આપણે પોતે જ આપણું ચારિત્ર્ય ઉન્નત ન બનાવી શકીએ,ત્યાં સુધી આપણે આપણાં સંતાનોને ચારિત્ર્ય કે એવું કશું આપી શકીએ નહીં.બાળક નાનપણથી જ માતા પિતાના વર્તન,વ્યવહાર અને ચારિત્ર્યનું બારીકાઈથી નિરીક્ષણ કરતું હોય છે. બાળક જે જુએ છે, એમ કરવા માટે પ્રેરાય છે.બાળકને ઉપદેશથી,શિખામણથી કે સૂચનાથી કશું શીખવી શકાય નહીં.બાળક જે કંઈ શીખે છે,તે આપણા ચારિત્ર્યથી જ શીખે છે.પછી આપણે દરરોજ આપણી પાસે બેસાડીને ડાહી ડાહી વાતો કરીએ,સમજણ આપીએ તો પણ એનો કશો જ અર્થ સરતો નથી.
આપણે સૌ સમજીએ છીએ કે પરિવાર, સમાજ, સંસ્કૃતિ અને રાષ્ટ્રનાં મૂલ્યોનું બાળકમાં ઘડતર કરવું અતિ આવશ્યક છે.આ ઘડતર માટે માતાનો રોલ અહમ્ છે. ઉમદા ચારિત્ર્ય અને પરિપક્વતા પ્રથમ માતાએ કેળવવા આવશ્યક છે. પછી બાળકને એ શીખવવું નહીં પડે.માતાનો વારસો બાળકમાં આપોઆપ આવી જશે.
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક એવા ડૉ. અબ્દુલ કલામને જ્યારે પૂછવામાં આવ્યું કે,તમારા શ્રેષ્ઠ જીવન ઘડતર માટે તમે કોને જવાબદાર ગણો છો ? ત્યારે ડૉ. કલામે જવાબ આપ્યો, ‘મારી માતાને !’
પ્રશ્ર્ન કર્તાએ આશ્ચર્યથી પૂછ્યું કે, ‘તમારી માતા તો અભણ હતા ને,તો પછી તમારા જીવન ઘડતરમાં તે કેવી રીતે ભાગ ભજવી શકે ?’
ત્યારે ડો. કલામે જવાબ આપ્યો, ‘મારી માતા અભણ હતા, એ વાત સાચી પણ જીવનનું ખરું નીતિ મૂલ્યોનું શિક્ષણ મને મારી માતા પાસેથી મળ્યું છે. જીવનનું ખરું વિજ્ઞાન હું તેમની પાસેથી શીખ્યો છું.તેમણે મને ગણિતના કે વિજ્ઞાનના સિદ્ધાંતો નથી શીખવ્યા,કારણ કે તેઓ અભણ હતા. પણ જીવન વિજ્ઞાનના સિદ્ધાંતો શીખવવામાં તેઓ સફળ રહ્યા છે.તેમણે મને હંમેશાં શીખવ્યું છે કે, બેટા મુશ્કેલીઓથી ક્યારેય ન ડરતો. હિંમતથી કામ કરજે. નિસ્વાર્થ ભાવે કામ કરજે.પુરુષાર્થથી કદી થાકીશ નહીં.નિષ્ફળતાથી કદી ડરીશ નહીં.ખંતથી મહેનત કરજે અને પ્રામાણિક રહેજે.’
જીવનના આ સિદ્ધાંતોએ મને સફળતાનાં શિખરો પાર કરાવ્યા છે.
બાળકમાં આવું જીવન ઘડતર માત્ર શાળાકીય શિક્ષણ દ્વારા શક્ય નથી.તેથી માતાએ જ બાળકને આ શિક્ષણ આપવા માટેનું સૌપ્રથમ માધ્યમ બનવું પડશે.જાગૃત માતા જ પોતાના બાળક સાથેના સહવાસથી તેનામાં જીવન માટેનો સાચો અભિગમ કેળવી શકે.
નિયમિત રીતે બાળક સાથે સમય પસાર કરીને વાતચીત તથા તેના મનોભાવો જાણી બાળકમાં ઘડાતા વિચારો,માન્યતાઓ અને ગ્રંથિઓથી પરિચિત રહી, જરૂર પડયે યોગ્ય માર્ગદર્શનથી તેને ખોટા વિચારો અને માન્યતાઓથી બચાવી શકાય છે.કહેવાય છે ને કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય છે.જે વિચારો અને માન્યતાઓ બાલ્યકાળમાં રોપાય છે,તે જ વિચારો અને માન્યતાઓના પાયા પર તેનું આખુંય જીવન ઘડાય છે.
બાળકના જીવન ઘડતરમાં ઉપયોગી તેવી બીજી બાબત તેનામાં ઉત્તમ સર્જન શક્તિનું નિર્માણ કરવું તે છે.દરેક બાળકમાં પણ આવી સર્જન શક્તિ પડેલી જ હોય છે.દરેક બાળક કંઈક ને કંઈક સર્જન કરવા જ જન્મ્યું છે.દરેક બાળકમાં કંઈકને કંઈક આગવી વિશિષ્ટતાઓ રહેલી જ હોય છે.માતા બાળકની ખૂબ જ નજીક હોવાથી આ વિશિષ્ટતાઓથી પરિચિત હોય છે.આથી માતાએ બાળકની વિશિષ્ટતાઓ ઓળખી લઈ તેને બહાર લાવવા કે ખીલવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવવાની હોય છે.આ શક્તિ ખીલવવામાં કે વિકસાવવામાં પૂરતું પ્રોત્સાહન,તક અને તાલીમ પૂરા પાડવા જોઈએ.બાળકમાં રહેલી વિશિષ્ટતા મુજબ તેમને વિકસવા ન દઈએ,તો બાળકની સર્જન શક્તિ મુરઝાઈ જાય છે.
