ભારતીય રેલવે લાખો કરોડો લોકો માટે પરિવહનનું એક મહત્વનું સ્ટેશન છે અને આ જ કારણ છે કે તેને લાઇફલાઇન તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે અમે તમારા માટે એક એવા રેલવે સ્ટેશનની માહિતી લઈને આવ્યા છીએ કે જ્યાં જવા માટે તમારે પ્લૅટફૉર્મ ટિકિટ નહીં પણ વિઝા લેવા પડશે. ચોંકી ગયા ને કે રેલ્વે સ્ટેશન પર જવા માટે વિઝા લેવા પડે? આ કોઈ ગપગોળા નહીં પણ હકીકત છે. વાતમાં વધારે મોણ નાખ્યા વિના જણાવીએ તો આ રેલ્વે સ્ટેશનનું નામ છે અટારી. અટારી રેલવે સ્ટેશન ભારત પાકિસ્તાનની બોર્ડર પર આવેલું છે અને સુરક્ષાના કારણોસર અહીં જડબેસલાક બંદોબસ્ત જોવા મળે છે. આ જ કારણસર આ સ્ટેશન પર આવવા માટે પ્લૅટફૉર્મ ટિકિટ નહીં પણ વિઝાની જરૂર પડે છે. જો કોઈ વ્યક્તિ વિઝા વિના પકડાય તો તેની સામે ફોરેન એક્ટ 14 હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. છે ને એકદમ અનોખું સ્ટેશન? ભારતનું આ એક માત્ર સ્ટેશન છે કે જ્યાં જવા તમારા પાસે વિઝા હોવો જોઈએ.