મૂર્તિની અંદર એક આખું ગામ કે કસ્બો વસાવી શકાય એટલી ક્ષમતા છે
પ્રાસંગિક -અમિત આચાર્ય
ખાસ વિશેષતાઓ
*આ મૂર્તિમાં સાતસો સીડી બનાવવામાં આવી છે.
*૨૭૦થી ૨૮૦ ફૂટની ઊંચાઇ પર કાચનો પૂલ
*૩૫૧ ફૂટની ઊંચાઇ પર જળાભિષેક થશે
———
રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના નાથદ્વારામાં દુનિયાની સૌથી ઊંચી શિવજીની પ્રતિમા બનીને તૈયાર થઇ ગઇ છે. એવો દાવો કરવામાં આવે છે કે આ મૂર્તિ દુનિયાની સૌથી ઊંચી મૂર્તિ છે. એનું નામ ‘વિશ્ર્વાસ સ્વરૂપમ’ (સ્ટેચ્યું ઑફ બિલિફ)રાખવામાં આવ્યું છે. શિવજીની આ પ્રતિમાનું લોકાર્પણ સમારોહની શરૂઆત ૨૯ ઓક્ટોબર, શનિવારથી મોરારીબાપુની રામકથા સાથે થઈ ગઇ છે. નવ દિવસ સુધી ચાલનારા આ સમારોહમાં રાજ્યના મુખ્યપ્રધાનો સહિત અનેક પ્રધાનો અને સેલિબ્રિટી અહીં પધારશે.
વિશ્ર્વની સૌથી ઊંચી શિવજીની પ્રતિમાનું નિર્માણ સંત કૃપા સનાતન સંસ્થાનના મુખ્ય ટ્રસ્ટી મદન પાલીવાલ દ્વારા કરવામાં આવ્યું છે. આ મૂર્તિમાં ભગવાન શિવ નાથદ્વારાને પ્રેમથી જોતા બેઠેલા હોય એવો ભાવ છે. આ મૂર્તિને બનાવવામાં આશરે દસ વર્ષનો સમય લાગ્યો છે. શિવની આ મૂર્તિ ઉદયપુર શહેરથી આશરે પિસ્તાલીસ કિલોમીટર દૂર નાથદ્વારાની ગણેશ ટેકરી પર બનાવવામાં આવી છે. જે જગ્યાએ આ મૂર્તિ બનાવવામાં આવી છે, એનું નામ ‘પદમ ઉપવન’ રાખવામાં આવ્યું છે. આ મૂર્તિની ઊંચાઇ એટલી છે કે તેને લગભગ વીસ કિલોમીટર દૂરથી પણ જોઇ શકાય છે. રાત્રીના સમયમાં પણ મૂર્તિ સ્પષ્ટપણે જોઇ શકાય એના માટે ખાસ લાઇટ્સ લગાવવામાં આવી છે. ભગવાન શિવજીના સામે લગભગ પચીસ ફૂટ ઊંચાઇના નંદીના પણ દર્શન થશે. આ નંદીની વિશેષતા એ છે કે તે નાચતા અને ઊભેલી સ્થિતિમાં છે.
આ મૂર્તિ બહારથી જ નહીં અંદરથી પણ એટલી જ વિશાળ છે. એક રિપોર્ટ અનુસાર એમાં એક આખું ગામ કે કસ્બા વસી શકે છે. આ મૂર્તિના અંદર બનાવેલા હોલમાં એક સાથે આશરે દસ હજાર લોકો સમાઇ શકે છે. બહારથી આ મૂર્તિ ૩૬૯ ફીટ ઊંચી છે, જ્યારે તેને અંદરથી સંપૂર્ણ રીતે જોવા માટે ચાર કલાકનો સમય લાગશે.