આજે ચિત્ર કંઈક જુદું જ જોવા મળી રહ્યું છે.આજે મોટાભાગનાં મા-બાપ બાળકના રસ,રુચિ,આવડત કે વિશિષ્ટતાને ધ્યાને લેતા જ નથી.મા-બાપ મોટેભાગે દેખાદેખીથી જ પોતાના બાળકની કારકિર્દી ઘડવા માંગે છે.પોતાના કોઈ સગા સંબંધી કે મિત્રોનાં બાળકો જે દિશામાં જઈ રહ્યા હોય તે દિશામાં જ પોતાના બાળકને પણ દોરવા માટે મથે છે.ઉપર જોઈ ગયા તેમ દરેક બાળક પોતાની આગવી પ્રતિભા લઈને જન્મ્યું છે.મા-બાપ પોતાના અધૂરાં સ્વપ્નાં પોતાનાં સંતાનો દ્વારા પૂરાં કરવા મથે છે. પોતાની પ્રતિષ્ઠા માટે બાળકનો ભોગ લેવાય છે. ફલાણાનો દીકરો-દીકરી ડોકટર થઈ ગયા.આપણું સંતાન પણ ડૉકટર જ થવું જોઈએ. ફલાણાનો દીકરો -દીકરી સિકર/કોટા હોસ્ટેલમાં ભણવા જાય,તો આપણે પણ ત્યાં જ ભણાવીશું.આવી આંધળી દેખા દેખીમાં કેવાં પરિણામો આવે છે. એ પણ જાણવું એટલું જ જરૂરી છે.
તાજેતરમાં જ કોટામાં આપઘાત કરનાર વિદ્યાર્થીની કૃતિ ત્રિપાઠીની સુસાઇડ નોટ કાને ધરવા જેવી છે.કૃતિએ લખ્યું છે કે,તે કોટામાં ઘણા વિદ્યાર્થીઓને ડિપ્રેશન અને સ્ટ્રેસથી આત્મહત્યા કરતા રોકી શકતી હતી, પરંતુ તે પોતાની જાતને રોકી શકી નથી.ઘણા લોકો માનશે નહીં કે મારા જેવી ૯૦ + માર્કસ ધરાવતી છોકરી પણ આત્મહત્યા કરી શકે છે.પરંતુ મારા મન અને હૃદયમાં કેટલી નફરત છે,તે હું તમને સમજાવી શકું એમ નથી.તેની માતાને ઉદ્દેશીને તેણે લખ્યું છે,
‘તમે મારા બાળપણ અને બાળક હોવાનો ફાયદો ઉઠાવ્યો અને મને વિજ્ઞાન પસંદ કરવા દબાણ કરતા રહ્યા. હું પણ તમને ખુશ કરવા માટે વિજ્ઞાનનો અભ્યાસ કરતી રહી.મને કવોન્ટમ ફિઝિક્સ અને એસ્ટ્રો ફિઝિક્સ જેવા વિષયો ગમવા લાગ્યા.અને હું ફક્ત તેમાં જ બીએસસી કરવા માગતી હતી. આજે પણ હું તમને કહી દઉં કે આજે પણ મને અંગ્રેજી સાહિત્ય અને ઇતિહાસ ગમે છે.કારણ કે એ મને મારા અંધકાર ભર્યા સમયમાંથી બહાર નીકળવામાં મદદરૂપ થાય છે.’
કૃતિએ તેની માતાને ચેતવણી આપતા લખ્યું છે કે, ‘અગિયારમાં ધોરણમાં ભણતી નાની બહેન સાથે આ પ્રકારની ચાલાકી અને બળજબરી ભર્યું કૃત્ય ન કરજો. તે જે બનવા માંગે છે,એ તેને કરવા દેજો. કારણ કે એ તેમાં શ્રેષ્ઠ પરિણામ આપી શકે છે, જેને તે પસંદ કરે છે.’
કોટામાં કૃતિ અગાઉ આપઘાત કરનાર ત્રણ વિદ્યાર્થીઓ તેના મા બાપના એકના એક સંતાન હતા. અંકુશ (૧૭ વર્ષ), ઉજવલ (૧૮ વર્ષ). આ બંને બિહારના વતની હતા.પ્રણવ વર્મા (૧૭ વર્ષ).તે મધ્યપ્રદેશનો વતની હતો.
સ્પર્ધામાં આપણે આપણાં બાળકોના સપનાં છીનવી રહ્યાં છીએ.આજની શાળા કે કોચિંગ સંસ્થાઓ બાળકોને પારિવારિક સંબંધોનું મહત્ત્વ શીખવી શકતી નથી. બાળકોને નિષ્ફળતા કે સમસ્યાઓ સામે લડતા શીખવવા સક્ષમ નથી. બાળકો વચ્ચેની સ્પર્ધા તેમના જીવનમાં ઝેર ફેલાવી રહી છે.જે બાળક નબળો છે,તે આત્મહત્યા તરફ વળે છે.નિષ્ફળતાનો સામનો કેમ કરવો એ કોઈ સમજાવતું નથી.નિષ્ફળતાથી બાળકનું કોમળ હૃદય તૂટી જાય છે.આજીવિકા માટે શિક્ષણની ભૂમિકા એક ટકો જ માત્ર છે એ બાળકને ગળે ઊતરાવવાની જરૂર છે.