‘વિશ્ર્વાસ સ્વરૂપમ’ ભગવાન શિવની એકમાત્ર એવી મૂર્તિ છે, જ્યાં શ્રદ્ધાળુઓને દર્શન માટે લિફ્ટ અને સીડી તથા હોલ બનાવવામાં આવ્યો છે. જી હાં… આ મૂર્તિની અંદર સૌથી ઉપરના ભાગમાં જવા માટે ચાર લિફ્ટ અને ત્રણ સીડીઓ બનાવવામાં આવી છે. જેના દ્વારા મૂર્તિની અંદર વીસ ફૂટની ઊંચાઈથી ત્રણસો એકાવન ફૂટની ઊંચાઇ સુધી જઇ શકાશે. ૨૭૦ ફૂટની ઊંચાઈ પર ભગવાન શિવનો ડાબો ખભો છે. અહીંથી આખુ નાથદ્વારા દેખાય છે. અહીંથી ભગવાન શિવના ત્રિશૂળનાં દર્શન પણ થઇ શકશે. ૨૭૦થી ૨૮૦ ફૂટની ઊંચાઈ પર જવા માટે એક નાનો પુલ બનાવવામાં આવ્યો છે. આ પુલની ખાસિયત એ છે કે આ પુલ કાચનો બનેલો છે. કાચની સીડીઓ પરથી નીચેનો આહલાદક નજારો જોવા મળશે. પ્રતિમામાં ભગવાન શિવનો જમણો ખભો ૨૮૦ ફૂટની ઊંચાઈ પર છે. અહીંથી ‘પદમ ઉપવન’નો અદ્ભુત નજારો જોઇ શકાશે. અહીંથી ભગવાન શિવના નાગના દર્શન પણ સરળતાથી થઇ શકશે. ભોંયતળિયેથી ૧૧૦ ફૂટની ઊંચાઇ પર ભગવાન શિવનું આસન બનાવવામાં આવ્યું છે, જ્યાં એમનો જમણો હાથ જમીનથી અડેલો છે. આ વિસ્તારમાં એક નાની ગેલરી બનાવવામાં આવી છે. અહીંથી ઉદયપુરનો હાઈ-વે જોઇ શકાય છે. વીસ ફૂટની ઊંચાઈ પર એક્સપિરિયન્સ ગેલરીનું કામ ટૂંક સમયમાં જ પૂર્ણ કરવામાં આવશે, જેમાં એક પ્રોજેક્ટર પણ લગાવવામાં આવશે.
આ મૂર્તિના નિર્માણમાં ત્રણ હજાર ટન સ્ટીલ અને લોઢું, ૨.૫ લાખ ક્યૂબિક ટન કોંક્રિટ અને રેતીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ બસો પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તો પણ આ મૂર્તિને કોઇ ક્ષતિ પહોંચશે નહીં એવી રીતે એનું નિર્માણ કરવામાં આવ્યું છે.
લોકવાયકા છે કે જ્યારે ભગવાન શિવ શ્રીનાથજીને મળવા નાથદ્વારા આવ્યા હતા, ત્યારે તેઓ આ ટેકરી પર બેઠા હતા, તેથી જ તેને ગણેશ ટેકરી કહેવામાં આવે છે.
આ પ્રતિમામાં શ્રીનાથજીને મળવાનો આનંદ દર્શાવતી મુદ્રા બનાવવામાં આવી છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન શિવે તેમના કમંડળ અને ડમરુ મૂકીને આ જગ્યા પર આવ્યાં હતા, તેથી આ પ્રતિમામાં ભગવાન શિવનું ત્રિશૂળ છે, પણ ડમરુ અને કમંડળ નથી. ભગવાન શિવે જ્યાં ડમરુ અને કમંડળ મૂક્યા હતા, ત્યાં તેમની મૂર્તિઓ અલગથી બનાવવામાં આવશે.
’વિશ્ર્વાસ સ્વરૂપમ’ મૂર્તિના ચરણ સુધી જવા માટે ભક્તો પાસેથી કોઇ શુલ્ક વસૂલવામાં આવશે નહીં, પરંતુ જે ભક્તો ભગવાન શિવની મૂર્તિને અંદરથી જોવા માગે છે એમણે નક્કી કરેલો શુલ્ક આપવો પડશે. જો કે ટિકિટના દર અને સમય અંગે હજુ સુધી કઇં નક્કી કરવામાં આવ્યું નથી. અહીં લાઇટ અને સાઉન્ડના થ્રીડી ઉપયોગ કરીને શિવ સ્તુતિનું પ્રસારણ કરવામાં આવશે, જે ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહેશે. આ અંગેની માહિતી ‘સ્ટેચ્યૂ ઓફ બિલીફ’ની સાઈટ પર આપવામાં આવશે.
આ મૂર્તિને જાણીતા મૂર્તિકાર નરેશ કુમાવતે બનાવી છે. ત્રણ પેઢીથી તેઓ મૂર્તિ બનાવવાનું કામ કરે છે. તેમનું આ કામ દુનિયાના ૬૫ દેશોમાં ચાલુ છે. આ પ્રતિમાને બનાવવાની યોજના ૨૦૧૨માં બનાવવામાં આવી હતી. અઠાર ઓગસ્ટ, ૨૦૧૨ના રોજ નાથદ્વારાની ‘ગણેશ ટેકરી’ ખાતે ‘વિશ્ર્વાસ સ્વરૂપમ’ શિવજીની પ્રતિમાનો પાયો નાખવામાં આવ્યો હતો. જેમાં કથાકાર મોરારી બાપુ, રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત, ડૉ. સી.પી. જોષી, મિરાજ ગ્રુપના સીએમડી મદનલાલ પાલીવાલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.